મારાં બધાં કાર્યોમાં તમારી મદદ માંગું છું
તમારો દિવ્ય આઠે પ્રહર આશીર્વાદ માંગું છું. ... મારાં
તમારું સ્મરણ અંતરમાં અંખડપણે ભલે ચાલે,
તમારા ભાવનાં ફૂલો ભલે હરરોજ ને ફાલે;
ખરે ઉપકાર માનું કે તમારામાં જ જાગું છું ... મારાં
તમારો સાથ ને સહકાર જીવનમાં મળી જાયે,
કમી શી ધન્યતાની, કૃપાની વર્ષા સદા થાયે;
તમારી છત્રછાયા મધુર તેમજ હૂંફ માંગું છું ... મારાં
હશે ચિંતા પછી કૈ ના તમારા દિવ્ય સહવાસે,
તમારી શુભાશિષથી દર્દ ભય ને સંકટે નાસે;
થઇ 'પાગલ' પગે હૈયા થકી દરરોજ લાગું છું ... મારાં
- શ્રી યોગેશ્વરજી