સાંઈ, સર્વસમર્થ તમે.
કૃપા તમારી અમૃતસરખી, તરસ્યા છેક અમે;
કર્તવ્યતણો વિચાર કરજો, ચરણે ચિત્ત રમે.... સાંઈ, સર્વસમર્થ તમે.
સર્વજ્ઞ તમે કરો કૃપા તો, શંકા સર્વ શમે;
આપો આશીર્વાદ ન મનડું, બીજે ક્યાંય ભમે. ... સાંઈ, સર્વસમર્થ તમે.
વ્યાપક વિશ્વમહીં છો જાગ્રત,દિન ને રાત તમે;
સર્વસ્થળે કાળે સંભાળો, આવ્યા શરણે અમે ... સાંઈ, સર્વસમર્થ તમે.
'પાગલ’ પ્રેમી કૃપા કરો તો, સુખ ને શાંતિ જમે;
રૂપ તમારું તેમ તમારું, મુજને સર્વ ગમે. ... સાંઈ, સર્વસમર્થ તમે.
- શ્રી યોગેશ્વરજી

