યાદ તમારા વિના કરું શું ?
શું યાદ તમારા વિના કરું હું ?
ઊઠી પ્રભાતે પ્રથમ તમારા
ચરણોમાં પ્રણિપાત કરું છું;
શ્રધ્ધાના બે શબ્દ સુણાવી
પ્રેમતણાં બે પુષ્પ ધરું છું ...યાદ.
તમે જ મારાં સ્વજન હિતેચ્છુ,
માતપિતા ને ગુરૂ ગણું છું;
પાલક તારક ને ઉધ્ધારક,
ક્લેશ તમારા થકી હણું છું ... યાદ.
તમારા સમું કો' સંસારે,
તમને સ્વામી શ્રેષ્ઠ ગણું છું;
તન મન એક તમારા ભાવે
સત્ય કહું દિનરાત વણું છું ... યાદ.
'પાગલ' ના પ્રભુ કૃપાળુ છો તો
સ્તવન કરીને શાંતિ લહું છું;
જો જો ભૂલ ન થાય જરીયે
વંચિત કૃપા થકી ના રહું હું ! ...યાદ.
- શ્રી યોગેશ્વરજી