મુજને મદદ કરો ના કેમ ?
દયા કરીને દર્શન આપો, વરસો કેમ ન રે’મ ?...મુજને.
ભક્તોની પર કૃપા કરો છો, જાહેર કર્યું એમ;
મિથ્યા વચન ઠર્યાં શું સઘળાં ? કલેશ હરો ના કેમ ? ...મુજને.
સમર્થ છો છો મૂક છતાંયે, વિસર્યા શિશુને કેમ ?
કરુણાગાર કહેવાઓ છો, બેઠા જડની જેમ ! ...મુજને.
સ્તવન કરૂં છું સદા તમારૂં, રટણ કરૂં છું તેમ;
ઉત્તર કેમ છતાં ના આપો, કેમ કરો ના ક્ષેમ ? ...મુજને.
અધિકાર તણો વિચાર છોડી, કરો હવે તો પ્રેમ;
'પાગલ’ પાસે પ્રકટ બની લો, સાંઈનાથ, સપ્રેમ ! ...મુજને.
- શ્રી યોગેશ્વરજી