મુજને દર્શન આપી દો, ના નુકશાન તમોને તો !
સર્વસમર્થ તમે છો ત્યારે, કષ્ટો કાપી દો;
જીવનમાં મધુતારસ રેલો,
વિચાર એમાં શો ?...મુજને
હૃદય તમોને મળવા માગે, વિરહ મટાડી દો;
ગાય પછીથી રગરગ મારી,
અભિનવ રાગે હો !...મુજને
સ્વર સાંભળવા માગું મીઠા, આજ સુણાવી દો;
જાગે અંગનું અણુઅણુ મારું
શીતળ સ્પર્શે છો ! ...મુજને
કર્તવ્ય કરું કવિતા કરતાં, મમતા માપી લો;
તમેય પ્રેમ તમારો ઢાળો,
વિલંબ એમાં શો ?...મુજને
- શ્રી યોગેશ્વરજી