રક્ષા કરશો રોજ તમે.
માની લીધું એમ અમે. ...રક્ષા.
મનડું મારું સ્વરૂપ રસમાં, કરતાં સ્નાન રમે;
સંભાળ સદા લેશો તેની, કરતાં સ્નેહ તમે. ...રક્ષા કરશો
સ્મરણ તમારું સહજ થયું છે, બીજું કૈં ન ગમે;
કૃપાપિયૂષતણું પાન કર્યે સઘળા કલેશ શમે ... રક્ષા કરશો
ભયંકર ભલે ભેખડ આવે, દિલડું દર્દ દમે,
શ્રદ્ધા છે કે વિજનમહીં યે રે’શો સાથ તમે ... રક્ષા કરશો
ચિંતા મટી ગઈ છે મારી, પીડા પ્રાણ ખમે;
'પાગલ’ આતમ અર્પણ કરિયો, વારંવાર નમે. ...રક્ષા કરશો
- શ્રી યોગેશ્વરજી