લઊં આધાર બીજાનો કહોને દેવ, હું શાને ?
તમારો સાથ છે મુજને ફરું સાનંદ ના શાને ?
બની લાચાર લોચનમાં, નિરાશાને ભરી મનમાં,
નિરંતર આંસુ સારું કાં લઈને વેદના પ્રાણે ! ....લઊં આધાર
અનાથ સમો ફરું શાને જગતમાં આર્ત એકાકી,
તમારી હો કૃપા તો થાય સત્વર ફિકરની ફાકી;
સતાવે કલેશ ને ભય ના, રહે કોઈ સમશ્યા ના,
ધરાયે ધ્યાન કોનું મન મળ્યું જ્યાં તમારા ધ્યાને ! ....લઊં આધાર
તમારી હુંફ છે પૂરી, નથી શક્તિ પણ અધૂરી,
પછી કંગાલિયતનાં ગીત ગાતાં હું મરું શાને ?. ...લઊં આધાર
તમારી હો કૃપાદ્રષ્ટિ સુધાની થાય તે વૃષ્ટિ,
તમારા સ્નેહથી મારી બને સ્વર્ગીય સૌ સૃષ્ટિ;
થઈ 'પાગલ’ તમારા નેહમાં દિનરાત હું ન્હાઉં,
કમી ના કૈં પછી મુજને, કૃતાર્થ થઊં નહીં શાને ?....લઊં આધાર
- શ્રી યોગેશ્વરજી