પ્રભુતા તમારી પાળો, પ્રભુજી મારા,
પ્રભુતા તમારી પાળો,
વનવગડામાં આજે ભમું ને અટવાઉં,
મારે એક તમારો સહારો;
હાથ પકડી મને માર્ગ બતાવો,
દયા કરીને ન્યારો. ...પ્રભુજી મારા.
'મારી કૃપા છે પછી ચિંતા શાની છે કહો,
ભય ક્યાં સારો નઠારો;
મારે ભરોસે જીવો, રક્ષા કરીશ હું તો’
વચન તમારાં વિચારો. ..પ્રભુજી મારા.
દોષો સામે ના જોશો, અપરાધી છેક હું તો,
તીખા તે તાપથી તારો;
તમે ના સામું જુઓ તો કોઈ ના સ્નેહી મારે,
પોતાનો માન્યો તેને પાળો....પ્રભુજી મારા.
કોઈ આધાર મારે અવર નથી હવે તો,
'પાગલ’ પ્રાર્થે સંભાળો,
અમુલખ અવસર આવ્યો કોઈ કારણે એને
જો જો હવે ના હારો. ...પ્રભુજી મારા.
- શ્રી યોગેશ્વરજી

