ભક્તો પર સંકટ વરસે ત્યાં સુઈ જાવ છો કેમ ?
ક્લેશ તણા કંટકને કાપી માર્ગ કરો ના કેમ ?
'ખુલ્લે હાથે શરણાગત પર રોજ કરું છું રે'મ,'
વચન તમારાં ગયાં મરી શું, કેમ કરો ના પ્રેમ ?
બળ વિખ્યાત તમારું કેવું પરંપરાથી છે,
કૃપા તેમ કરુણાની વાતો ખૂબ ગવાઇ છે;
કેમ છતાંયે જોયા કરતા સ્નેહીના સંતાપ,
બોલો શાને લેશ તમે ના જપ્યે નિરંતર જાપ ?
તમારા વિના કોઇનો ના મારે છે આધાર,
નાખી દીધો તમારા જ પર મુજ જીવનનો ભાર;
'પાગલ' બાળક ઝંખે તેને જીવન દો તત્કાળ,
કોટિ કિરણને રેલાવી દો, દૂર કરો અંધાર.
- શ્રી યોગેશ્વરજી