બતાવો બળ બળવાન, તમારું.
ચાલે જોર ન કૈંય અમારું; ...બતાવો બળ.
ચારેપાસ તિમિરદળ છાયાં,
રાત કરે રખવાળું ;
ચપલા ચમકે, વાદળ ગગડે,
દિવ્ય કરો અજવાળું....બતાવો બળ
વનની વાટ વિજન ને વસમી,
સાથ ન કોઈ ભાળું ;
પંથ ન સૂજે; શીતળ સ્પર્શે
તોડો ઉરનું તાળું....બતાવો બળ
સત્ય પ્રેમ પ્રાણમહીં ભરિયો,
તેથી હું પોકારું ;
સાધન છોડી દીધાં બીજાં,
અશ્રુ એકલ સારું. ...બતાવો બળ
વહી જાય અવસર તે પહેલાં
કરતાં સ્મિત માયાળુ,
આવો વ્હારે; ભવોભવલગી
ના ઉપકાર વિસારું....બતાવો બળ
- શ્રી યોગેશ્વરજી

