Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સાંઈનાથ તમારું નામ કેવું જાદુભરેલું છે !
પ્રેરક તેમજ પાવન નામ સ્વાદુ સુધાછલેલું છે !
સાંઈનાથ તમારું નામ કેવું જાદુભરેલું છે !

આપે અંતરને આરામ, કાપે કષ્ટ કરાળ તમામ;
ચિંતાનાશક મંગલ નામ એવું પ્રાણભરેલું છે !
સાંઈનાથ તમારું નામ કેવું જાદુભરેલું છે !

સુણતાં વેંતજ હૈયું હાસે, રગરગ રમતી રસને રાસે;
પીએ જીવન દૈવી જામ: એવું રંગભરેલું છે !
સાંઈનાથ તમારું નામ કેવું જાદુભરેલું છે !

એમાં આનંદ ભાર્યો, પૂરો, મૂકે પીડાની પર પૂળો;
નિર્ધન તેમ ધનીનું ધામ: એવું પુણ્યભરેલું છે !
સાંઈનાથ તમારું નામ કેવું જાદુભરેલું છે !

બે અક્ષર પણ કેવા મીઠા, ભક્તે એમાં વેદ જ દીઠા;
તેમાં મળિયાં તીર્થ તમામ: એવું કીર્તિભરેલું છે !
સાંઈનાથ તમારું નામ કેવું જાદુભરેલું છે !

એનો આધાર લઈ લેતા, એને સાધન ના કૈં રે’તાં;
થાયે એનાં સઘળાં કામ, એવું મધુભરેલું છે !
સાંઈનાથ તમારું નામ કેવું જાદુભરેલું છે !

'પાગલ’ નામતણો રસ પી તું, મુશ્કેલ રહે તો જગમાં શું ?
રટવું નિત્ય નિરંતર નામ: એવું જાદુભરેલું છે !
સાંઈનાથ તમારું નામ કેવું જાદુભરેલું છે !

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit