શિરડી ગામે પ્રકટ થયેલાં તમે ખરે પરબ્રહ્મ જ આપ,
બ્રહ્મા જેનું ધ્યાન ધરે ને કરે જેમના જોગી જાપ;
વેદમહીં વિખ્યાત યશસ્વી, ધર્મતણા ધરનાર વળી,
કરું તમારી આજ પ્રાર્થના નમી નમીને ફરીફરી.
નથી પ્રાર્થનાની ગમ કૈં યે, શક્તિ કે બુદ્ધિ ન જરી;
પ્રશંસકો ભક્તો લાખોમાં મારી ગણના કૈં ન વળી;
છતાં પ્રેમથી પ્રેરાઈને સ્તવન તમારું આજ કરું,
લાખ તમારે પરંતુ હું તો તમારા થકી શ્વાસ ધરું.
તમારે નથી કમી સ્તવનની, પ્રાર્થનાતણી પ્યાસ નહીં;
પ્રેમીપણ નિજ ભાવ વહાવ્યા વિના કદી ન શકે જ રહી;
અંતરના અર્ણવમાં ઊઠે અનેકરંગી કૈંક તરંગ,
અર્પણ કરે તમોને તે તો અનુરાગ ભરી અંગેઅંગ.
સાધારણ આ એક તમારા પ્રેમીજન પર કૃપા કરો,
કરુણાધાર તમારી તેના રોમરોમને સદા ભરો;
'પાગલ’ પ્રેમીને અપનાવો એજ પ્રાર્થના મારી આજ,
સર્વસમર્થ, તમારે કાજે કોઈયે ના દુષ્કર કાજ.
- શ્રી યોગેશ્વરજી