વિશ્વમાં વ્યાપક, પિતામાતા જગતના હે પ્રભુ,
સર્વના હૃદયે રહેલા પ્રેમના સાગર વિભુ;
પ્રભાતે ઊઠી તમારી પ્રેમથી પૂજા કરું,
સિદ્ધ સાંઈનાથ, તમને નમું વારંવાર હું !
જિંદગીના કામ કરતાં તમારી યાદી કરું,
શ્વાસ લેતાં ભાવકેરી પ્રાણમાં ભરતી ભરું ;
તમારામાં મન લગાડી કરું સાધન રોજ હું,
સિદ્ધ સાંઈનાથ, તમને નમું વારંવાર હું !
કષ્ટ કાપો, કલેશ ટાળો, વિઘ્ન નષ્ટ કરો વળી,
શમાવો ચિંતા બધી,મારગ રહો ઉજ્જવળ કરી ;
દિવ્ય ઉત્સાહે ભરી દો, કૃપા વરસાવો હજુ,
સિદ્ધ સાંઈનાથ, તમને નમું વારંવાર હું !
તમારો આધાર લે તેને અશક્ય નથી કશું,
ચહે તે આપો તમે સામ્રાજ્ય સુખ યશ ને વસુ ;
કહે 'પાગલ’ કરો એવું કે સદાકાજે હસું,
સિદ્ધ સાંઈનાથ, તમને નમું વારંવાર હું !
- શ્રી યોગેશ્વરજી