તમારી કૃપા કદી ના ખૂટે,
એ તો અનંત ધારે છૂટે ... તમારી કૃપા
મેઘ ગગનથી, અમી અન્નથી,
તેજ સૂર્યથી ખૂટે;
જળ સૂકાઇ જાય સકળ, પણ
કૃપાતાર ના તૂટે ... તમારી કૃપા
અનંત વરસોથી વરસે એ
અનેક એને લૂંટે;
તો પણ એમાં ઓટ ન આવે,
નવા ફુવારા ફૂટે ... તમારી કૃપા
દુઃખ દીનતા દૂર કરે ને
કોટિ ક્લેશને ફૂટે;
એ જ કૃપાની આશા રાખું,
કદી ન જો જો ખૂટે ... તમારી કૃપા
- શ્રી યોગેશ્વરજી

