Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
તમારા વિના કોઈ મને સંપૂર્ણ સુખ નહિ આપી શકે.
ને સાચે જ કહું છું કે મારા અંતરમાં સુતેલી સિતાર
તમારા વિના બીજા કોઈનાય સ્પર્શે નહિ જાગી શકે.
તમારા વિના મને કોઈયે સંપૂર્ણ સુખ નહિ આપી શકે.

રણમાં ચાલતો પ્રવાસી જેમ પાણીની આશાથી આગળ ને આગળ વધતો જાય,
ને છાયાને જોઈને હરખાઈ જાય, એ રીતે તમને જોઈને મારું હૈયું હરખાઈ રહ્યું છે.
મારા પ્રાણમાં નવી તાકાત પેદા થઈ છે.
મારી શક્તિ ફરી તાજી થઈ છે ને મારી આશા અભિનવ બનીને નવાનવા શૃંગાર સજી રહી છે.

ભોગ મેં અનેક ભોગવ્યા ને સ્થાન પણ અનેક જોયા,
પણ તેથી તો તમારે માટેના મારા તલસાટમાં વધારો થયો છે.
તમારા મુખમંડળને ધારીધારીને જોવાની ઝંખના વધી પડી છે,
ને તમારા પ્રેમરસનું પાન કરવા અંતર આતુર થયું છે.

આ જ મારું દર્દ છે ને તેની દવા તમારા વિના બીજા કોઈની પાસે નથી,
બીજા કોઈથીયે થઈ શકે તેમ નથી.
વરસો વીતી ગયાં છે, પણ મારી ઝંખના હજી શમી નથી ને પ્રતીક્ષા મટી નથી.
માટે જ કહું છું કે તમારા વિના કોઈ મને સંપૂર્ણ સુખ નહિ આપી શકે,
મારા જૂના દર્દને નહિ ટાળી શકે.

- શ્રી યોગેશ્વરજી