જેને તમે પ્રેમ આપો છો તેને અખંડ જાગરણ પણ આપી દો છો.
તમારે માટેનો તીખો તલસાટ તેના હૃદયમાં ભરી દો છો,
ને તમારી અખંડ પ્રતીક્ષાથી તેના તન ને મનને રંગી દો છો.
તમારે માટેની અખંડ ને અનંત વેદના તેના પ્રાણમાં ભરી દો છો
ને તમારા દિલનું દાન દો છો તેને
અખંડ જાગરણ, ઉદાસીનતા, તન્મયતા ને પ્રાર્થનાનું દાન આપો છો.
સુમનની સેજ પર સુવાનું તેને માટે સહેલું નથી.
ઈન્દ્રભુવન ને કુબેરના ભંડાર પણ તેની પાસે સુકાઈ જાય છે.
તેના દિલમાં તમે ઘા કરો છો ને તેમાં વળી ધીરેધીરે મીઠું ભરો છો.
જેને તમે પ્રેમ કરો છો ને દિલનું દાન દો છો તેને બેચેન કરો છો.
આંખમાં આંસુની વૃષ્ટિ ને અંગમાં પોકારોની પરંપરાને ભરી દો છો.
એવી સૃષ્ટિમાં એક તમે જ વસી રહો છો.
આંખમાં આંસુની વૃષ્ટિને ભરી દો છો.
પણ એથી સાચા પ્રેમી પાછા પડતા નથી ને ભયભીત પણ થતા નથી.
કેમ કે તેમની આશા અમર છે.
તે જાણે છે કે આજે જે વેદનામાં સુખ માને છે
તે જ આવતીકાલના મિલનના સનાતન સુખને મેળવી શકે છે,
ને જે આંસુથી એકાદવાર પણ આરાધના કરે છે
તે જ એક દિવસ અમૃતની વર્ષામાં સ્નાન કરે છે ને કૃતાર્થ બને છે.
- શ્રી યોગેશ્વરજી

