મારી તમને પ્રાર્થના છે કે જીવનની એકે ક્ષણને વ્યર્થ ના જવા દો.
જીવનના અમૃત પ્યાલાનું પાન
તમે હોંશે હોંશે ને ધરાઈ ધરાઈને કરો ને મને પણ કરવા દો.
મારી તમને પ્રાર્થના છે કે જીવનની એકે ક્ષણને વ્યર્થ ના જવા દો.
એકમેકનાં હૃદયને ખુલ્લાં કરવાનો ને રસથી ભરપુર બનાવવાનો
આ ઉત્તમ અવસર જન્માંતરના કોણ જાણે કયા સત્કર્મના પરિપાકરૂપે પ્રાપ્ત થયો છે,
તેને એમનેમ વેડફી ના નાખો.
હે પ્રાણ, એમનેમ વેડફી ના નાખો.
એનો તમે હોંશે હોંશે ને ધરાઈ ધરાઈને લાભ લો.
મારી તમને પ્રાર્થના છે કે તેનો તમે ધરાઈ ધરાઈને લાભ લો.
મારું જીવન તમારું જ છે. તન, મન ને અંતર સર્વ કાંઈ તમારું જ છે.
ને તમારે માટે જ તેને વહી જવા ને કૃતાર્થ થવા દો.
હે અંતર્યામી, કૃતાર્થ થવા દો.
તમારું જીવન સર્વસ્વ પણ મારી પૂજાનું ફોરમવંતુ ફૂલ બની જવા દો.
તમે મારાં પ્રાણ, જીવન ને શ્વાસોશ્વાસ હો !
- શ્રી યોગેશ્વરજી

