મારા પ્રેમનો વિચાર તો કરો. હું તમને કેટલો બધો ચાહું છું !
તમારે માટે મારા હૃદયમાં કેટકેટલો રાગ ભરેલો છે તેનો ખ્યાલ તો કરો.
મારા તનમાં, મનમાં ને અંતરમાં એક તમારો જ રાગ ભરેલો છે.
તમારા વિના મારા રોમેરોમમાં બીજું કશું જ નથી.
હૃદયને ખોલીને જુઓ તો ખરાં !
તમારા વિના તેમાં બીજું કોઈ દેખાય છે ખરું ?
મારા પ્રાણ પર તમારી જ સત્તા ને તમારું જ રાજ્ય ચાલી રહ્યું છે.
પાણીના ધોધમાર વહેતા પ્રવાહની પેઠે મારા જીવનમાં તમારો પ્રેમ વહ્યા કરે છે.
તમારે માટે તે પૂજાનો થાળ ખુલ્લો કરે છે.
તેનો તમે સ્વીકાર કરો.
એ કામનાથી તે તમને ઉપરાઉપરી સંદેશ ધરે છે.
મારા પ્રેમનો વિચાર તો કરો. જગતમાં તમને તેનો જોટો નહિ જડે.
મારા પ્રેમનો વિચાર તો કરો.
મારાથી દૂર રહેવાનું તમને જરા પણ નહિ ગમે, નહિ પરવડે.
- શ્રી યોગેશ્વરજી

