તમારું આજનું સ્વરૂપ કેટલું બધું સુંદર ને અનેરું હતું !
પ્રભાતના પ્રથમ પ્રહરમાં પ્રેમની કોઈ પોયણી જેવાં તમે મારી પાસે પ્રકટ થયાં,
ત્યારે મારી આંખ ને અંતરમાં આનંદ આનંદ ફરી વળ્યો.
રેશમી વસ્ત્રોમાં વીંટળાયેલું તમારું શરીર કેટલું બધું સુંદર, શીતળ ને આકર્ષક હતું !
કરોડો કામદેવના સદનસમું એ શરીર જોતાં વેંત જ મનને મુગ્ધ કરી દેતું ને પાવન કરતું.
એ સ્વરૂપ સાથે તમે પ્રકટ થયાં ત્યારે મારા જીવનમાં વસંતઋતુનો પવિત્ર પવન ફરી વળ્યો.
મારી આંખમાં આંખ મિલાવીને થોડીવાર ઉભા રહ્યા
પછી તમે મને આલિંગન આપ્યું ને મારા ખોળામાં મસ્તક મૂક્યું,
તે વખતે મારા રોમેરોમમાં રાગ-રાગિણી શરૂ થઈ.
જીવન જાણે ઉત્સવમય બની ગયું.
તમારી વેણીને સુંઘતા સુંધતાં મેં તમારા પ્રેમનું સ્વાગત કર્યું.
ત્યારે તમે સોળે કળાએ ખીલી ઉઠ્યાં.
મેં કહ્યું : દેવી, તમે કેટલાં બધાં સુંદર લાગો છો ! તમારા સ્વરૂપને ધરાઈ ધરાઈને જોવા દો.
ને તમે મસ્તકને ઊંચું કરી મને ફરીવાર આલિંગન આપ્યું.
આકાશમાં તાજા ઉગેલા સૂર્ય વિના આપણા આ દિવ્ય પ્રેમનું કોઈ સાક્ષી ન હતું.
તમે વિદાય થયાં ત્યારે કહેતાં ગયાં :
આજના આપણા મિલનની એક સુમધુર સ્મૃતિ તમારે માટે મૂકતી જાઉં છું.
ને તમે મારા ખોળા તરફ સંકેત કર્યો.
મને આશ્ચર્ય ને આનંદ બંને થયાં.
ખોળામાં મારા કપાળ પર તમારો ચાંલ્લો અંકિત થઈ ગયો હતો.
તમારા અમૃતમય આલિંગનની યાદ આપતો.
એ ચાંલ્લો સાચેસાચ આપણા પ્રેમના સ્મારકરૂપ હતો.
જતાં જતાં તમે કહેતાં ગયાં - એને સાધારણ ચાંલ્લો ના માનતા.
એના રૂપમાં મારા ભાગ્યને, જીવનને ગતિવિધિને, હું તમારે ચરણે મૂકતી જાઉં છું.
હવે હું સંપૂર્ણપણે તમારી થઈ ગઈ છું.
- શ્રી યોગેશ્વરજી

