સ્વપ્નમાં મને સાગરનું દર્શન થયું.
મેં તેને પૂછ્યું તો તેણે મને ઉત્તર આપ્યો :
‘વેદના મારી માતા છે ને રુદન મારો પિતા.
સંયમ મારું હૃદય છે. તેને લીધે જ હું જીવી શકું છું.’
મેં કહ્યું : ‘એવા જીવનમાં આનંદ શો ?
આંસુની અંદર અટવાઈ જાય ને વેદનાથી જેનો પ્રાણ વલોવાઈ જાય,
એ જીવનમાં આનંદ શો ?’
તેણે કહ્યું : ‘શાંતિ ને સમતા મારો પ્રાણ છે.
ઈશ્વરની એ મહાન બક્ષીસ છે.
તેને લીધે હું બીજાને ઉપયોગી થઈ શકું છું, ને જીવનની ધન્યતા માણ્યા કરું છું.’
- ત્યારે મને તેના જીવનમાં વિશેષતા લાગી ને રસ પડ્યો.
ત્યારથી મને સાગરનો સહવાસ અત્યંત સુખમય લાગ્યા કરે છે.
- શ્રી યોગેશ્વરજી