વરસાદ જેવી રીતે ધરતીને માટે પોતાનો વૈભવ ખુલ્લો કરે છે ને પોતાના વહાલને વહેતું મૂકે છે,
તેવી રીતે તમારે માટે મારા વહાલને વ્યક્ત કરવાની
ને તમારી ધરતી માટે મારા વૈભવનો ભંડાર ખુલ્લો કરવાની તક મને ક્યારે મળશે ?
મારા ઉરના ઉમળકાને ન્યાય આપીને હું તમારી સાથે કિલ્લોલ કરીશ,
ને મારા રોમેરોમમાંથી અનુરાગના આલાપ વહેવડાવતાં
તમારી સામે એક ને એકાકાર, તન્મય ને તદ્રુપ ક્યારે બનીશ ?
તમારી સાથે પ્રેમ કરવાના અનેક મનોરથ મારા મનમાં ઉત્પન્ન થયા કરે છે.
તેમને પૂરા કરવાની ને મારી ભાવનાને સફળ કરવાની તક મને ક્યારે મળી શકશે ?
વરસતા વરસાદની વચ્ચે એવા એવા વિચારો કરતાં આજે તો હું બેસી રહ્યો છું.
- શ્રી યોગેશ્વરજી

