Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
મારી પાસે સુવર્ણ, મોતી કે ધનના ભંડાર નથી કે તમારે ચરણે ધરી શકું,
ને એવો વૈભવ નથી કે જેથી તમને છો તેથી વધારે વૈભવી કરી શકું.
મારી પાસે એવું છે જ શું જે તમને આપી શકું ?

રૂપ કે ગુણ પણ નથી જેથી તમને પ્રસન્ન કરી શકું
ને વિદ્યા, કળા કે સાધનાયે નથી જેથી તમારી કૃપાના મંગલ મંદિરના શિખર પર પહોંચી શકું.
મારી પાસે એવું છે જ શું જે તમને આપી શકું -
જેથી તમને પ્રસન્ન ને પુલકિત કરી શકું ?

ને પ્રભુએ પ્રેમીના હૃદયમાં રહીને ધીરેથી કહ્યું :
બીજું કાંઈ નથી, પણ આ હૃદય તો છે ને ?
પ્રેમનો જ હું ભુખ્યો છું.
ને તેથી પ્રસન્ન ને પુલકિત થઈને ક્યારનો હું તારા આ ઉત્તમ આસન પર રમી રહ્યો છું.

- શ્રી યોગેશ્વરજી