Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
મહેલે ઝૂંપડીને કહ્યું : તારી દીનતાનો તે કાંઈ પાર છે ?
જો મારું ઐશ્વર્ય, રૂપ, બલ, સુખ ... ને જો તારી જનમજનમની દરિદ્રતા !
મારી પાસે શું તું શોભે છે ?

ઝૂંપડીએ શાંતિથી ઉત્તર આપ્યો :
ભાઈ મહેલ, આપણે આજ સુધી ભાઈબેન બનીને જીવ્યાં છીએ.
એકમેકના સુખમાં સુખી ને દુઃખમાં દુઃખી હતાં.
આજે તને આ અભિમાન ક્યાંથી થયું ?
ભાઈ, તારું ઐશ્વર્ય અજોડ છે એ વાત ખરી. પણ મારા વિના તારી કીંમત કોણ કરત ?
તારી મહત્તાની ખબર પણ કોને પડત ?
મારી એટલી સેવા પણ તું સમજી શકતો નથી તેનો મને અફસોસ છે.
વળી તારી દૃષ્ટિ ટૂંકી છે તેનું મને દુઃખ છે.
વાત એમ છે કે તારું ને મારું મૂલ કાળની પાસે સરખું જ છે.
સંસારને સુશોભિત અને સુવાસિત કરનારા જ્યોતિર્ધરો મારી જ સોડમાં જનમ્યા છે,
ને મારા જ હૃદય પર રમીને મોટા થયા છે.
તને તેવું સૌભાગ્ય ભાગ્યે જ એકાદ બે વાર મળ્યું છે.
પ્રભુના નામના રણકારથી હું સુખી અને વૈભવી જ છું.

એ પછી મોડી રાતે ઝૂંપડીમાં કીર્તન શરૂ થયું
ત્યારે મહેલમાં મદિરાપાનની મહેલફિલ ઉડવા માંડી.

બીજે દિવસે ઝૂંપડીમાં એક બાળકનો જન્મ થયો.

એકાદ મહિનામાં તો ભયંકર ધરતીકંપ થયો ને મહેલ ને ઝૂંપડી બંને ધરાશાયી થઈ ગયાં.
પણ ઝૂંપડીનું જયગાન કરનારો પેલો બાળક આગળ જતાં પયગંબર બન્યો ને બધે વિચરવા માંડ્યો.

- શ્રી યોગેશ્વરજી