તમે મને કેટકેટલી કવિતાઓ અર્પણ કરી છે !
આ સંસારમાં શ્વાસ લેવાની મેં શરૂઆત કરી ત્યારથી તે આજ સુધી
તમે અનેક રૂપે ને અનેક વાર આવીને મારા અંતરને અમીમય કર્યું છે,
ને તેમાંથી જાતજાતની ને ભાતભાતની રાગિણી વહેતી મૂકી છે.
તમે મને કેટકેટલી કવિતાઓ અર્પણ કરી છે !
સંગીત વિના સાચે જ મારું સર્વ કાંઈ સૂનું ને જીવન નીરસ હોત.
ગીતોના રૂપમાં તમે મને એવી તો ભેટ ધરી છે જેનો સ્વાદ કદી શમે નહિ.
કાળ એનો કોળિયો ના કરી શકે, ને વ્યાધિ ને વાર્ધક્યથી એની પાસે ફરકી પણ ના શકાય.
ગીતોનો રૂપમાં તમે મને એવો ઉત્તમ ઉપહાર ધર્યો છે.
તમારો આભાર હું કેવી રીતે માની શકું ?
જીવનને કવિતા કરીને તમારે ચરણે કાયમને માટે અર્પણ કરું છું.
તે કવિતાના છંદોમાં મારા પ્રાણને વહેતો મૂકું છું.
એથી વિશેષ હું તમારો આભાર કેવી રીતે માની શકું ?
તમારા તરફની કૃતજ્ઞતાની અભિવ્યક્તિ કેવી રીતે કરી શકું ?
- શ્રી યોગેશ્વરજી

