આંખ તમારી આંખમાં મળે છે, હૈયું તમારા હૈયા સાથે એક બને છે,
ને હાથ તમારા સુધામય શરીરને વેલની જેમ વીંટી વળે છે,
ત્યારે કેમ કરીને કહી બતાવું કે મને કેટલી બધી તૃપ્તિ મળે છે,
કેટલું અપાર સ્વર્ગસુખ મળે છે !
એમાં વળી કાંઈક કમી હોય તેમ
મારા શરીરને તમે પ્રેમના આવેશમાં આવીને ચુમવા માંડો છો
ત્યારે તો મારા તન, મન કે અંતરમાં એક સાથે અનેક રાગરાગિણી જાગી ઉઠે છે,
ને પ્રાણની વીણા ધન્યતાના ધ્વનિ કરતી જાગી ઉઠે છે.
એની આગળ યોગ ને ભોગ, તપ ને તીરથ,
યજ્ઞ ને યાગ, બધું જ ક્ષુલ્લક લાગે છે,
ને જ્ઞાન પણ નીરસ બને છે.
આંખ તમારી આંખમાં મળે છે,
હૈયું તમારા હૈયા સાથે એક બને છે,
ને હાથ તમારા સુધામય શરીરને વીંટી વળે છે,
ત્યારે કેમ કરીને કહી બતાવું કે મને કેટલી બધી તૃપ્તિ મળે છે,
કેટલું અપાર સ્વર્ગસુખ મળે છે !
- શ્રી યોગેશ્વરજી

