કંઠથી મોહાઈને શું કરું ?
કંઠ તો નશ્વર છે. આજે છે ને કાલે નથી :
કંઠથી મોહાઈને શું કરું ?
રૂપથી મોહાઈને શું કરું ?
રૂપ તો નશ્વર છે. આજે છે ને કાલે નથી :
રૂપથી મોહાઈને શું કરું ?
જ્ઞાનના ગૌરવથી ઘેલો થઈને શું કરું ?
જ્ઞાન પણ પરિમિત છે. આજે છે તેવું કાલે નથી.
જ્ઞાનના ગૌરવથી ઘેલો થઈને શું કરું ?
બળની પાછળ બહાવરો બનીને પણ શું કરું ?
બળ પણ નશ્વર છે. આજે છે ને કાલે નથી.
બળની પાછળ બહાવરો બનીને પણ શું કરું ?
શરીરની પાછળ પાગલ બનીને શું કરું ?
શરીર તો ક્ષણિક છે. આજે છે ને કાલે નથી.
શરીરની પાછળ પાગલ બનીને શું કરું ?
હું તો તમારા હૃદયથી મોહિત થયો છું,
તમારા હૃદય પર વારી ગયો છું.
આત્માના અનુરાગથી અંજાયો છું
ને માટે જ કહું છું કે આપણો અનુરાગ અમર છે.
જેમ આત્મા અમર છે, પરમ સુખમય છે, તેમ આપણો સંબંધ અમર ને સુખમય છે.
- શ્રી યોગેશ્વરજી

