જરી વિચાર તો કરી જુઓ કે તમારી જરૂર મારા જેટલી આ જગતમાં બીજા કોને છે ?
બીજા કોના અંતરમાં તમારે માટેના વિરહની આટલી મોટી સગડી સળગી રહી છે,
કોનું અંતર તમારે માટે આટઆટલું તલસી રહ્યું છે,
કોણે તમારી સાથે આવી પુરાણી ને પવિત્ર પ્રીત બાંધી છે;
અનુરાગનાં આટઆટલાં આંસુ તમારે માટે બીજા કયા બડભાગી પુરુષે વહાવ્યાં છે;
કોણે તમને પોતાનાં પ્રાણ ગણીને પોતાના રોમેરોમમાં પ્રતિષ્ઠિત કર્યાં છે;
આંખ ને અંતરમાં આટઆટલો ઉમળકો ભરીને આજ સુધી તમને બીજા કોણે નિહાળ્યાં છે,
ને કોણે તમારે માટે પોતાની જાતનું સર્વ સમર્પણ કર્યું છે તેનો વિચાર તો કરી જુઓ.
તમારે માટેનો આટલો તલસાટ મારા વિના બીજા કોના દિલમાં છે ?
મારા વિના બીજા કોનું હૃદય તમને એક ક્ષણ પણ જોયા વિના તૂટી જાય છે ને રડી ઊઠે છે ?
તમને નિત્ય નિરંતર જોયા કરવાની અખંડ ઝંખના મારા વિના બીજા કોની આંખમાં જાગ્રત થઈ છે,
ને બીજા કોના હૃદયમાં તમારે માટેના રાગની આટઆટલી રાગરાગિણી પ્રકટી ને પ્રસરી રહી છે ?
મારે તમારા વિના બીજો કોઈયે આધાર નથી.
આ સંસારમાં તમારા વિના દિલ ખોલવાનું ને ઠરવાનું બીજું એકે ઠામ નથી.
ને બીજા કોઈની અંદર મારા અંતરની તરસને તૃપ્ત કરવાની તાકાત નથી તેનો વિચાર તો કરો.
બીજાને તો તમારા વિના સહેજે ચાલી શકશે. પણ મારે માટે તો તમે જ સર્વ કાંઈ છો.
માટે તો હું તમને આજે વરસોથી ઝંખું છું ને પ્રેમ કરું છું.
માટે હવે વધારે વિચાર ના કરો
ને મને તમારે હૈયે લગાડી કાયમને માટે આનંદ આપવા
વહેલામાં વહેલી તકે તમે મારી પાસે પ્રકટ થાવ.
તમારા વિના મારા જીવનનો મધુમય બાગ વેરાન ને ઉજ્જડ થઈ જશે એ નક્કી છે.
- શ્રી યોગેશ્વરજી