સંસારમાં સાધારણ રૂપોમાં હું તમારા જ મંગલમય સ્વરૂપનું દર્શન કરું છું,
તેથી સૌને પ્રેમ કરું છું. પણ ક્યાંય અસફળ થતો નથી.
મારું લક્ષ્યસ્થાન તો તમે જ છો,
ને તમને પરિપૂર્ણપણે પામવાના પ્રયાસ હું નિત્યનિરંતર કર્યા કરું છું.
તમને પામ્યા વિના મને ચેન નહિ જ પડે.
સંસારના સાધારણ રૂપોમાં હું તમારા જ મંગલમય સ્વરૂપનું દર્શન કરું છું.
કોઈની અવગણના મારાથી થઈ શકતી નથી.
જે પ્રેમ, સુંદરતા ને મધુરતા સંસારમાં દેખાય છે
તે તમારી જ છે એમ માનીને હું તેને મનોમન વંદન કરું છું.
ને તેની અંદર તમારા પ્રકાશની ઝાંખી કરું છું.
તેમની અંદર જ આસક્ત થઈને હું બેસી રહેતો નથી.
પણ તેમનો વિચાર કરીને તમારા જ મહામહિમાવાન સ્વરૂપની પાસે પહોંચવાની કોશિશ કરું છું.
આ રીતે જ બચપણથી હું સંસારમાં તમારો સાક્ષાત્કાર કરું છું,
ને શાંતિ તથા આનંદ અનુભવતો રહું છું.
- શ્રી યોગેશ્વરજી

