Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
તમને જોવાનો આનંદ પણ કેટલો બધો અનેરો છે !
તમારી આંખ મળે છે ત્યારે કેટલો ઉમળકો આવે છે, ને કેવો મહોત્સવ થાય છે !
અંતર આખુંયે જાણે ઉમટી પડે છે, અનેરા અનુરાગથી ઉભરાઈ જાય છે;
મન ને વાણી વિરમી જાય છે, ને તમારા વિના બીજું બધું જ ભૂલી જવાય છે.

એમ થાય છે કે તમને જોયા જ કરું -
રાત ને દિવસ, પળ ને વિપળના વિક્ષેપ વિના તમને જોયા જ કરું;
ભૂખ, તરસ, નિદ્રા ને આરામ બધાથી ઉપર ઉઠીને તમને જોયા જ કરું.
તમે ક્યાયં હઠો નહિ ને હું પણ હઠું નહિ. બસ રાતદિવસ જોયા જ કરું.

અમૃતના આચાર જેવા તમારા અંગમાં આંખ અડતાંવેંત દૃષ્ટિ સ્થિર થઈ જાય છે,
ને સમાધિનું સહજ સુખ જાણે કે સાકાર બને છે.
ગ્રંથો નિરસ બને છે, ક્રિયાઓ ક્ષુલ્લક લાગે છે, ને બીજો બધો જ વ્યવહાર થંભી જાય છે.

તમને જોવાનો આનંદ અખંડ રીતે મળ્યા કરે એવી કૃપા કરી દો
તો પણ હું તમારો ઋણી રહીશ,
તમારો મહાન ઉપકાર માનીશ.

- શ્રી યોગેશ્વરજી