Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
તમે મને બળવાન માનો છો,
હું તમારા વિરહને વધુવાર સહન કરી શકીશ એમ કહો છો તે જાણીને મને નવાઈ લાગે છે.
તમે હજી મારા અક્ષરને ઓળખી શક્યા લાગતા નથી.
મારા અંતરમાં તમારા અનુરાગનો જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
તેનાથી મારાં રોમેરોમ રંગાઈ ગયાં છે, ને મારું તનમન ભીનું થયું છે.
મારો પ્રાણ તમને મળવા માટે બેચેન બની ગયો છે, ને આત્માની આકુળવ્યાકુળતાનો પાર નથી.
મારા જીવનને હું કેવી રીતે વેદનાપૂર્વક પસાર કરી રહ્યો છું તેનો તમને ખ્યાલ લાગતો નથી.
નહિ તો તમે મને વધારે ને વધારે સહન કરવાનો ઉપદેશ આપવાને બદલે
તમારા મિલનનું મધુર સુખ આપવા વહેલામાં વહેલી તકે મારી પાસે હાજર થાત.

હું બળવાન જરૂર છું.
પણ તે તો સંસારના સંકટને સહન કરવામાં,
નિંદા ને ટીકાનો પ્રહાર ઝીલવામાં ને પ્રલોભનો ને ભયસ્થાનોની સામે લડવામાં :
પરંતુ તમારા પ્રેમનો પ્રશ્ન આવે છે ત્યાં તો હું ફૂલ જેવો કોમળ સાબિત થાઉં છું.
તમારા પ્રેમથી મારું હૃદય પીગળી જાય છે.
તમારા વિરહની વેદના મને મારી નાખે છે.
તે બાબતે મારી જાતને વધારે બળવાન બતાવવાનો મારો વિચાર બિલકુલ નથી.

મારું હૃદય કુસુમ જેવું કોમળ છે;
છતાં તેણે આજ સુધી અનેક આઘાતો સહન કર્યાં છે.
તમારા વિરહના દાવાનળમાં તે વરસોથી જલતું આવ્યું છે.
તેનો દાહ ખૂબ જ વધી ગયો છે.
છતાંયે તે તમારે માટેની વ્યથાને શાંતિથી સહન કરી રહ્યું છે.
આથી વધારે બળવાન બનવાનું કામ તેને માટે મુશ્કેલ છે.
અરે આટલું બળવાન બનીને તે બેસી રહ્યું છે, એ જ શું અચરજની વાત નથી ?
માટે હવે મને બળવાન બનવાનો ઉપદેશ ના આપો.
હવે તો તમે જ બળવાન બનીને મારી યોગ્યાયોગ્યતાના બધા વિચારોને ગૌણ ગણી
મને તમારો પ્યારો ને કૃપાપાત્ર બનાવી દો.

- શ્રી યોગેશ્વરજી