તમે મને આલિંગન આપો છો ત્યારે
મારા દિલની દશા કેવી દૈવી થઈ જાય છે તે હું કેમ કરીને કહી બતાવું ?
એ સુખનું વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી.
એ શાંતિનો ચિતાર આપવા મારી પાસે શક્તિ નથી,
ને એ વખતના અપરિચિત આનંદનો ઉલ્લેખ કરવાની કળામાં હું કુશળ નથી.
આપણા બંનેના અંતર એ વખતે એક થઈ જાય છે
ને તેમાંથી સંવાદી સુરાવલિનો ઉદય થાય છે.
સરિતાના સંગમ કરતાં વધારે સુંદર, મગંલમય ને મહાન એ મેળાપમાં
તન, મન ને અંતરના બધાયે તાપ ટળી જાય છે, ને જીવન કૃતાર્થ થાય છે.
વીણા વગાડનારને કોઈવાર જોયો છે ?
તેની સામે નર્તકીનું નૃત્ય ચાલી રહ્યું હોય છે.
બેસુરી થયેલી વીણા સંવાદી થઈ.
ઝણઝણાટ સાથે સ્વરનું અનુસંધાન થયું.
એ સ્વર સાથે ગાયકે સંવાદ સાધ્યો ને પેલી નર્તકીનું અંતર પણ એક થયું.
તેણે નેહભર્યું નૃત્ય કર્યું ને છેલ્લે નમન કર્યું.
જીભ, હોઠ, અંગ ને અંતરનો એવો ઝણઝણાટ,
એવો સંવાદ ને એવો અનેરો આત્મીય આનંદ,
તમારા આલિંગનના સમય દરમ્યાન હું અનુભવ્યા કરું છું.
- શ્રી યોગેશ્વરજી

