પુરાણ પ્રસિદ્ધ હિમાલયની દેવભૂમિમાં હજુ પણ સિદ્ધાવસ્થાએ પહોંચેલા મહાપુરુષો-સંતો વસે છે કે યુગપ્રભાવે એમનો પણ લોપ થયો છે ? એવો પ્રશ્ન એ ભૂમિમાં આવનારા, આવવા માગનારા, જીજ્ઞાસુઓ કરતા હોય છે.
આ સવાલના પૂર્વાધનો જવાબ એ છે કે અનેક જાતના મહાત્માઓ હિમાલયમાં છે-પણ સાચા અર્થમાં જેને સાધુ-સંતમહાત્મા કહી શકાય એવા તો ભાગ્યે જ અને ખરા જીજ્ઞાસુઓને જ મળે છે. સાધુઓના મુખ્ય ત્રણ પ્રકાર છે. એક તદ્દન સામાન્ય વેશધારી સાધુઓ, જે એક યા બીજા કારણે ઘર છોડી બાવા બની ગયા હોય છે. એમનું જીવન ધ્યેયહીન હોય છે. કોઈ સાધનાત્મક પ્રવૃત્તિ તેઓ કરતા નથી. આત્મિક ઉન્નતિની એમને પડી નથી. અનેક વ્યસનોના તેઓ શિકાર બન્યા હોય છે. બહારના દેખાવ પરથી જ તમે તેને સાધુ કહી શકો, પણ અંદરખાને એમનામાં આદર્શ માનવીનાં લક્ષણો પણ હોતાં નથી.
બીજો પ્રકાર વિદ્વાન વર્ગના સાધુઓનો છે. આ મહાપુરુષો અધ્યયન તથા અધ્યાપનમાં રત રહે છે. જીવ, જગત અને ઈશ્વરના ચિંતનમાં તેમજ તેની ચર્ચા-વિચારણામાં સમય પસાર કરતા હોય છે. આવા સાધુઓ જીવનના ધ્યેય પ્રત્યે વધુ જાગ્રત તેમજ સક્રિય હોય છે. મુખ્યત્વે શાંકર વેદાંતને જ તેઓ અગત્ય આપે છે. આ સાધુસંતોમાં ઘણા તો મહાપંડિત અને વિચક્ષણ વિચારકો પણ હોય છે.
ત્રીજો અને પ્રમાણમાં ઘણો નાનો પ્રકાર સાધક શ્રેણીના સાધુઓનો છે. તેઓ સર્વોત્તમ આધ્યાત્મિક વિકાસમાં માને છે. પોતાની શક્તિ-સમજ પ્રમાણે આગળ વધવાનો પ્રયાસ ચાલુ રાખે છે. વિવેક તથા વૈરાગ્યનો પાયો મજબૂત રાખી, જપ અને ધ્યાનયોગની સાધના ચાલુ રાખી, પ્રભુની પૂર્ણ કૃપાના અનુભવ માટે અભ્યાસ આગળ વધારે છે. એમના સમાગમમાં આવનારને સદુપદેશથી આધ્યાત્મિક જીવન માટે પ્રેરણા આપે છે.
સાધુઓના આ ત્રીજા મહત્વના પ્રકારમાંથી સિદ્ધોનો ચોથો પ્રકાર આપોઆપ ઊભો થાય છે, અને સાધક કોટિના સંત-યોગીઓ કરતાંય આવા મહાત્માઓ વિરલ હોય છે.
સાધનામાં આવતાં પ્રલોભનો તેમજ ભયસ્થાનો પાર કરી, સિદ્ધિઓને ગૌણ સમજી, હિંમત તથા ખંતથી આગળ વધનારા સાધકો બહુ ઓછા હોય છે.
મોટા ભાગના સાધકો તો અધવચ્ચે જ અટકી જાય છે-અંતિમ ધ્યેયે પહોંચી શકતા નથી. આમ હોવાથી મોટા ભાગના જીજ્ઞાસુઓ જેમની ઈચ્છા રાખે છે, અને જેવા મહાત્માના દર્શન માટે કુતૂહલ સેવે છે એવી સિદ્ધાવસ્થાએ પહોંચેલા મહાપુરુષો તો હિમાલય ખુંદી વળો તોયે ભાગ્યે જ મળે છે.
કદાચ મળતા પણ નથી. આ સંબંધમાં સંત તુલસીદાસે રામાયણમાં જે અનુભવપૂર્ણ ઉદગારો કાઢ્યા છે તે અહીં ટાંકીએ : ‘બિન હરિકૃપા મિલત નહીં સંતા.’ એટલે કે પ્રભુની કૃપા ના થાય ત્યાં સુધી સાચા સંતોનું મિલન થઈ શકતું નથી.
છતાં એથી નિરાશ થવાની જરૂર નથી. હિમાલયની પુણ્યભૂમિમાં આજે પણ સાચા સંતોના દર્શનનો લાભ ખરી જીજ્ઞાસા ધરાવનારને મળે છે. સાચા દિલથી શોધવામાં આવે તો જરૂર ઈશ્વરકૃપા થતાં સંતદર્શન થાય છે. એ માટેની એક સત્યઘટના અહીં રજુ કરું છું.
ગુજરાતના એક ભાઈ હરિદ્વાર થઈને ઋષિકેશ આવેલા. અહીંનું કુદરતી સૌંદર્ય ખૂબ ગમી જતાં, ધર્મશાળાની એક ખોલીમાં રહી સાધના કરવા લાગ્યા. ઋષિકેશમાં એ વખતે પ્રતાપી મહાપુરુષો રહેતા. એ ભાઈએ તેમનો સત્સંગ કર્યો છતાં અસાધારણ શક્તિશાળી અવધુતને મળવાની આકાંક્ષા તો અતૃપ્ત જ રહી.
બે વર્ષના ઋષિકેશવાસ પછી ઈચ્છા પૂર્ણ ન થઈ તેથી શ્રદ્ધા ડગવા માંડી. એમને થયું, ઘોર કલિકાળના પ્રભાવે સાચા મહાપુરુષોનો લોપ થઈ ગયો લાગે છે, અથવા એ જંગલની ગુફામાં ચાલ્યા ગયા છે.
એ દરમ્યાન, દરેક વર્ષની જેમ, મહાશિવરાત્રીએ ઋષિકેશથી બે ગાઉ દૂર ગંગામાં આવેલા તીર્થસ્થાન વીરભદ્રમાં મોટો ઉત્સવ હતો. ત્યાં જવા એ ભાઈ પગપાળા ચાલી નીકળ્યા. પરંતુ દોઢેક ગાઉ જતાં સુધીમાં વાદળા ચઢી આવ્યાં અને વરસાદ પડવા લાગ્યો.
પેલા ભાઈ મૂંઝાયા. વીરભદ્ર તો જવું જોઈએ. પણ એ ભાઈની મુસીબતમાં એક બીજો વધારો થયો. એ ભૂલા પડ્યા હતા. આવા ઘોર જંગલમાં જવું પણ ક્યાં ?
એટલામાં તો થોડેક છેટે વૃક્ષોની પાછળથી ધુમાડાના ગોટા નીકળતા દેખાયા. વૃક્ષોની ઘટા પાછળ જઈને જોયું તો એક ધૂણી સળગતી હતી, અને દેહ પર ભસ્મ ચોળેલા, ફકત લંગોટ ધારી, મોટી જટાવાળા મહાત્મા પદ્માસન વાળી ધ્યાનમાં બેઠા હતા. નવાઈની વાત એ હતી કે મહાત્મા બેઠા હતા તે અને ધૂણીની આજુબાજુની જગ્યા સાવ કોરી હતી. મુશળધાર વરસાદ પડતો હતો, છતાં સાધુની કાયા અને ધૂણી સુધ્ધાં સૂકી હતી. પેલા ભાઈ આ જોઈ સ્તબ્ધ થઈ ગયા. એમણે જટાધારી સાધુને સાષ્ટાંગ પ્રણામ કર્યાં, એટલે સાધુએ સ્મિત કરતાં કહ્યું : ‘આ ધૂણી પાસે આવી જા, એટલે વરસાદ તને ભીંજવી નહીં શકે. તારે વીરભદ્ર જવું છે. પણ મારી ઈચ્છાથી તું રસ્તો ભૂલી અહીં આવ્યો છે. મારી ઈચ્છા વગર મને કોઈ જોઈ શકતું નથી.’
‘તમે કોણ છો ?’
‘હું અવધુત છું અને ઈચ્છાનુસાર વિચરણ કરી શકું છું. તારામાં વ્યાપેલી અશ્રદ્ધાનો અંત લાવવા તથા તને મદદ કરવા મેં તને દર્શન આપ્યું છે. લે, આ પ્રસાદ ખા એટલે તારો થાક ઊતરી જશે.’
અવધુતે આપેલ ફળ ખાતાં પેલા ભાઈને શાંતિ વળી, એટલે એમણે પૂછ્યું : ‘અમારા જેવા અવધુતનું દર્શન તું શા માટે ચાહતો હતો ?’
‘મારે નવેસરથી દીક્ષા લેવી છે.’
‘દીક્ષા શા માટે ? મારું દર્શન થયું એટલે દીક્ષા મળી ગઈ. તું હવે સહેલાઈથી પ્રગતિ કરી શકીશ. હું આપું તે મંત્રજાપ કરતો રહેજે.’
મહાત્મા પુરુષે મંત્ર આપીને ઉમેર્યું, ‘તારે વીરભદ્ર જવું છે ને ?’
‘ખાસ ઈચ્છા તો હવે નથી ...’
‘છતાં નીકળ્યો છે તો જઈ આવ. તને માર્ગ મળી જશે. હું જાઉં છું.’
ગુજરાતી ભાઈએ માથું નમાવી પ્રણામ કર્યા. એટલે અવધુતે એને માથે હાથ મૂક્યો. એ હાથ એટલો બધો શીતળ હતો કે એ ભાઈ આશ્ચર્ય પામી ગયા. ઊંચું માથું કરીને જોયું તો મહાત્મા અદૃશ્ય થઈ ગયા હતા.
ફકત ધૂણી સળગતી હતી. એના અધિષ્ઠાતા દેવ ત્યાં નહોતા. ધૂણીની રાખ એ ભાઈએ કપડાંમાં બાંધી લીધી, અને વરસાદ બંધ થઈ જતાં ચાલી નીકળ્યા. વીરભદ્રનો માર્ગ એની મેળે જ મળી ગયો. અવધુતની કૃપાથી એમની કાયાપલટ થઈ ગઈ.
એ અનુભવને યાદ કરીને ભાઈ કહેતા : ‘હિમાલયમાં આજેય સમર્થ મહાપુરુષો છે. પણ તે કુતૂહલથી નહિ, સાચી જીજ્ઞાસા હોય તો જ મળે છે. સાચી ભૂખ અને લગન વગર આવા પુરુષોનાં દર્શન થતાં નથી. આજે આવી જીજ્ઞાસા કોનામાં છે ? છે તેને એ મળે છે-નિરાશ થવું પડતું નથી.’
- શ્રી યોગેશ્વરજી