‘મારા ગુરુ ધુનીવાલા દાદા નામે ઓળખાતા. તે એક સમર્થ અથવા સિદ્ધ પુરુષ હતા. તે મધ્ય પ્રદેશમાં રહેતા. મારો બધો ઘાટ તેમણે જ ઘડેલો. એમણે મારી ભયંકર કસોટી કરેલી અને પછી મારા પર પોતાની કૃપા વરસાવેલી. એમની કૃપા જ મારું સર્વકાંઈ છે. એમની આજ્ઞા હતી કે લોકોને સાધનામાર્ગે વાળવા માટે આશ્રમ બાંધજે અને દક્ષિણવાહિની નદીને કાંઠે બાંધજે. એમની આજ્ઞા પ્રમાણે મેં આજ સુધી ત્રણ આશ્રમ બાંધ્યા છે. એક અહીં સુરતમાં, એક નડિયાદમાં અને એક દક્ષિણમાં કાવેરી તટ પર કુંભકોણમમાં. એ બધા જ આશ્રમો દક્ષિણવાહિની નદીને કિનારે, ગામથી દૂર જંગલમાં અથવા તો સ્મશાનમાં છે. વસ્તીની સાથે એને કાંઈ સંબંધ જ નહિ. આશ્રમમાં હું ગમે તેવા માણસોને ભેગા નથી કરતો. જેમને સાધના કરીને આગળ વધવું હોય તેમને જ સ્થાન આપું છું. અહીં રહીને માણસ શાંતિપૂર્વક સાધના કરે ને જીવનમાં સાચી રીતે જીવવાનું બળ મેળવે એ જ મારો ઉદ્દેશ છે. તમે આ સ્થળમાં આવ્યા એથી મને ઘણો આનંદ થયો.’
મોટાએ એવા ઉદગારો દ્વારા પોતાના આંતરભાવોની અભિવ્યક્તિ કરી. ભક્તોમાં એ હરિઓમ મહારાજ તથા મોટા એવા બંને નામે ઓળખાય છે. એમનો આશ્રમ સુરતથી છ માઈલ જેટલે દૂર તાપીને પેલે કિનારે છે. અમે આશ્રમના એમના નિવાસસ્થાને પહોંચ્યા એટલે બારીમાંથી મને જોઈને એમણે ‘આવો પ્રભુ, પધારો’ કહીને મીઠી, મધુરી, સરળ, નિખાલસ ને નમ્રતાભરી ભાષામાં મારો સત્કાર કર્યો.
પથારીમાં સૂતાં સૂતાં એમણે કહ્યું, ‘કરોડમાંનો મણકો ખસી ગયો છે. એટલે બેસતા તકલીફ પડે છે. માટે આડો પડ્યો છું. ડોક્ટરો ઓપરેશન કરવાનું કહે છે, પણ મેં તો ઈશ્વર પર છોડી દીધું છે. એ જ બધું ઠીક કરી દેશે.’
મોટાની ઈશ્વરપરાયણતા, નમ્રતા તથા ગુરુભક્તિ ઘણી ભારે હતી. તેમણે કહ્યું, ‘ગુરુ મહારાજે કદી પણ કાયર થવાનું નથી શીખવ્યું. કાયરતા મારા સ્વભાવમાં છે જ નહિ. ગુરુ ગમે તેવી આજ્ઞા કરે તો તેનું પાલન કરવા તૈયાર થઈ જવાનું. એક વાર ગુરુએ કસોટી કરવા માટે આજ્ઞા કરી કે સાગરમાં કૂદી પડો અને અમે સાગરમાં કૂદી પડ્યા. જેણે આજ્ઞા કરી એણે જ અમારી રક્ષા કરી.’
‘શંકરાચાર્યના જીવનમાં પણ એવો પ્રસંગ આવે છે ને !’ મારા સ્મરણપટ પર શંકરાચાર્ય હાજર થયા.
‘એ પ્રસંગ કહી બતાવો પ્રભુ !’ મોટા બોલ્યા, ‘તમારે મોઢેથી કાંઈક સંભળાવો. હું ભણેલો નથી.’
મોટાની નમ્રતા બહુ ઊંચી કોટિની હતી. મેં કહ્યું, ‘જે સાચું ભણવાનું છે તે તો તમે ભણી લીધું છે. બીજા ભણતરની શી વિસાત છે ?’
‘ના, ના પ્રભુ સંભળાવો.’
‘શંકરાચાર્ય નર્મદામાં સ્નાન કરતા કરતા સામે કાંઠે ચાલ્યા ગયા ને ત્યાંથી પોતાના શિષ્યો પાસે કપડાં માગ્યા. નદીમાં પડવાની કોઈની હિંમત ન ચાલી તેથી બધા એકમેકની સામે જોવા લાગ્યા. આખરે એક શ્રદ્ધાળુ શિષ્યે કપડાં લઈને નદીમાં ચાલવા માંડ્યું. તેણે એક પગલું ભર્યું ત્યાં તો પાણીમાં સુંદર કમળ થઈ ગયું. એમ પ્રત્યેક પગલે કમળની સૃષ્ટિ થતી ગઈ ને તેના પર પગ મૂકીને તે શંકરાચાર્ય પાસે આવી પહોંચ્યો. શંકરાચાર્યે તેની શ્રદ્ધાભક્તિ જોઈને તેને શાબાશી આપી, અને તેના પગની નીચે પદ્મો પ્રકટેલા તેથી તેનું નામ પાદપદ્માચાર્ય પાડ્યું. શ્રદ્ધાનો મહિમા એવો અજબ છે.’
‘વાહ, પ્રભુ વાહ !’
થોડીક બીજી વાતો થયા પછી મોટાએ અમને આશ્રમ બતાવવાની વ્યવસ્થા કરી.
આશ્રમનું વાતાવરણ શાંત અને સુંદર હતું. બાજુમાં તાપી નદીનો પ્રવાહ વહી રહ્યો હતો. એને લીધે આશ્રમની શોભામાં વધારો થતો. આશ્રમ એકંદરે નાનો છે પરંતુ એણે ઉપાડેલું કામ અવનવું અને મોટું છે. દેશમાં આશ્રમો તો અનેક છે, પરંતુ આ આશ્રમ એ દૃષ્ટિએ જોતાં વિલક્ષણ લાગે તેવો છે. અહીં કોઈ પ્રકારની બીજી બાહ્ય પ્રવૃતિ થતી નથી, પણ આત્મવિકાસની સાધના તરફ જ સાધકોનું ધ્યાન દોરવામાં આવે છે. સાધકો અથવા તો એકાંતપ્રેમીઓને રહેવા માટે અહીં અલગ ઓરડાની વ્યવસ્થા છે. એ ઓરડાઓમાં બાથરૂમ, સંડાસની સ્વતંત્ર વ્યવસ્થા છે તથા હીંચકા પણ રાખવામાં આવ્યા છે. આગળથી નામ નોંધાવી, મંજૂરી મેળવીને કોઈપણ સ્ત્રીપુરુષ એ ઓરડામાં સાત, ચૌદ કે એકવીસ દિવસને માટે રહી શકે છે. તે દરમિયાન સંપૂર્ણ એકાંતવાસ સેવવાનો હોય છે. ઓરડાઓ તદ્દન બંધ જ રાખવામાં આવે છે. તે બારીમાં ભોજનની થાળી તથા નિયત સમયે ચા કે દૂધ મૂકવામાં આવે છે. એકાંતવાસી પોતાના કપડાં પણ ત્યાં જ રાખે છે. જે રોજ રોજ ધોવા માટે લઈ જવાય છે. રોજ સવારે ચાર વાગે ઊઠવાનું તથા રાતે આઠ વાગે સૂવાનું ફરજિયાત મનાય છે. મંગળવારે સવારે નવા એકાંતવાસીઓ દાખલ થાય છે ત્યારે મોટા એમની આગળ પ્રવચન કરે છે. એમની વાણીનો લાભ વ્યવસ્થિત રીતે ત્યારે જ મળી શકે છે.
- શ્રી યોગેશ્વરજી