હિમાલયના ઉત્તરાખંડનું પવિત્ર સ્થળ દેવપ્રયાગ. બદરીનાથ અને કેદારનાથની યાત્રા કરનારને એનો પરિચય હશે જ. વર્ષો પહેલાં મારા એકાંતવાસ દરમ્યાન હું અહીં રહેતો. એક સાંજે મારા આશ્રમના ચોકમાં શાંતિપૂર્વક બેઠો હતો ત્યારે એક દાઢીધારી અને ભવ્ય મુખમુદ્રાવાળા સાધુ મારી પાસે આવી પહોંચ્યા.
મેં એમનો સત્કાર કરી પરિચય પૂછ્યો તો એમણે કહ્યું, ‘મારું નામ યજ્ઞદેવ. હું અયોધ્યા તરફના એક મઠનો મહંત છું.’
‘તમે દેવપ્રયાગ રહેવા આવ્યા છો ?’
‘ના, રહેવા નથી આવ્યો. બદરીનાથની યાત્રા કરવા નીકળ્યો છું. અહીં અલકનંદા તથા ભાગીરથીનો પવિત્ર સંગમ થાય છે અને આ પર્વતમાળાનું અદભુત દૃશ્ય જોઈ મારું હૃદય પ્રસન્ન થયું એટલે મેં અહીં થોડાક દિવસ રહેવાનો નિર્ણય કર્યો છે.’
‘તમે ક્યાં ઊતર્યા છો ?’ મેં પૂછ્યું.
‘ભાગીરથીના કાંઠે આવેલા વૈરાગી સાધુના આશ્રમમાં. એ સ્થળ પણ ઘણું એકાંત અને સુંદર છે. વળી બધી જાતની અનુકૂળતા હોવાથી મને ખૂબ ગમી ગયું છે.’ એમણે કહ્યું.
‘તમારી સાધના તો બરાબર ચાલતી હશે ને ?’
‘હા. સાધના તો ચાલુ જ છે.’ એમણે જરા અટકીને કહ્યું, ‘પણ મારી સાધના થોડીક જુદી છે.’
‘જુદી એટલે ?’
‘યજ્ઞ સાધના. મને યજ્ઞમાં વધુ રસ છે. ભારતના જુદા જુદા ભાગોમાં મેં આજ સુધી ઘણા યજ્ઞો કર્યા છે. એ જ રીતે આ સ્થળે પણ યજ્ઞ કરવાનો વિચાર છે.’
‘યજ્ઞથી તમને કાંઈ લાભ થાય છે ?’
‘હા, તેથી માનસિક શાંતિ મળે છે ને ઈષ્ટકૃપાનો અનુભવ પણ થાય છે.’
અને બીજી થોડી વાતો કરી એ મહાત્મા પુરુષ વિદાય થયા. બીજી વાર આવ્યા ત્યારે એમણે કહ્યું, ‘બદરીનાથ જવાનો વિચાર મેં માંડી વાળ્યો છે. અહીં થોડા વધુ દિવસો રહી જાઉં એવી પ્રેરણા મળે છે.’
અને બદરીનાથ જવાને બદલે તેઓ દેવપ્રયાગમાં જ રહી ગયા. થોડા દિવસો પછી એમણે એક યજ્ઞ શરૂ કર્યો. પુર્ણાહૂતિને દિવસે ઘણા સ્ત્રીપુરુષો એમનાં દર્શન કરવા ગયાં. બધાંએ મુક્તકંઠે કહ્યું, ‘આવો વિધિસરનો યજ્ઞ દેવપ્રયાગમાં આજ સુધી થયો નથી.’
પૂર્ણાહુતિને દિવસે સાંજે મહાત્મા યજ્ઞદેવને પાલખીમાં બેસાડી એમના ભક્તો, પ્રસંશકો અને શિષ્યો તરફથી આખા ગામમાં ફેરવવામાં આવ્યા.
બીજે દિવસે મહાત્મા યજ્ઞદેવે બ્રહ્મભોજનનો કાર્યક્રમ રાખેલો. દેવપ્રયાગની વસ્તીના લગભગ બધા જ વર્ગને એમણે ભોજન માટે આમંત્રેલા. પરંતુ વિધિનું વિધાન કાંઈક જુદું જ હતું,
વૈરાગી સાધુના કુદરતી આશ્રમમાં વહેલી સવારથી જ જમણવાર બનાવવાની ધમાલ ચાલુ હતી ત્યારે યજ્ઞદેવ પર્વત ઉપર આવેલી યજ્ઞવેદી પાસે ગયા. થોડીવાર એની સામે જોઈ રહ્યા. એ પછી મનોમન પ્રાર્થના કરી, એમણે ચારે તરફ નજર ફેરવી. પોતાને કોઈ જોતું તો નથી ને તેની ખાત્રી કરી લીધા બાદ તેઓ અજબ હિંમત કરીને પ્રજ્જવલિત યજ્ઞકુંડમાં બેસી ગયા. બેઠા પછી, બાજુમાં પડેલો ઘીનો ડબ્બો પોતાના જ હાથે દેહ પર ઠાલવી દીધો.
પછીની કલ્પના કરવી અઘરી નથી. અગ્નિની પ્રદીપ્ત જ્વાળાઓ એમના દેહને ચારે તરફથી ઘેરી વળી. જોતજોતામાં તેઓ બળીને ખાક થઈ ગયા.
લાંબા સમય સુધી યજ્ઞદેવજી નીચે ન આવ્યા એટલે એમના શિષ્યોને ચિંતા થઈ. ઉપર જઈને જોયું તો ગુરુદેવનો દેહ શાંત થઈ ગયેલો. આ જોઈ બધા ભક્તો તથા શિષ્યોને દુઃખ અને આશ્ચર્ય થયું.
થોડા વખતમાં તો યજ્ઞદેવજીના સમર્પણની વાત બધે ફેલાઈ ગઈ. લોકોનાં ટોળાં આશ્રમમાં આવવા લાગ્યાં. કોઈ અંજલી આપવા તો કોઈ કુતુહલવૃત્તિથી.
કોઈ અગમ્ય વિચાર, ભાવના કે પ્રેરણાથી યજ્ઞદેવે પોતાની આહુતિ આપી દીધેલી. આમ તેમણે શા માટે અને કયા હેતુથી કર્યું હશે તે સમજી શકાયું નહીં. ગમે તે કારણ હોય પણ લોકો માટે આ આહુતિ અશાંતિકારક થઈ પડી.
રામાયણમાં રામદર્શન કર્યા પછી શરભંગ મુનીએ પોતાનું શરીર બાળી નાખેલું એવું વર્ણન આવે છે; પરંતુ ત્યાં સાફ શબ્દોમાં લખાયું છે ‘નાગઅગની તનુજારા’ એટલે એમણે પોતાના શરીરને કોઈ સાધારણ અગ્નિથી નહિ, પરંતુ યોગાગ્નિથી બાળેલું.
યજ્ઞકુંડમાં બેસી, દેહની આહુતિ આપવાની આવી પદ્ધતિ આવકારદાયક અથવા અભિનંદનીય તો ન જ કહી શકાય. આમ કરવાથી કોઈનું કલ્યાણ નથી થતું.
મને આ સમાચાર સાંભળીને ઘણું દુઃખ થયું. ખાસ તો એટલા માટે થયું કે કાળ ભગવાને એક આશાસ્પદ યુવાન સાધુના જીવન પર આકસ્મિક અને કરુણ પડદો પાડી દીધો.
એ દિવસે વૈરાગી આશ્રમમાં કોઈ ભોજન લેવા ન ગયું. એ આશ્રમના-જોગીવાડાના વૈરાગી સાધુ દિવસો સુધી પેલા યજ્ઞકુંડ તરફથી અવારનવાર ચીપિયાના અવાજ અને મહાત્મા યજ્ઞદેવના મંત્રોના ધ્વનિ પણ સાંભળતા રહ્યા. રાત દરમ્યાન સંભળાતા એ અવાજોથી એમના શિષ્યો ભય પામતા.
આ પ્રમાણે સંભળાતા અવાજો એવા સત્યની સાક્ષીરૂપ હતા કે મહાત્મા યજ્ઞદેવજી યજ્ઞના ફળસ્વરૂપે આત્મસમર્પણના એ કહેવાતા પુણ્યથી સદગતિ નહોતા પામ્યા, પણ એમની દુર્ગતિ થઈ હતી.
યજ્ઞદેવજીનો આત્મા દેવપ્રયાગના એ આશ્રમના શાંત વાતાવરણમાં ભમી રહ્યો હોવાના ઘણા પુરાવા ત્યાર પછી તો સાંપડ્યા.
બિચારા યજ્ઞદેવજી ! એમને માટે યજ્ઞની આ છેલ્લી આહુતિ ઘણી ભારે પુરવાર થઈ હતી. આને આહુતિ-બલિદાન એવું કોઈ નામ આપી શકાય જ નહીં. એ તો એક પ્રકારનો આપઘાત જ હતો, એમાં કોઈ શંકા નથી. મહાત્મા પુરુષોએ આવા આત્મઘાતથી દૂર રહેવું જોઈએ. એમને માટે તે વધુ હિતકર્તા થઈ પડશે.
મને પણ થોડાક દિવસો તો આ ઘટનાએ વિચાર કરતો કરી મૂક્યો હતો.
- શ્રી યોગેશ્વરજી