આપણી આ સૃષ્ટિ કેટલી બધી વિરાટ ને વિશાળ છે, તેની પૂરેપૂરી ખબર કોને પડી શકે તેમ છે ? વિજ્ઞાન તેનો તાગ મેળવવા પ્રયત્નો કરે છે અને આવા પ્રયત્નોમાં એ પોતાની રીતે સફળતા પણ મેળવી રહ્યું છે. પરંતુ એ પ્રયત્નો મોટે ભાગે સ્થુલ છે અને બહારની દુનિયાની માહિતી પૂરી પાડે છે. પરંતુ એના દ્વારા અંદરની સુક્ષ્મ દુનિયાની માહિતી નથી મળી શકતી. આપણી આ ભૌતિક દુનિયામાં સમર્થ સંતમહાત્માઓની એક બીજી સુક્ષ્મ દુનિયા છે. એનો અનુભવ આધ્યાત્મિક સાધના દ્વારા જ થઈ શકે.
સાધનાના માર્ગમાં એ અંદરની દુનિયાનો પરિચય થતાં કોઈ કોઈ વાર એવા આશ્ચર્યકારક અનેરા અનુભવો થાય છે-જે આપણને વિચાર કરતા કરી મૂકે છે અને એવી સુક્ષ્મ દુનિયાના અસ્તિત્વમાં આપણા વિશ્વાસને દૃઢ કરે છે.
એ બાબતમાં મને પોતાને થયેલો એક અનુભવ કહી બતાવું. અનુભવ આશરે સાતેક વરસ પહેલાંનો છે.
એ વખતે હું સરોડા ગામમાં થોડા દિવસ રહેવા ગયેલો. મારી પ્રણાલી મુજબ ત્યાં રોજ સાંજના એક કલાક ગીતાનો સત્સંગ ચાલતો અને ગામનાં ભાવિક સ્ત્રીપુરુષો સારા પ્રમાણમાં આવતા.
એક વાર મધરાત પછી મારા રોજના ક્રમ મુજબ હું ધ્યાનમાં બેઠો ત્યારે થોડા વખતમાં મારું મન એકદમ શાંત થયું ને મારું બધું બાહ્ય ભાન જતું રહ્યું-કહો કે મને સમાધિ થઈ ગઈ.
એ દશામાં મેં જોયું તો ઘરનાં મારી સામેના બંધ બારણાં અચાનક ઉઘડી ગયા. તેમાં પ્રકાશ છવાઈ ગયો અને બીજી ક્ષણે ત્યાંથી બે સંતપુરુષો અંદર આવ્યા.
હું બેઠેલો તે જ ખાટલા પર બેસી રહી વિચારવા લાગ્યો, ‘આ મહાત્માઓ વળી કોણ હશે ?’ એ બેમાંથી એકની ઉંમર તો ઘણી નાની હતી, લગભગ દશથી બાર વરસની અને બીજા વૃદ્ધ અને પ્રજ્ઞાચક્ષુ હતા. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો હોવાની ખાતરી થઈ, કારણ એમણે એ સંપ્રદાયના સંતો પહેરે છે તેવાં લાલ રંગના ધોતીયાં પહેરેલાં, ઉપવસ્ત્ર ઓઢેલાં ને માથે ફેંટા બાંધેલા.
મારી અજાયબીની પરવા ન કરતાં એ મારી આગળ આવીને બેસી ગયા. મેં એમને ભારે આદર તથા પ્રેમથી પ્રણામ કર્યા એટલે પેલા મોટા સંતે કહ્યું : ‘અમે આકાશમાર્ગે ગઢડા જઈએ છીએ. રસ્તામાં આ ગામ આવ્યું. તમે અહીં રહો છો એની જાણ હોવાથી, તમને મળવા અમે આવી પહોંચ્યા. તમે રોજ રાતે ગીતા-પ્રવચન કરો છો તે ઘણું સારું છે. પ્રવચનમાં બીજા સાથે સ્વામીનારાયણ સંપ્રદાયનાં માણસો પણ આવે છે તે જોઈ આનંદ થાય છે.’
એ મહાપુરુષોને મળી, એમની વાતો સાંભળીને મને ઘણો આનંદ થયો. એમની સાથે વધારે વાત કરવાની ઈચ્છા તો હતી, પણ એ માટે અવકાશ ના રહ્યો. એમણે તરત કહ્યું : ‘હવે અમે જઈએ છીએ. આકાશમાર્ગે ગઢડા જઈ સવાર પડતાં પહેલાં અમારે પાછા ફરવાનું છે.’
એટલું કહી બેઉ સંતો ઊભા થયા.
બારણામાં ફરી પાછો પ્રકાશ થયો. પ્રકાશમાંથી તેઓ બહાર નીકળ્યા. હું પણ એમની પાછળ બહાર આવ્યો. જોતજોતામાં એ અદૃશ્ય થઈ ગયા.
મારી આંખ ઉઘડી ત્યારે એ અનુભવનો અસાધારણ અવર્ણનીય આનંદ મારા અંતરમાં કાયમ હતો. એ અદભુત સંતપુરુષોની અમીમયી આકૃતિ મારી આંખ આગળ રમી રહેલી.
એ સમર્થ સંતપુરુષો કોણ હશે ? ગીતાજીના બીજા અધ્યાયમાં લખ્યા મુજબ દુનિયાના બીજા લોકો રાતે અચેત બની ઊંઘતા હતા ત્યારે એમને ઊંઘ ન હતી. કોણ જાણે કયું વિશેષ પ્રકારનું કાર્ય કરવા, કોનું કલ્યાણ સાધવા, એ સ્વામીનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થસ્થાન ગઢડા તરફ જઈ રહેલા.
એ ગમે તે હોય તો પણ એમનું દર્શન આનંદદાયક હતું, એમાં કોઈ શંકા નથી. એમના અજબ અનુભવ અથવા સમાગમ પરથી મને લાગ્યું કે આ દેશમાં એવા કેટલાય મહાપુરુષો છે જે સુક્ષ્મ રીતે સર્વસાધારણ લોકોથી અજાણ રીતે વિચરણ કરે છે અને પોતાનું જીવનકાર્ય કરતા રહે છે. એમનું દર્શન એમના અનુગ્રહના ફળરૂપે કોઈક ધન્ય ક્ષણે થતું હોય છે, પરંતુ થાય ત્યારે ભારે આશીર્વાદરૂપ ઠરે છે.
એ અજ્ઞાત સંતપુરુષો ગમે તે હોય તો પણ તેમના ચરણે મારા પ્રેમપૂર્વક પ્રણામ છે. તેમની સ્મૃતિ સદાયને માટે પ્રેરણાત્મક છે.
- શ્રી યોગેશ્વરજી