અલીગઢનો પ્રાણવાન પરિચય
સંસારના વિપરિત વિષમ વિરોધાભાસી વાયુમંડળમાં વસીને આધ્યાત્મિક જીવન જીવી શકાય અથવા આત્મોન્નતિના માર્ગે આગળ વધી શકાય ? હા. મોટા ભાગના માનવો માને છે કે સંસારના વાતાવરણને અને આધ્યાત્મિક જીવનને અથવા આત્મોન્નતિને જોઈએ તેવો મેળ નથી હોતો. એ બંનેની વચ્ચે વિરોધ છે. પરંતુ ખરેખર એવું નથી સમજવાનું.આધ્યાત્મિક જીવન જીવવાની અથવા આત્મોન્નતિના માર્ગે આગળ વધવાની ઉત્કટ ઈચ્છા હોય તો વસતીને વચ્ચે વસીને અથવા એકાંતમાં રહીને,બંને પ્રકારની પરિસ્થિતિમાં સાધના કરી શકાય છે ને જાગૃતિપૂર્વકના પવિત્ર જીવનનો આધાર લઈ શકાય છે. એ સત્યની સ્મૃતિ કરાવનારાં કેટલાક પ્રાણવાન પાત્રોનો પરિચય આપણને આ સંસારમાં થઈ જાય છે ત્યારે આપણો વિશ્વાસ વધારે બળવાન બને છે અને અવનવી પ્રેરણા મળે છે.
આ લેખ દ્વારા એવા એક પ્રાણવાન પાત્રનો પરિચય કરાવી રહ્યો છું. એ પરિચય પ્રેરક છે કે કેમ એ તો વાચકોએ જ નક્કી કરવાનું છે. એ પાત્ર અલીગઢના રીટાયર્ડ સિવીલ સર્જન શ્રી ગુપ્તાજીનું છે. એમણે ઉત્તરપ્રદેશના ગોરખપુર, ફૈઝાબાદ જેવાં જુદાંજુદાં સ્થળોમાં સિવીલ સર્જન તરીકે નોકરી કરીને નિવૃત્તિની વયમર્યાદાએ પહોંચ્યા પછી અલીગઢને એમનું કાયમનું નિવાસસ્થાન બનાવ્યું છે. વરસનો થોડોક સમય હિમાલયના સુપ્રસિદ્ધ પર્વતીય સ્થાન મસૂરીમાં પસાર કરીને બીજો મોટા ભાગનો સમય એ અલીગઢમાં વીતાવે છે. ચારેક વરસથી એ મને એમના અતિથિ થવા માટે આગ્રહપૂર્વકનું આમંત્રણ આપતા ને કહેતા કે અલીગઢમાં તમને ગમશે. ત્યાંની સત્સંગપ્રેમી જનતાને સત્સંગનો લાભ મળશે. ત્યાં મારા પૂજ્ય પિતાશ્રીની સ્મૃતિમાં બંધાયેલું સુપ્રસિદ્ધ ટીકારામ મંદિર છે. એનું વાતાવરણ ખૂબ જ શાંત, એકાંત અને પવિત્ર છે. દર વરસે મને અલીગઢ જવાની અનુકૂળતા નહોતી રહેતી તો પણ એટલા જ પ્રેમ અને ઉત્સાહથી એ મને વરસોવરસ આમંત્રણ આપતા રહેતા. છેવટે એમની સુદીર્ઘ સમયની પ્રતીક્ષા ફળી અને ઈ. સ. ૧૯૭૪ના ઓક્ટોબરમાં અમે અલીગઢમાં પ્રવેશ કર્યો. ગુપ્તાજીની પ્રસન્નતાનો પાર રહ્યો નહીં.
*
અલીગઢનું ટીકારામ મંદિર સાચેસાચ સુંદર, શાંત તથા વિશાળ લાગ્યું. એના અવલોકનથી આનંદ થયો. મંદિરની આગળના ભાગમાં બે બાજુએ દુકાનો હતી. તેમનાં બારણાં જાહેર રસ્તા તરફ હોવાથી મંદિરની શાંતિમાં કશો ભંગ નહોતો પડતો. ગુપ્તાજીએ જણાવ્યું : ‘મંદિરની બહારના ભાગની દુકાનો સહેતુક બાંધવામાં આવી છે. તેથી મંદિરને લાભ થાય છે. આર્થિક મદદ મળી રહે છે.’
‘એ વ્યવસ્થા ઘણી સારી કરી છે.’ મેં કહ્યું : ‘મંદિરો આર્થિક રીતે પગભર તથા સમૃદ્ધ થાય એ ઈચ્છવા જેવું છે.’
‘મંદિરની વાર્ષિક આવક પ્રમાણમાં ઘણી મોટી છે. અમે એની બીજી વ્યવસ્થા વિચારી છે. મંદિરની આવકમાંથી એના નિભાવ કે ખર્ચ પૂરતી રકમ લઈને બાકીની બધી જ રકમ કન્યાઓની કોલેજ તથા બાળમંદિરના વિકાસ માટે વાપરવામાં આવે છે. એ સંસ્થાઓ મંદિરની બાજુમાં જ છે ને મારા પિતાજીની પુણ્યસ્મૃતિમાં ચાલે છે.’
‘એ તો ઘણું જ સારું કહેવાય.’
‘મંદિરની આવકનો એથી બીજો સારો ઉપયોગ બીજો કયો હોઈ શકે ? મંદિર સાર્વજનિક હોઈને સાર્વજનિક હેતુપૂર્તિ માટે વપરાવું જોઈએ. મારા પિતાશ્રીને કન્યા કેળવણી પ્રત્યે પ્રેમ હતો.’
‘તમે તેને યાદ રાખીને એમનું સાચું શ્રાદ્ધ કરી રહ્યા છો.’ મારાથી એમને અભિનંદન આપ્યા વિના રહી શકાયું નહીં.
મંદિરોની આવકનો આવો સદુપયોગ સઘળે ઠેકાણે સઘળાં મંદિરો તરફથી કરાતો હોય તો ? સમાજને કેટલો બધો લાભ મળે ? જનતાના અંતરમાં મંદિરો માટે અભિનવ આદરભાવ ઉત્પન્ન થાય. અળખામણાં બનતાં જતાં મંદિરો પ્રત્યે આકર્ષણ થાય. મંદિરો સંસ્કારધામો બને. ત્યાં કેટલીય લોકહિતકારક પ્રવૃત્તિઓ થાય. એમનો એ પ્રવૃત્તિઓમાં મહત્વનો ફાળો મળે.
‘મંદિર તમને કેવું લાગ્યું ?’
‘સારું લાગ્યું.’
‘અહીં ઉતરવાનું અને રહેવાનું ગમે ?’
‘ગમે.’
‘મને ખબર જ હતી. તો પણ તમારો ઉતારો મેં મારા મકાનમાં રાખ્યો છે. મારી પાસે. ત્યાં અનુકૂળ નહિ આવે તો અહીં રાખીશું.’
મારે તો એમની યોજનાને અનુસરવાનું જ હતું. મંદિરમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું. તેથી કથાકારનો ઉતારો ત્યાં જ હતો. આખો દિવસ શ્રોતાઓની અવરજવર પણ રહેતી. એ દૃષ્ટિએ વિચારતાં ઉતારો બીજે હોય એ ઈચ્છવા જેવું હતું.
ગુપ્તાજીનું મકાન મંદિરની છેક જ પાસે, સુંદર, સ્વચ્છ, એકાંત અને વિશાળ હતું. એમાં એ એકલા જ રહેતા. એ જ કંપાઉન્ડમાં થોડેક દૂર એમના પુત્રનો બંગલો હતો. ગુપ્તાજીના ધર્મપત્ની ત્યાં જ રહેતાં.
મેં એમને પૂછ્યું : ‘તમારા શ્રીમતિજી તમારી સાથે નથી રહેતાં ?’
‘ના. દિવસનો મોટો ભાગ એ મંદિરમાં ભગવાનની આરાધનામાં પસાર કરે છે ને રાતે પેલા મકાનમાં અલગ રહે છે. અમારી વચ્ચે પતિ-પત્નીનો શારીરિક સંબંધ નથી.’
‘ક્યારથી ?’
‘જ્યારથી સમજતાં થયાં ત્યારથી. વરસોથી. લગ્નજીવન છેવટે તો પવિત્રતામાં પ્રવેશીને પરમાત્મા તરફ વળવા માટે જ છે ને ?’
‘તમારી પત્ની તમારી પાસે દિવસે પણ નથી આવતી ?’
‘ના. એ એના કામકાજમાં ને ભક્તિભાવમાં મશગુલ રહે છે. એની પાસે સમય જ નથી હોતો. હું પણ મારા કામકાજમાં મગ્ન હોઉં છું. અમારે એકમેકનું એવું કામ પણ નથી હોતું.’
મને થયું કે માનવ જો ધારે તો વ્યવહારની વચ્ચે વસીને પણ સંયમી જીવન જીવી શકે.
‘તમારી ઉંમર કેટલી થઈ ?’
‘૮૫ વરસની.’
‘ઉંમરના પ્રમાણમાં શરીર ઘણું સારું છે.’
‘ઈશ્વરની કૃપા છે.’
*
ઈશ્વરની કૃપા તો એમની ઉપર હતી જ-એટલે તો એમની અંદર સદબુદ્ધિ અને સંસ્કારિતા હતી, પરંતુ એમની જીવનચર્યા પણ એને અનુકૂળ હતી. એનું અવલોકન કરવાનો અવસર મળવાથી મને આનંદ થયો. એ રોજ રાતે સાડા નવે લગભગ સુઈ જતા ને અઢી વાગ્યાની આસપાસ ઊઠીને સવારે પાંચ વાગ્યા સુધી ધ્યાનમાં બેસતા. મકાનના એક ખંડને એમણે ધ્યાન તથા પુસ્તકાલયના અલગ ખંડ તરીકે તૈયાર કરેલો. એ ખંડમાં સિદ્ધ સનાતન મહાપુરુષ બાબાજી શ્રી શ્યામાચરણ લાહિરી મહાશય, યુક્તેશ્વર મહારાજ, મહાત્મા યોગાનંદજીના અને અન્ય પ્રાતઃસ્મરણીય મહાત્મા પુરુષોના ફોટાઓ હતા. એનું વાતાવરણ પવિત્ર ને પ્રેરક હતું.
પ્રભાતે પાંચ પછી એ રોજ પગે ચાલીને ફરવા જતા. છ વાગ્યા પછી થોડાંક યોગાસનો કરતા. એ પછી સ્નાનાદિથી પરવારીને નાસ્તો કરતા. તેમને ચા પીવાની ટેવ નહોતી. વરસોથી એમણે એ ટેવને છોડી દીધેલી. તેમણે રાત્રી ભોજનનો પણ ત્યાગ કરેલો. દિવસ દરમ્યાન સેવાની વિવિધ પ્રવૃત્તિઓમાં રત રહીને સાંજનો થોડોક વખત તે વળી પાછા ધ્યાનમાં ને પ્રાર્થનામાં પસાર કરતા.
એક દિવસ એમણે મને જણાવ્યું : ‘વરસોથી ધ્યાન કરું છું અને નિયમિત રીતે કરું છું તો પણ હજુ નિર્વિકલ્પ સમાધિ નથી થતી.’
‘સાધનાને ચાલુ રાખજો. ઈશ્વર તમારી ભાવના પૂરી કરશે.’
‘જીવનમાં એના સિવાયની બીજી કોઈ જ ઈચ્છા નથી રહી. શરીર શાંત થાય તે પહેલાં એ ઈચ્છાની પૂર્તિ થાય તો સારું.’
એમની આંખ ભીની થઈ.
એમની ભાવના અદભુત અને અસાધારણ હતી.
ગુપ્તાજીનું જીવન સાધના, શુદ્ધિ અને સેવાનું જીવન હતું. એ જીવનને જોઈને મને થયું કે માનવનું મન તૈયાર હોય તો સાંસારિક જીવન એના માર્ગમાં બાધક નથી બનતું. એ પોતાની જાત પ્રત્યે જાગ્રત રહીને આત્મનિરીક્ષણ દ્વારા આત્મવિકાસ સાધી શકે છે.
કન્યા કોલેજમાં મારા પ્રવચનની પૂર્ણાહૂતિ પછી તેમણે કહ્યું :
‘કન્યા કેળવણીમાં મને ખાસ અભિરુચિ છે. આ કન્યાઓમાં મને દેશની આવતીકાલની આશા દેખાય છે. એ જ્યાં જશે ને વસશે ત્યાં બીજાને ઉપયોગી બનશે.’
મને થયું કે આવું સાત્વિક સ્વપ્ન સૌ કોઈ સેવતા હોય તો ? એનું પરિણામ કેટલું બધું કલ્યાણકારક આવે ?
છેલ્લે દિવસે વિદાય થવાનો વખત આવ્યો ત્યારે ગુપ્તાજીની પત્ની એમના મકાનની પરસાળમાં આવી પહોંચી. વિદાયના બે શબ્દો બોલીને એ મંદિરમાં ગઈ. અમે એ બંનેને નિહાળી રહ્યાં. એમનો સંબંધ કેવો આસક્તિરહિત અને આહલાદક હતો ! કોઈને કોઈના પ્રત્યે કશો અસંતોષ નહોતો, આસક્તિ ન હતી, ફરિયાદ ન હતી.
અલીગઢનો એ પ્રવાસ પહેલવહેલો હોવા છતાં યાદગાર બની ગયો.
- શ્રી યોગેશ્વરજી