ભાથીખત્રી મહારાજની કૃપા

આજના પ્રખર બુદ્ધિવાદમાં માનનારા, ડગલે ને પગલે આગળ વધતા, વિજ્ઞાનયુગમાં કેટલીક વ્યક્તિઓ એવી મળે છે અને કેટલીક ઘટનાઓ એવી બને છે જે આપણને આશ્ચર્યચકિત કરી દે છે અને વિચારમાં ગરકાવ બનાવે છે. સામાન્ય બુદ્ધિ દ્વારા એમના રહસ્યનો ઉકેલ એટલી સહેલાઈથી નથી કરી શકાતો. તો પણ એ હોય છે એકદમ વાસ્તવિક, પ્રામાણિક અને પ્રમાણભૂત. આલમની અનેક અજાયબીઓમાં એમનો પણ સમાવેશ કરવો હોય તો સહેલાઈથી વિનાસંકોચ કરી શકાય છે. એવી વ્યક્તિઓને વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધિ પણ મળી નથી હોતી, અને એવી પ્રસિદ્ધિની એમની આકાંક્ષાયે નથી હોતી. એ એમના કર્તવ્યને મૂક રીતે પરમ નિષ્ઠાપૂર્વક કર્યે જાય છે. એ કર્તવ્ય આંશિક હોવા છતાં ખૂબ જ કલ્યાણકારક હોય છે. એ કર્તવ્ય દ્વારા એમને ધનની, વૈભવની, પ્રતિષ્ઠાની, માનપાનની, સાંસારિક સુખોપભોગની, કશાની લાલસા નથી હોતી. એથી એમને ઊંડો આત્મસંતોષ મળે છે. એની પાછળ એમનો યજ્ઞભાવ હોય છે. એથી પ્રેરાઈને એ આજીવન કર્તવ્યાનુષ્ઠાન કરતા જ રહે છે. એમનું કાર્ય કેટલું બધું આશીર્વાદરૂપ હોય છે તે જોવા જેવું છે.

એક નાનાસરખા ગામની કલ્પના કરો. એ ગામમાં રહેતા એક યુવાનને-તાજેતરમાં જ પરણેલા યુવાનને-ખેતરમાં કામ કરતાં અચાનક સાપ કરડ્યો છે. એના સ્વજનોના શોકનો પાર નથી. એનાં માતાપિતા અને એની ધર્મપત્ની કાળજું કપાઈ જાય એવું કલ્પાંત કરે છે. આખુંય વાતાવરણ અતિશય કરુણ બની જાય છે. એકાએક ભાથીખત્રી મહારાજની સ્મૃતિ થાય છે. સુદૃઢ સ્વસ્થ શરીરવાળા એ યુવાનને ભાથીખત્રી મહારાજના સુપ્રસિદ્ધ સ્થળમાં લઈ જવામાં આવે છે. એ સ્થળમાં ભાથીખત્રી મહારાજના પરમ કૃપાપાત્ર પુજારી કે ભુવા મોતીભાઈ મળે છે. મોતીભાઈ સાપ ઉતારવાનું કલ્યાકાર્ય કરી રહ્યા છે. એ કાર્યમાં સિદ્ધહસ્ત મનાય છે. એ કાર્યને સફળતાપૂર્વક કરતા આવ્યા છે. એ ભાથીખત્રી મહારાજનું સ્મરણ કરીને શુદ્ધ બનીને તરત જ બહાર આવે છે. એમની ઉપર ભાથીખત્રી મહારાજનો અસાધારણ અમોઘ અનુગ્રહ છે. એ અનુગ્રહથી પ્રેરાઈને એમનો આદેશ મેળવીને એ કરુણાથી ભરાઈને પરમ શ્રદ્ધાભક્તિપૂર્વક આગળ આવે છે અને સર્પદંશનો ભોગ બનેલા યુવાનના શરીરે હાથ ફેરવીને કહે છે કે હવે સારું થઈ ગયું. સાપ ઉતરી ગયો. એ જ ક્ષણે સાપ ઉતરી જાય છે. અચેત જેવી અવસ્થામાં પડેલો યુવાન તરત જ બેઠો થઈ જાય છે. શાંતિપૂર્વક, નવજીવન પામીને, જાણે કશુંય ના બન્યું હોય એમ ચાલવા માંડે છે. ત્યાં એકઠા મળેલા સઘળા ભાથીખત્રી મહારાજનો જયજયકાર કરે છે. યુવાનનાં માતાપિતા, સ્વજનો ને એની પત્ની પ્રસન્નતા અનુભવે છે. મોતીભાઈના ઉપકારના બદલામાં એ શું આપે ? પ્રિયજનનું જીવનદાન કરનારને જે પણ આપવામાં આવે એ ઓછું છે. પરંતુ પોતાની સેવાના બદલામાં કશું પણ ના લેવાનો મોતીભાઈનો નિયમ છે. એ નિયમનું પાલન એ ખૂબ કડકાઈથી કરી રહ્યા છે, એટલે સૌ લાચાર છે. કૃતજ્ઞતા સહિત ભાથીખત્રી મહારાજને પગે લાગીને સૌ પોતપોતાને ઘેર પાછાં વળે છે.

એવા પ્રસંગો તો અનેકવિધ બન્યા કરે છે. મોતીભાઈની પાસે એમના ગામ ધોળકા તાલુકાના સરોડાના અને એની આજુબાજુના કેટલાય લોકો સાપને ઉતરાવવા માટે આવે છે અને સાપને ઉતરાવીને શાંતિ સાથે પાછા ફરે છે. ભાથીખત્રી મહારાજની કૃપાથી મોતીભાઈ અનેકના જીવ બચાવે છે. એમની કશી ફી નથી. એ કશી દક્ષિણા કે ભેટ લેતા નથી. એ કાર્ય એમની આજીવિકા માટે નથી. કર્તવ્યભાવનાની પૂર્તિ માટે છે. એ ખૂબ જ નમ્રતાપૂર્વક સરળ શબ્દોમાં જણાવે છે : ‘આ કામ હું ક્યાં કરું છું ? મારામાં એ કરવાની શક્તિ જ ક્યાં છે ? આ કામ તો મહારાજનું છે. એ જ કરે છે કે કરાવે છે. એનો બધો જ યશ એમને ઘટે છે. એમની જ શક્તિ સઘળું કરી રહી છે. એટલે મારે એ નિમિત્તે કાંઈપણ લેવાનું ન હોય. લેવાનો વિચાર પણ ના કરવાનો હોય.’

કેટલી બધી સરસ ભાવના ? મોતીભાઈને પોતાના કાર્યનો સહેજ પણ અહંકાર નથી થતો. એ સીધા, સાદા, સરળ અને નિખાલસ છે. એમની અંદર દંભનું નામ નથી. દર વરસે કારતક સુદ એકમે ભાથીખત્રી મહારાજના સ્થાનમાં મેળો ભરાય છે, ઉત્સવ યોજાય છે, ભજનકીર્તન ચાલે છે ને માણસોએ પોતપોતાની બાધાને અનુસરીને કે બીજી રીતે જે વસ્તુઓ આપી હોય છે તે સૌને પ્રસાદરૂપે વહેંચવામાં આવે છે. બાકીના દિવસોમાં પણ મહારાજના મંદિરમાં જે કાંઈ મૂકવામાં આવે છે એનો હિસાબ રહે છે અને એ એવી રીતે જ વાપરવામાં આવે છે. મોતીભાઈ એનો અંગત ઉપયોગ અથવા ઉપભોગ નથી કરતા. શહેરોમાં સાપ કરડે તો માણસને હોસ્પિટલમાં લઈ જવાય, ઈન્જેક્શનો આપવામાં આવે, અને કેટલોય ખરચ થાય, પરંતુ મોતીભાઈને ત્યાં કોઈપણ પ્રકારના ભેદભાવ વિના સૌનો નિઃસ્વાર્થ રીતે ઉપચાર થાય છે અને બદલામાં કશું જ નથી લેવાતું. એ કેટલી બધી મોટી, માન ઉપજાવે તેવી વાત છે ? એમની એ પ્રવૃત્તિ કેટલી બધી આશીર્વાદરૂપ છે ? એની કલ્પના સહેલાઈથી કરી શકાય તેમ છે. આજના અર્થપ્રધાન યુગની એ એક અજાયબી છે.

*

મોતીભાઈનું પૂર્વજીવન કેવું હતું, અને એ ભાથીખત્રી મહારાજના પરમ કૃપાપાત્ર કેવી રીતે બની શક્યા, એની ઓછીવત્તી માહિતી મેળવવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. પૂર્વજીવનમાં એમની અંદર કોઈ વિશેષતા અથવા અસાધારણતા નહોતી દેખાતી. પાટીદાર ખેતીપ્રધાન ઘરમાં જન્મીને એમણે કશી અસામાન્યતા નહોતી દાખવી. એમના જમાપાસે એમને ત્યાં પરાપૂર્વથી ચાલ્યું આવતું એમની કુળદેવી માતા સિકોતરનું સ્થાન હતું. એમની માતા દયાળુ, પરગજુ અને શ્રદ્ધાભક્તિસંપન્ન હતાં. એ સિકોતર માતાની નિયમિત સેવા કરતાં. ઘર આર્થિક રીતે દુઃખી હતું. ઉછળતી યુવાનીમાં મોતીભાઈ ખોટા માર્ગે વળી ગયેલા. એને લીધે કેટલાક કુકર્મો પણ કરી બેઠેલા. ગામમાં એમની સારી પ્રતિષ્ઠા નહોતી રહી. ભાથીખત્રી મહારાજ પ્રત્યે પણ એમને લેશ શ્રદ્ધાભક્તિ ન હતી. એમના સ્થાનમાં જવા માટે પણ એ નહોતા ટેવાયેલા. પરંતુ જીવનની જડતા ક્યારે કેવી રીતે ટળે છે ને જીવનનો પ્રવાહ ક્યારે ક્યાં પલટાય છે તેની કલ્પના કોણ કરી શકે છે ? કેટલીક વાર તો એ પરિવર્તન આકસ્મિક રીતે જ થતું હોય છે. પૂર્વના કોઈ સંસ્કાર સંબંધો એમાં ભાગ ભજવે છે ખરા, પરંતુ કયા સંસ્કાર સંબંધો ક્યારે, ક્યાં, કેવી રીતે, કેટલા પ્રમાણમાં ભાગ ભજવે છે તે નથી કળાતું. એનું તો ઉપરછલ્લું અનુમાન જ કરવું રહે છે. મોતીભાઈના અદૃષ્ટ શુભ સંસ્કારની જાગૃતિનો અવસર આવી પહોંચ્યો એટલે એમનો જીવનપ્રવાહ એકાએક અને શુભ દિશામાં પલટાયો.

વાત એમ બની કે ભાથીખત્રી મહારાજના સાપ ઉતારનારા પહેલાંના ભુવા કોયા પટેલનો સ્વર્ગવાસ થયો એટલે ભુવા તરીકે કામ કરીને કોણ સાપ ઉતારે એ પ્રશ્ન પેદા થયો. મહારાજના ભક્તોએ નક્કી કર્યું કે આ ઉત્તમ, સ્વાર્થરહિત પરમહિતકારક લોકોપયોગી સેવાકર્મને ચાલુ તો રાખવું જ. કોયા પટેલે એકાદ બે યુવાનોને સાપ ઉતારતાં શીખવેલું ખરું, પરંતુ તે એ પ્રવૃત્તિમાં પારંગત નહોતા બન્યા. મહારાજની મરજી જુદી જ હતી. એ પ્રમાણે એમના સ્થાનમાં કુતૂહલભાવથી ભરાઈને આવેલા મોતીભાઈના શરીરમાં પ્રવેશ કર્યો, અને બીજી રીતે ચમત્કાર બતાવીને એમને પોતાના પરમ કૃપાપાત્ર તથા ભુવા તરીકે જાહેર કર્યા. ભક્તોએ પોતાની પ્રતીતિ માટે પૂછેલા પ્રશ્નોના પ્રત્યુત્તરો પામીને સૌને સંતોષ થયો. સૌએ મોતીભાઈને મહારાજીની મરજી મુજબ સ્વીકારી લીધા. ગામ લોકોને એની માહિતી મળી ત્યારે એમના આશ્ચર્યનો અંત રહ્યો નહિ. એ મોતીભાઈના જીવનને જાણતા હતા.

એનો અર્થ એવો થોડો છે કે એ જીવન બદલાય જ નહીં ? કર્મના નિયમો કોના જીવનમાં ક્યારે કામ કરે છે એ વિશે કશું જ નથી કહી શકાતું. વળી ઈશ્વરની ઈચ્છા સર્વોપરી છે. એને માટે કશું જ આશ્ચર્યકારક નથી. એ રંકને રાય કરે છે અને રાયને રંક. નિરક્ષરને સાક્ષર બનાવે છે સાક્ષરને નિરક્ષર. જળને ઠેકાણે સ્થળ ને સ્થળને ઠેકાણે જળ. એની લીલા અપાર છે, ગહન છે, અસાધારણ છે. મોતીભાઈનો જીવનપ્રવાહ એ પ્રસંગ પછી પલટાઈ ગયો. એમનાં સઘળાં વ્યસનો છૂટી ગયાં. કુકર્મો મટી ગયાં. એ સારા ને સાચા માનવ બનવા લાગ્યા. મહારાજે એમની બુદ્ધિ, વૃત્તિ, કૃતિ કે પ્રવૃત્તિ પલટાવી દીધી. જેને એમણે અપનાવ્યો એને એ અશુદ્ધ કેવી રીતે રહેવા દે ? કુમાર્ગગામી કેમ બનાવે ? એથી તો એ જ લાજે. એને તો એ સુંદરમાં સુંદર, સર્વોત્તમ બનાવવા માંડે. ગામ આખું કહેવા લાગ્યું કે મોતીભાઈ બદલાઈ ગયા. મોતી જેવા મૂલ્યવાન ને સાચા થવા માંડ્યા.

*

આજે મોતીભાઈ આદર્શ માનવ અથવા આરાધક તરીકે જીવવાની કોશિશ કરે છે. નમ્ર, સરળ, નિષ્કપટ છે. એમને પૂછવામાં આવે છે, ‘તમે સાપને કેવી રીતે ઉતારો છો ? કોયાજી તો ઢોલ વગાડાવતા, લોકો પાસે પોકારો પડાવતા, સાપના ડંખને ચૂસતા. તમારે એવું કરવું પડે છે ?’

એ ઉત્તર આપે છે, ‘મહારાજની કૃપાથી મારે એવું કશું જ નથી કરવું પડતું. મહારાજની રજા લઈને જેને સાપ કરડ્યો હોય છે તેનાં શરીર પર મહારાજનું નામ લેતાં હાથ ફેરવું છું એટલે થોડી જ વારમાં સાપ ઉતરી જાય છે ને માણસ સાજો થઈ જાય છે.’

‘એ તો એકદમ અસાધારણ કહેવાય.’

‘જે છે તે મહારાજની કૃપા છે. એમની શક્તિનું જ પરિણામ છે.’

‘કોયાજી સાપ ઉતારતા ત્યારે કેટલીક વાર માણસને માધ્યમ બનાવીને સાપ બોલતો પણ ખરો. એકવાર એણે જણાવેલું કે મારા આ મોટા છોકરાને હું મારી મરજીથી કરડ્યો છું. મારા મૃત્યુ પછી હું સાપ થઈને ઘરમાં રહું છું. આ મોટો છોકરો નાના છોકરા સાથે સારો વ્યવહાર નથી રાખતો. એ મારી બધી મિલકત પચાવીને બેસી ગયો છે. એના વતી જો બે માણસો નાના છોકરાને મિલકતનો સરખો ભાગ આપવાની બાંયધરી આપે તો હું અત્યારે જ ઉતરી જઉં. ત્યાં સુધી નહીં ઉતરું. છેવટે મોટા છોકરા તરફથી બે સંબધીઓએ મિલકતના સરખા ભાગ કરાવવાની બાંયધરી આપી ત્યારે સાપ ઉતર્યો અને અચેતાવસ્થામાં પડેલો મોટો છોકરો સાજો થઈને બેઠો થયો. તમે સાપ ઉતારો છો ત્યારે એવું બને છે ખરું ?’

‘બને છે. કોઈવાર આવશ્યકતા હોય તો સાપ પોતાના કરડવાનું કારણ બોલી બતાવે છે.’

‘કોઈવાર ભેંસને જીવડા પડ્યા હોય ને વહેલી સવારે કોયાજી પાસે જઈએ તો એ કહેતા કે મહારાજ મટાડી દેશે. એની સામું જોશો નહીં. કુતરાંને અમુક લોટના રોટલા નાખી દેજો. એ પ્રમાણે રોટલા નાખવામાં આવતા ને ભેંસ તરત જ સારી થતી.’

‘અત્યારે પણ એવું થાય છે. સાપ સિવાય બીજું કશુંક કરડ્યું હોય તો પણ મહારાજ કહી આપે છે. માણસોની જુદી જુદી ભાવનાઓ પૂરી થાય છે. પોતાના દ્વારે, મંદિરની પાસે આવેલા કોઈને મહારાજ નિરાશ નથી કરતા. દૂર રહીને એમને યાદ કરનારને પણ એ મદદ કરે છે.’

*

કોઈને પાતાના મકાનની સમસ્યા સતાવી રહેલી. એણે મોતીભાઈને વાત કરી તો એમણે એકાદ મિનિટ આંખ મીંચીને તરત જ જણાવ્યું : ‘ઘરની ચિંતા ના કરશો. એની વ્યવસ્થા થઈ જશે. મહારાજ બધું સારું કરશે.’

ઘરની સમસ્યા ત્રણચાર દિવસમાં જ ઉકલી ગઈ.

*

મોતીભાઈ કોઈવાર મળે છે ત્યારે મહારાજની કૃપાને યાદ કરીને ગદગદ્ બની જાય છે. એમની આર્થિક સ્થિતિ સારી નથી. આજીવિકા માટે થોડીક જમીન છે તે જ. ગૃહસ્થાશ્રમની જવાબદારીઓ ઘણી મોટી છે છતાં સ્વસ્થ ને શાંત રહે છે. છેલ્લે છેલ્લે મને મળવા આવ્યા ત્યારે ભાવથી ભરાઈને કહેવા લાગ્યા : ‘વખત ઘણો જ બારીક છે તો પણ મહારાજ બધું ચલાવે છે. જેમતેમ કરીને ચલાવે છે ને લાજ રાખે છે. હવે તો ફકત આત્મકલ્યાણ જ કરી લેવું છે. બીજી કોઈ જ લાલસા નથી. માનવદેહ દુર્લભ છે. એ ફરીફરી ક્યારે મળવાનો છે ?’

એમના શબ્દો સાંભળીને મને આનંદ થયો. મેં કહ્યું : ‘તમારા પર મહારાજની કૃપા છે. માટે જ આવા શુભ વિચારો પેદા થાય છે. મહારાજે તમને અપનાવ્યા છે એટલે આત્મકલ્યાણના માર્ગે પણ એ જ લઈ જશે. એમની શક્તિ અપાર છે.’

મોતીભાઈના મુખમંડળ પર સંતોષની છાયા ફરી વળી.

એક મકાનમાં એકાએક વીંછી નીકળ્યો. મકાનમાં રહેનારે ભાથીખત્રી મહારાજને યાદ કરીને એમના નામનો ઘીનો દીવો કર્યો તો વીંછી તરત જ અદૃશ્ય થઈ ગયો. પછીથી દેખાયો જ નહીં. દૂર રહીને પણ શ્રદ્ધાભક્તિથી સ્મરનારને મહારાજ એવી અનેક રીતે મદદ કરે છે તો મોતીભાઈ તો તદ્દન પાસે છે. એમને શા માટે મદદ ન કરે ?

 - શ્રી યોગેશ્વરજી

Today's Quote

Not everything that can be counted counts, and not everything that counts can be counted.
- Albert Einstein

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.