શ્રી સંતરામ મહારાજ
‘સંતરામ મહારાજનું સ્વરૂપ કેવું હતું તેની ખબર છે ?’
‘એમના સ્વરૂપ વિષે કશી ચોક્કસ માહિતી નથી મળતી. આછી પાતળી કલ્પના જ કરવાની રહે છે. આ સ્થળમાં એ સૌથી પહેલાં સંવત ૧૮૭૨ના અરસામાં આવેલા ને વૃક્ષની નીચે વાસ કરતા. એમનું આગમન ક્યાંથી થયેલું એની ખબર કોઈને ન હતી. એ એકાએક આવી પહોંચેલા અને પેલા ખેતરમાં રહેલા. એ વખતે પણ આ સ્થળ વસતિથી દૂર હતું. એમની સ્મૃતિમાં આ દેરી તો પાછળથી થઈ છે.’
‘મારા પ્રશ્નનું પ્રયોજન જરાક જુદું છે. આ પુણ્યપ્રદેશમાં પ્રવેશતાંવેંત મને એ પ્રાતઃસ્મરણીય મહાપુરુષના વાસ્તવિક સ્વરૂપ વિશે જાણવાની ઈચ્છા થઈ. એ ઈચ્છાથી પ્રેરાઈને આ સ્થળમાં એમની જ્યોત આગળ હું આંખ મીંચીને પ્રાર્થના કરવા ઊભો રહ્યો તો થોડા જ વખતમાં મને એમની અલૌકિક આકૃતિના દર્શનનો લાભ મળ્યો. પાતળું ઘંઉવર્ણું શરીર, એના પર સાધારણ ભસ્મ, મસ્તક પર જટા, નાની સરખી દાઢી, કમર પર વીંટાળેલો સ્વચ્છ સફેદ ટૂકડો, મુખ પર પરમશાંતિ તથા સંમોહિત સ્મિત, એવું એમનું સ્વરૂપ હતું. એમનું વાસ્તવિક સ્વરૂપ એવું જ હોવું જોઈએ. એમના દૈવી દર્શનથી મને આનંદ થયો. એમણે મને જણાવ્યું કે એ ભગવાન દત્તના અવતાર હતા અને ગિરનારના પવિત્ર પ્રદેશમાંથી આ તરફ આવી પહોંચેલા.’
‘બરાબર છે. એમના શિષ્યો દ્વારા પ્રાચીન કાળથી ચાલી આવતી પરંપરાગત કથા પ્રમાણે સંતરામ મહારાજનું સ્વરૂપ એવું જ હતું. એ દત્ત ભગવાનના અવતાર મનાતા અને ગિરનારમાંથી આવેલા એવું પણ કહેવાતું.’
એ સ્પષ્ટીકરણથી મને આનંદ થયો. નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના શ્રદ્ધાભક્તિભરપુર સંનિષ્ઠ કાર્યકર્તા જયંતિભાઈની સાથે અમે એ સ્થળ-સંતરામ મહારાજની દેરી-જોવા ગયેલા અને એ પવિત્ર સ્થળમાં એમની સાથે વાર્તાલાપ થયેલો.
સંતરામ મહારાજે મારી જિજ્ઞાસાવૃત્તિના જવાબમાં જ મને કૃપા કરીને એમના મૂળ સ્વરૂપનું દર્શન કરાવ્યું અને એ રીતે સાંકેતિક રીતે સૂચવ્યું કે એમની અલૌકિક આત્મશક્તિ આજે પણ અબાધિત રીતે કાર્ય કરી રહી છે. એમણે વરસો પહેલાં સ્વેચ્છાથી સમાધિ લીધી છે એનો અર્થ એવો નથી કે પોતે પણ સમાધિસ્થ થઈ ગયા છે. શરણાગતો, ભક્તો, પ્રેમીજનો અને પ્રસંશકોને એક અથવા બીજી રીતે મદદ કરવા અને પોતાના અસાધારણ અનુગ્રહ દ્વારા કૃતાર્થ કરવા એ આજે પણ તૈયાર છે.
*
સંતરામ એ નડિયાદ પાસેના પીપલગ ગામની સીમમાં અવધૂતવેશે વિરાજતા ત્યારે એમને સ્નાન કરવાની ઈચ્છા થવાથી એ બાજુના ખેતરના કૂવા પાસે જઈ પહોંચ્યા. એમણે સ્નાનક્રિયામાં સરળતા થાય એટલા માટે ખેડૂતને ડોલ તથા દોરડું મૂકી જવાની સુચના કરી. ખેડૂતને એમનો સાધારણ જેવો વેશ જોઈને એમનો વિશ્વાસ થયો નહીં એટલે એ ડોલ તથા દોરડાને લઈને વિદાય થયો. સંતરામ મહારાજ કૂવાના થાળા પાસે બેસી ગયા. કૂવાનું પાણી આજ્ઞાંકિત સેવકની પેઠે ઉપર આવ્યું. એ મહાપુરુષે પોતાના પાત્ર દ્વારા એથી શાંતિપૂર્વક સ્નાન કરવા માંડ્યું. ખેડૂતે ફરીવાર કૂવામાંથી પાણી ભરવા આવતી વખતે એ અલૌકિક દૃશ્ય જોઈને સ્વાભાવિક રીતે જ આશ્ચર્ય અનુભવ્યું. એને એ મહાપુરુષની મહત્તાનો ખ્યાલ આવ્યો. એમને માટે સેવેલી શંકાને માટે અને એમની ઉપેક્ષાને માટે એને પશ્ચાતાપ થયો. એણે એમની માફી માગીને એમનું શરણ લઈને મનોમન એમનું શિષ્યત્વ સ્વીકાર્યું.
એ મહાપુરુષનો નિવાસ ખેતરમાં આવેલા રાયણ વૃક્ષની બખોલમાં હતો. એમાં એમને રાજપ્રાસાદ કે સ્વર્ગસુખ કરતાં પણ અધિક સુખનો આસ્વાદ મળતો. બાજુના ખેતરમાં અન્નના ઢગલા પડેલા. એ અન્ન કોથળામાં ભરાતું ને ગાડામાં નંખાતું. ખેડૂત અનાજને લઈને ઘેર જવાની તૈયારી કરવા લાગ્યો. એટલે એ મહાપુરુષે એને ઘેર જવાની ના પાડી, ખેડૂતે એમના આદેશનું અનુસરણ કર્યું. થોડી વારમાં આકાશમાં વાદળ ઘેરાયાં, ચપલાના ચમકાર તથા ગડગડાટ થયા, ને વરસાદ વરસવા માંડ્યો. જો ખેડૂત ઘર તરફ ચાલી નીકળ્યો હોત તો એનું અનાજ બગડત. મહાપુરુષે એની રક્ષા કરી. એમની અસાધારણતાનું એને ભાન થયું.
એકવાર એક ખેડૂત એમને ભિક્ષા કરાવવા માંડ્યો. એમણે એને દૂધ લાવવાની આજ્ઞા કરી. ખેડૂત વિચારમાં પડ્યો ને બોલ્યો, મહારાજ, દૂધ ક્યાંથી લાવું ? મારી ભેંસ દૂધ આપતી નથી, નહીં તો જેટલું માગત તેટલું દૂધ હાજર કરત. મહારાજે એને એમનું તુંબીપાત્ર આપીને દોહવા જણાવ્યું. ખેડૂતે એ તુંબીપાત્રને લઈને ભેંસને દોહવાનું શરૂ કર્યું તો એના અસાધારણ આશ્ચર્ય વચ્ચે ભેંસના દૂધની ધારા નીકળવા લાગી. એ દૂધ એણે એ મહાપુરુષને અર્પણ કર્યું. એનું સાધારણ મન એ મહાપુરુષની અસાધારણ શક્તિને સમજી શક્યું નહીં. એણે એમને પૂજ્યભાવે પ્રેરાઈને પ્રણિપાત કર્યા.
વખતના વીતવાની સાથે સંતરામ મહારાજની અસાધારણ શક્તિની વાતો લોકોમાં ફેલાવા લાગી. લોકોમાં એમને માટે અતિશય આદરભાવ પેદા થયો. સૌના આગ્રહથી એમણે નડિયાદ નગરમાં પ્રવેશીને અત્યારે જ્યાં સુપ્રસિદ્ધ સંતરામ મંદિર છે ત્યાં વાસ કર્યો. જનતાને એમનો અધિક પ્રમાણમાં લાભ મળવા લાગ્યો. એમનું વ્યક્તિત્વ અત્યંત આકર્ષક હતું. હૃદય સરળ, શુદ્ધ અને પ્રેમાળ. એ અપરિગ્રહની મૂર્તિ હતા. આકાશવૃત્તિથી જે કાંઈ સહજ રીતે આવી મળે તે દ્વારા પોતાનો નિર્વાહ કરતા. તે દયા, પરોપકાર, અભેદભાવ, અનન્ય ભક્તિભાવ, ત્યાગ, અક્રોધ અને શાંતિના મૂર્તિમંત સ્વરૂપ જેવા હતા. એમનું જીવન અનેકને માટે પ્રેરણાદાયક અને આશીર્વાદરૂપ થઈ પડ્યું. થોડાક વખતના વસવાટ પછી એમણે સ્થાનાંતર કરવાનો વિચાર કર્યો પરંતુ ભક્તોના અસાધારણ આગ્રહને લીધે ત્યાં જ રોકાઈ ગયા.
મહાપુરુષની મહાનતાને મહાપુરુષ સિવાય બીજું કોણ જાણે ? બીજાને તો એની કલ્પના પણ ના આવી શકે. ગુજરાતની પુણ્યભૂમિમાં એ વખતે એક બીજા લોકોત્તર મહાપુરુષ રહેતા હતા. સ્વામીનારાયણ સંપ્રદાયના સંસ્થાપક સહજાનંદ સ્વામી અથવા શ્રીજી મહારાજ. શ્રીજી મહારાજે વિક્રમ સંવત ૧૮૮૦ની આસપાસ નડિયાદ નગરમાં પદાર્પણ કરીને ત્યાં પોતાના સ્થાનના નિર્માણની આકાંક્ષાવાળા ભક્તોને જણાવ્યું કે આ નગર આપણે માટે નથી. આપણે હજુ આગળ, બીજા સ્થળમાં જવાનું છે. આપણે માટે બીજું સ્થળ નિર્માયેલું છે. આ નગર તો શ્રી સંતરામ મહારાજને માટે છે. એ એક લોકોત્તર લોકહિતૈષી મહાપુરુષ છે. ભવિષ્યમાં એમનો મહિમા ખૂબ જ વધી જશે, એમની કીર્તિ ચારે તરફ ફેલાઈ જશે અને પ્રવૃત્તિ પાંગરશે.
એમની એ ભવિષ્યવાણી પાછળથી શબ્દશઃ સાચી પડી. એ પોતે ઈશ્વરેચ્છાથી પ્રેરાઈને એ પછી આગળ વધ્યા અને વડતાલમાં વસ્યા. ત્યાં સુંદર સ્થાન નિર્માણ થયું. એ જ સ્થાનમાં વિરાજીને એમણે એમના સુપ્રસિદ્ધ ધર્મગ્રંથ શિક્ષાપત્રીની રચના કરી. ગુજરાતની પુણ્યભૂમિને પોતાના કાયમી નિવાસસ્થાન માટે પસંદ કરનારા એ બંને સમકાલીન સમાજહિતૈષી સત્પુરુષોએ સમાજના પછાતવર્ગની સુધારણા તથા સમુન્નતિનું કલ્યાણકારક કાર્ય કર્યું છે. શ્રીજી મહારાજે સૌરાષ્ટ્રમાં ને સંતરામ મહારાજે ચરોતરમાં અને એ દ્વારા સમસ્ત ગુજરાતમાં. સમાજના ઉજળા વર્ગને સુધારવાના કાર્ય કરતાં પછાત તથા વ્યસની વિપથગામી વર્ગને સુધારવાનું કે સુસંસ્કૃત બનાવવાનું કાર્ય વધારે વિકટ હોય છે. એને માટે અસાધારણ આત્મબળની આવશ્યકતા હોય છે. એ બંને સ્વનામધન્ય પ્રાતઃસ્મરણીય મહાવિભૂતિઓ એવા આત્મબળથી અલંકૃત હોવાથી એ કલ્યાણકાર્યમાં સફળ થઈ શકી. ગામડાના પછાત વર્ગ પ્રત્યે સંતરામ મહારાજને ઊંડી સહાનુભૂતિ હતી. એને લીધે ખેડૂતો, કારીગરો, મજૂરો, ધારાળા, બારૈયા, ઠાકોરો, વાઘરી તથા હરિજનો એમના પ્રત્યે આકર્ષાઈને એમના ભક્તો, શિષ્યો, અનુયાયીઓ અને પ્રસંશકો બનેલા.
પોતાના દર્શન, સદુપદેશ અને બીજી રીતે જનતાજનાર્દનનું કલ્યાણ કરીને પરમયોગી સ્વનામધન્ય શ્રી સંતરામ મહારાજે જીવિત સમાધિ લેવાનો નિર્ણય કર્યો. એ નિર્ણય સાંભળીને ભક્તોને દુઃખ થાય એ સ્વાભાવિક હતું, પરંતુ એમનો નિર્ણય અફર હતો. સંવત ૧૮૮૭ના મહા સુદ પૂર્ણિમાના દિવસે સાંજ પાંચ વાગ્યે સમાધિની તૈયારી થઈ. એમના આદેશાનુસાર એક અપ્રગટ દીપક રાખવામાં આવ્યો. સૌના દેખતાં એ સમાધિમાં પ્રવેશ્યા. એમના મસ્તકમાંથી એકાએક પ્રાગટ્ય પામેલી દિવ્ય જ્યોતિના પ્રકાશથી પેલો અપ્રગટ દીપક સ્વતઃ પ્રકટી ઊઠ્યો. એ વખતે જનતા પર સાકરની વર્ષા થઈ. એ દિવસ મંગલ મહોત્સવમય બની ગયો. સંતરામ મંદિરમાં દર વરસે એ દિવસે મોટો મેળો ભરાય છે અને મંદિરના મહારાજ તરફથી જનતા પર સાકરવર્ષા થાય છે. એ જ્યોતિ મંદિરનું મુખ્ય પૂજાપ્રતીક બનેલી છે. મંદિરમાં કોઈ મૂર્તિ કે તસ્વીર રાખવાનો રીવાજ નથી. એને બદલે આત્મજ્યોતિની સ્મૃતિ કરાવતો અખંડ દીપક રાખવામાં આવો છે. ભક્તો તથા દર્શનાર્થીઓ એમાંથી પ્રેરણા અને પથપ્રદર્શન મેળવે છે. એ જ્યોતિની આગળ અનેક ભક્તો આત્મનિવેદન કરે છે, જપ, ધ્યાન, તેમજ પ્રાર્થનાનો આધાર લે છે, અને એમની બાધા રાખે છે. એ અંખડ જ્યોતિ કોઈને નિરાશ નથી કરતી. સૌના મનોરથ પૂરા કરે છે. સૌને સંતોષ અને શાંતિ આપે છે. અજ્ઞાનનાં અનેકવિધ આવરણોમાં અટવાતા આત્માઓને પ્રજ્ઞાના પવિત્ર પ્રદેશમાં પ્રવેશ પૂરો પાડે છે.
સંતરામ મંદિર તીર્થધામ બન્યું છે. સંતરામ મહારાજના શિષ્ય લક્ષ્મણદાસજી મહારાજ પણ પરમપ્રતાપી મહાપુરુષ હતા. એ પછીના મહંતોમાં મંદિરને એની વર્તમાન જાહોજલાલી પર પહોંચાડનારા જાનકીદાસજી મહારાજ ખાસ ઉલ્લેખનીય છે. તે પંચાવન વરસ સુધી ગાદી પર રહેલા. અત્યારે શ્રી નારાયણદાસ મહારાજની અધ્યક્ષતામાં મંદિર લોકહિતની વિવિધ પ્રકારની પ્રવૃત્તિ દ્વારા ઉપયોગી સેવાકાર્ય કરી રહ્યું છે. નારાયણદાસજી મહારાજ પરમ ત્યાગી, તપસ્વી, પરમાત્માના કૃપાપાત્ર અને આધુનિક વિચારપ્રવાહથી પરિચિત હોવાથી સમસ્ત સેવાકાર્યનું સંચાલન સુચારુરૂપે કરી રહ્યા છે. એમનું અને એ સ્થાનનું દર્શન સૌને માટે પ્રેરણાદાયક થઈ પડશે. ગરીબ વિદ્યાર્થીઓને માટે નિવાસ તથા ભોજનપ્રબંધ, નેત્રચિકિત્સાલય, અન્નક્ષેત્ર, ધ્યાનાદિ માટેનું મૌન મંદિર, સત્સંગ ભવન, સમૂહ લગ્નની વ્યવસ્થા, એવી એવી એની પ્રવૃત્તિઓ છે.
- શ્રી યોગેશ્વરજી