અંબાજીનો અનુભવ
અંબાજીના સુપ્રસિદ્ધ સ્થળનો વિશેષ પરિચય ના કરાવવાનો હોય. ભારતના અસાધારણ શ્રદ્ધાભક્તિથી જોવાતાં પરમ દર્શનીય મનાતાં દેવી સ્થળોમાં અંબાજીનો મહિમા મહત્વનો મનાય છે. અંબાજીની ખાસ ગણના થાય છે. ગુજરાતની ભાવભક્તિ ભરેલી ભૂમિમાં એનું સ્થાન અજોડ ગણાય છે. દર વરસે ત્યાં લાખોની સંખ્યામાં ભાવિકો, ભક્તો તથા જિજ્ઞાસુજનો એકઠા થાય છે, આરાધના આદરે છે, પ્રેરણા તથા પ્રકાશ પામે છે, અને અવનવી શક્તિથી સંપન્ન બને છે. એ પવિત્ર પ્રાચીન તીર્થસ્થાન આજે પણ અનેકને શાંતિ આપે છે. એ તીર્થસ્થાન જડ નથી, પરંતુ ચિન્મય છે. આજે પણ એની અધિષ્ઠાત્રી દેવી માતા અંબિકા એક અથવા બીજી રીતે દર્શનાર્થીઓને પોતાની દિવ્યતાનો અનુભવ આપે છે, એવી રીતે એમની શ્રદ્ધાભક્તિને વધારે છે. માતા અંબિકાનું જયગાન કરતાં ભક્તો તથા દર્શનાર્થીઓ પાછા ફરે છે.
આજથી પાંચેક વરસ પહેલાં અમે આબુ થઈને અંબાજીની યાત્રાએ ગયાં. મંદિરના દર્શનથી અમને અતિશય આનંદ થયો. ત્યાંના પવિત્ર વાતાવરણમાં થોડોક સમય શાંતિપૂર્વક પસાર કરીને ઉતારા પર આવીને જરૂરી આરામ કરીને સાંજે કોટેશ્વર અને કુંભારિયાની મુલાકાત લીધી. એ સ્થળો ખૂબ જ એકાંત, શાંત, સુંદર અને આહલાદક હતાં.
બીજે દિવસે વહેલી સવારે ગબ્બર ગયાં. મુકામ પર પાછા ફર્યા પછી તપાસ કરતાં ખબર પડી કે અંબાજીથી અમદાવાદની આગલા દિવસે લીધેલી લકઝરી બસની ટિકિટ ભૂલથી ક્યાંક પડી ગઈ છે ! ટિકિટ વિના મુસાફરી કરવાની મુશ્કેલી પડે એ સમજી શકાય તેમ હતું. ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કર્યા છતાં પણ ટિકિટનો પત્તો ના લાગ્યો ત્યારે મેં અંબાજી માતાને પ્રાર્થના કરીને જણાવ્યું કે તમે જો સાચેસાચ હો અને શક્તિશાળી હો તો ટિકિટને મેળવી આપો. તો તમારી ચેતના સક્રિય છે એવું સમજાશે.
મોટર સ્ટેન્ડ પર જઈને તપાસ કરી ને ટિકિટ ખોવાયાની ખબર આપી. કોઈ એ ટિકિટ સાથે આવે તો ઘટતું કરવા કહ્યું. ગામમાં પ્રવેશવા માટે વેરો આપવો પડે છે ત્યાં જઈને તપાસ કરી જોઈ પરંતુ પરિણામ શૂન્યમાં આવ્યું. અંબાજીની પ્રાર્થના પ્રબળ બનતાં એકાએક મંદિર તરફ જવાની પ્રેરણા થઈ. એ પ્રેરણા જાણે કે અંબામાતાએ જ પેદા કરી. એને અનુસરીને અમે મંદિર તરફ જઈને મંદિરના વિશાળ પ્રાંગણમાં પ્રવેશ કર્યો. ત્યાંની એક દુકાનમાંથી અમે માતા અંબિકાને માટે પૂજાની સામગ્રી લીધેલી. એ દુકાન પાસે પહોંચીને અંબાજીનું સ્મરણ કરતાં જોયું તો નીચે એક નાનો સરખો કાગળનો લોચો દેખાયો. એને ઉપાડીને જોયું તો એ પેલી ખોવાયેલી બસની ટિકિટ હતી.
અમારાં અંતર આનંદથી આપ્લાવિત બની ગયાં. અમને નિરાંત વળી. અમારી પ્રતીક્ષા કરતી એ ટિકિટ ત્યાં કલાકોથી પડી રહેલી. એની અને એ દુકાન પાસેથી કેટલાય લોકો પસાર થયા હશે, કેટલાયની એની ઉપર દૃષ્ટિ પડી હશે, તો પણ એ સુરક્ષિત રહેલી. એનું કારણ માતા અંબિકાની કૃપા નહીં તો બીજું શું હોઈ શકે ? આજે પણ એની શક્તિ કાર્ય કરે છે અને એ પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપે છે એની પ્રતીતિ થઈ. અત્યંત ભક્તિભાવપૂર્વક અભિનવ શ્રદ્ધાથી સંપન્ન બનીને અમે એ સુંદર સ્થળની વિદાય લીધી.
- શ્રી યોગેશ્વરજી