આશ્ચર્યકારક મજૂર
‘કાલી કમલીવાળાની તો. દી. ધર્મશાળા બીજી બધી રીતે સારી અને સાનુકૂળ છે પરંતુ ત્યાં મજૂરની મુશ્કેલી છે. ધર્મશાળા એક તરફ હોવાથી સામાનને લેનારા ને મેડા ઉપર ચઢાવનારા મજૂરો સહેલાઈથી નથી મળતા. કેટલીક વાર તો લાંબા વખત સુધી રાહ જોવી પડે છે.’ ઋષિકેશ આવી પહોંચ્યું એટલે મેં માતાજીને જણાવ્યું.
માતાજીએ મારા શબ્દોનું સમર્થન કર્યું. મેં કહ્યું : ‘તો પણ રહીશું તો આ વખતે પણ એ જ ધર્મશાળામાં. ઈશ્વર કૃપા કરીને કોઈને કોઈ મજૂરને મોકલી દેશે. આપણું કામ નહીં અટકે.’
અમારી ટેક્ષી ધર્મશાળાના દરવાજા આગળ આવીને ઊભી રહી અને અમે સામાનને નીચે ઉતારવા માંડ્યા કે તરત જ કોઈક સારા દેખાતા અપરિચિત પુરુષે અમારી પાસે આવીને પૂછ્યું : ‘સામાન ઉપાડવાનો છે ?’
‘હા, ઉપાડવાનો છે.’
‘ક્યાં લઈ જવાનો છે ?’
‘આ જ ધર્મશાળામાં ઉપર. સામાન તમે ઉપાડશો ?’
‘હા. હું ઉપાડીશ.’
એ પુરુષનો પ્રત્યુત્તર અમને કાંઈક આશ્ચર્યકારક એટલા માટે લાગ્યો કે એમનો દેખાવ સદગૃહસ્થને છાજે તેવો હતો. એમનું શરીર ગૌર અને મુખમંડળ મધુર હતું. એમણે સ્વચ્છ વસ્ત્રો પહેરેલાં. એવો સુઘડ સ્વચ્છ મજૂર-જો એ મજૂર હોય તો-અમે કદી જોયેલો નહીં.
પરંતુ ... અમારા આશ્ચર્યની પરવા કર્યા વિના એ પુરુષે અમારો સામાન ઉપાડવા માંડ્યો.
સામાન ઉપના ઓરડામાં પહોંચી ગયો એટલે મેં એમને મજૂરી પેટે એક રૂપિયો આપવા માંડ્યો. એમણે એ લેવાની ના પાડીને કહ્યું : ‘મારાથી એ રકમ ના લેવાય.’
‘કેમ ?’
‘મારી મહેનતના પ્રમાણમાં એ રકમ ઘણી વધારે છે.’
મને એ શબ્દો સાંભળીને નવાઈ લાગી. આવી રીતે સામેથી વગર માગ્યે મળતા પૈસા લેવાની ના પાડનાર વ્યક્તિ કાંઈ સામાન્ય તો ના જ હોય.
મેં કહ્યું : ‘હું રાજીખુશીથી આપું છું.’
‘તો પણ મારાથી ના લેવાય. હું અપરાધી થઉં. મને દોષ લાગે.’
મેં કેટલોય આગ્રહ કરી જોયો તો પણ એમણે ના માન્યું અને આખરે કહ્યું : ‘મારી મજૂરી બે આનાથી વધારે નથી. મને સેવા કર્યાનો સંતોષ છે. છતાં પણ તમારી ઈચ્છા હોય તો એટલી રકમ આપી શકો છો.’
‘તમે અહીં જ રહો છો ?’
‘ના. રાજસ્થાનનો નિવાસી છું.’
‘તો પછી અહીં કેવી રીતે આવ્યા ?’
‘યાત્રાએ નીકળ્યો છું. હાલ ગઈકાલે જ બદરીનાથથી આવ્યો છું.’
‘બદરીનાથથી ? અને ગઈકાલે જ આવ્યા છો ?’
‘હા.’
‘તો તો તમે મજૂર નથી. યાત્રી છો.’
‘યાત્રી છું એ સાચું પરંતુ કામ કરી શકું છું. તમને જોઈને મને તમારી સેવા કરવાનું મન થયું એટલે મેં મારી ભાવનાને પૂરી કરી. મારું જ્યારે પણ કામ પડે ત્યારે મને બોલાવજો. તમારી સેવામાં હાજર થઈશ. તમારા જેવા સત્પુરુષની સેવાનું સદભાગ્ય ક્યાંથી ?’
‘પરંતુ તમે અહીં થોડા જ રહેવાના છો ?’
‘રહું પણ ખરો અને જઉં પણ.’
એમની વિદાય પછી અમે એમને ઋષિકેશમાં જોયા જ નહીં. એમની સુખદ સ્મૃતિ શેષ રહી. એ સ્મૃતિ પ્રેરક હતી. મજૂર બનીને એમના રૂપમાં એક સહૃદયી સહાનુભૂતિસંપન્ન સજ્જન આવ્યા. સિદ્ધપુરુષ પધાર્યા કે પરમકૃપાળુ પ્રેમસિંધુ પરમાત્મા પોતે પ્રકટ થયા, તે કોણ કહી શકે ? એ અનુમાનનો વિષય છે. કોઈપણ પ્રકારના પૂર્વ પરિચય વિના એ પુરુષે પ્રદર્શાવેલા પ્રેમને યાદ કરીને ભક્તકવિ સુરદાસની પેલી પંક્તિઓનું સ્મરણ થાય છે :
‘રાજસૂ યજ્ઞ યુધિષ્ઠિર કીનો તામેં જૂઠ ઊઠાઈ;
પ્રેમ કે બસ નૃપસેવા કીનહી, આપ બને હરિ નાઈ … સબસે ઊંચી પ્રેમ સગાઈ.’
જે હરિ નાઈ બની શકે તે મજૂરનો સ્વાંગ ધારે કે કોઈને મજૂરનું કાર્ય કરવા પ્રેરિત કરે તો એમાં શું આશ્ચર્ય છે ? એમાં અશક્ય જેવું અથવા ના માનવા જેવું પણ શું છે ?
ઈ. સ. ૧૯૭૧ની ૩૦મી ઓક્ટોબરનો એ પાવન પ્રસંગ આજે પણ તાજો છે. કાયમને કાજે તાજો રહેવા સરજાયેલો છે.
- શ્રી યોગેશ્વરજી