સ્વામી પ્રેમરૂપાનંદ

વેદાંતકેસરી સ્વામી વિવેકાનંદે પરદેશથી પાછા ફરીને ભારતમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી ત્યારે એમનો સંકલ્પ સમાજના ચરણે સાધનાસંપન્ન શુદ્ધ સેવાભાવ ભરપુર સંતપુરુષોનો ઉપહાર ધરવાનો અને એવી રીતે માનવસમાજને સામાજિક, નૈતિક, આધ્યાત્મિક રીતે મદદરૂપ બનવાનો હતો. એમનો એ સદભાવનાસંપન્ન સંકલ્પ કેટલા પ્રમાણમાં સંતોષાયો છે એ તો એમણે સ્થાપેલા રામકૃષ્ણ મિશનના આજ સુધીના કલ્યાણકાર્યને વિચારવાથી સહેજે સમજી શકાય છે. આજે પણ એની અંદર કેટલાક વિશિષ્ટ સંતપુરુષો જોવા મળે છે ત્યારે અંતર આનંદ અનુભવે છે.

એવા એક સંતપુરુષની ઓળખાણ આપું તો એ અસ્થાને નહિ કહેવાય. એમનું નામ સ્વામી પ્રેમરૂપાનંદ.

સુરતની યોગદા સંસ્થાએ એક વાર મારું પ્રવચન ગોઠવેલું. એ પ્રવચનના પ્રારંભ માટે મારે પ્રવચન સ્થળે જવાનું થયું ત્યારે એક કાષાય વસ્ત્રધારી સંતપુરુષને મેં પ્રવચન ખંડની બહાર ઊભેલા જોયા. સંસ્થાના મંત્રીએ એમનો પરિચય કરાવતાં કહ્યું કે સ્વામીજી મૂળ બંગાળના અને રામકૃષ્ણ મિશનના છે તથા પૂરપીડિત પ્રજાને મદદરૂપ થવા માટે આ બાજુ આવી પહોંચ્યા છે. છેલ્લા કેટલાય વખતથી એ એમના બીજી સાથીદારો સાથે ઘરબાર વગરના ગ્રામજનોને માટે ઘર બંધાવવાના કાર્યમાં રસ લે છે. એમને લીધે ઘર વગરના અસંખ્ય લોકો ઘરમાં રહેતા અને કામ કરતા થયા છે. એમનું સેવાકાર્ય અનેકને માટે આશીર્વાદરૂપ બન્યું છે. શહેરમાં આજ એ કોઈક કામ પ્રસંગે પધારેલા. એમને પ્રવચનની માહિતી મળી એટલે રોકાઈ ગયા છે.

સ્વામીજીની નમ્રતા, સરળતા અને ગુણગ્રાહકતાને જોઈને મને આનંદ થયો. મેં એમને અંદર આવવા અને મારી બાજુમાં બેસવાની સુચના કરી.

‘તમે તો ખૂબ જ સુંદર સેવાકાર્ય કરી રહ્યા છો.’ મેં જણાવ્યું.

‘ઠાકુરની ઈચ્છા તથા પ્રેરણા પ્રમાણે બધું થઈ રહ્યું છે. એ જ બધું કરાવી રહ્યા છે. અમે તો નિમિત્ત છીએ.’

એમની વાણીમાં નમ્રતા ને નિષ્ઠા હતી.

મેં કહ્યું : ‘તમારી ભાવના ઘણી સારી છે. એ જ પ્રેરક છે, પરંતુ જેને એ પ્રેરે છે ને નિમિત્ત બનાવે છે એ પણ ધન્ય છે.’

પ્રવચનનો ને બીજો કાર્યક્રમ પૂરો થયા પછી એમણે પોતાની પ્રસન્નતાને પ્રકટ કરતાં ઉદગાર કાઢ્યા : ‘તમારી વાણી સાંભળીને મને ખૂબ જ આનંદ થયો.’

‘તમે ગુજરાતી સમજી શક્યા ?’

‘સંપૂર્ણપણે તો ના સમજી શક્યો પરંતુ ઘણી ખરી વાતો સમજી શક્યો. એ ઉપરાંત વાતાવરણને અનુભવી શક્યો. વાતાવરણ મને ખૂબ જ શાંતિકારક, આનંદદાયક અને અસરકારક લાગ્યું.’

*

એ પ્રસંગ પછી લગભગ બે વરસ પછી મારે કાનપુર જવાનું થયું. કાનપુરના કાર્યક્રમ દરમ્યાન એક દિવસ મેં ત્યાંની રામકૃષ્ણ મિશનની સુપ્રસિદ્ધ સંસ્થાની મુલાકાત લીધી. રામકૃષ્ણ મિશનની સેવા સંસ્થાઓ પ્રત્યે પ્રેમભાવ હોવાથી એમની મુલાકાત લેવાના શુભાવસરને વધાવવામાં મને આનંદ આવે છે.

રામકૃષ્ણ મિશનની સંસ્થાનો વિસ્તાર ઘણો મોટો હતો. એમાં એક તરફ સામે જ રામકૃષ્ણદેવનું મંદિર હતું. અમે એમાં પ્રવેશ કર્યો. રામકૃષ્ણદેવની મૂર્તિ મધુમય, મંગલ અને આકર્ષક લાગી. એના દર્શન લાભથી સંતુષ્ટ બનીને અમે મંદિરની બહાર નીકળવા માંડ્યા ત્યારે મંદિરના પ્રમુખ પ્રવેશદ્વાર પાસે એક સંન્યાસી મહારાજને ઊભેલા જોયા. એ અમને અનિમેષ નેત્રે નિહાળી રહેલા. મારી પાસે પહોંચીને એમણે પ્રેમપૂર્વક પૂછ્યું : ‘મને ઓળખો છો ?’

એમની મુખાકૃતિ મને પરિચિત લાગી. એમને ક્યાંક જોયેલા, કિન્તુ ક્યાં જોયેલા એ નક્કી ના કરી શકાયું. મેં પૂર્વસ્મૃતિનાં પડળોને હઠાવવાનો પ્રયત્ન કરવા માંડ્યો. એ જ વખતે એમણે ભાવપૂર્ણ ભાષામાં જણાવ્યું : ‘આપણે સુરતમાં મળેલા તે ખબર છે ? બે વરસ પહેલાં ત્યાં તમારું પ્રવચન હતું ત્યારે હું આવેલો.’

‘યોગદા કેન્દ્રમાં ?’

‘હા.’

એ પૂર્વ પ્રસંગનું મને સ્મરણ થયું. એમની વાત બરાબર હતી. મને એમની સ્મરણશક્તિને માટે માન પેદા થયું.

‘તમે તો ત્યાં પૂરપીડિત પ્રજાના રાહતકાર્ય માટે આવેલા.’

‘હા. એ કાર્ય ઠાકુરની કૃપાથી સુચારુરૂપે નિર્વિઘ્ને પૂરું થયું એટલે ત્યાં રહેવાની આવશ્યકતા ના રહી. મને બે વરસથી અહીં મૂકવામાં આવ્યો છે. અમને જ્યાં મૂકવામાં આવે છે ત્યાં અમારે ઠાકુરની ઈચ્છા સમજીને જવું અથવા રહેવું પડે છે. બધે એમનું જ કાર્ય કરવાનું હોય છે. મને ઓળખી શક્યા ?’

‘ઓળખી શક્યો. સારી રીતે ઓળખી શક્યો. આટલા વખત પછી તમને મળીને મને ખૂબ જ આનંદ થાય છે.’

‘મને પણ આનંદ થાય છે.’

એ મને અંદર, એમના ઓફીસ ખંડમાં લઈ ગયા ને બોલ્યા : ‘મારું નામ પ્રેમરૂપાનંદ.’

‘તમે પ્રેમરૂપ જ છો.’ મેં કહ્યું.

‘તમારા સરખા સંતોની ને ઠાકુરની કૃપા છે. એ કૃપાથી પ્રેમરૂપ બની શકીશ. પ્રયત્ન કરું છું.’

જીવનને ઉજ્જવળ કરવું, પ્રકૃતિને પલટાવવી, એ કાંઈ જેવીતેવી વાત છે ?  માનવ સાચા દિલથી પ્રયત્નશીલ બને તો એ ભગીરથ કાર્યને પૂરું કરી શકે. સ્વામી પ્રેમરૂપાનંદ એ દિશામાં સતોષકારક રીતે આગળ વધેલા. એમણે મને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ બતાવી. હાઈસ્કૂલ, એક્ષ-રે કલીનીક, દવાખાનું, મહિલામંડળનું સ્થળ, પુસ્તકાલય એ બધાના અવલોકનથી મને આનંદ થયો.

‘તમે ઘણું સરસ સેવાકાર્ય કરી રહ્યા છો.’ મેં અભિપ્રાય આપ્યો.

‘ઠાકુરની કૃપા છે.’ એ ભારોભાર નમ્રતા અને નિખાલસતાપૂર્વક કહેવા લાગ્યા : ‘એમની કૃપા સિવાય કશું થઈ શકે છે ? કશું કરવાનો વિચાર પણ આવી શકે છે ? એ જે કરે છે કે કરાવે છે તે થયા કરે છે. બધી એમની જ લીલા છે.’

‘અહીંની હાઈસ્કૂલની કશી વિશેષતા છે ખરી ?’

‘હા. હાઈસ્કૂલમાં શરીર, મન તથા ચારિત્ર્યના ઘડતર અને વિકાસ તરફ વિશેષ લક્ષ આપવામાં આવે છે. આધ્યાત્મિકતાની અભિરુચિને જગાવવામાં ને પોષવામાં આવે છે. અમારી આકાંક્ષા રાષ્ટ્રને રાષ્ટ્રપ્રેમી સેવાભાવી શુદ્ધ સદાચારી શ્રેષ્ઠ યુવકોની ભેટ ધરવાની છે. આ હાઈસ્કૂલ આખા જીલ્લામાં અગ્રગણ્ય અને આદર્શ મનાય છે.’

*

બીજે દિવસે શારદામાતા મહિલા મંડળના આશ્રયે એમણે અતિશય આગ્રહપૂર્વક મારું પ્રવચન રાખ્યું. પ્રવચનની પરિસમાપ્તિ પછી આભારદર્શનની વિધિ વખતે એમણે જે કાંઈ કહ્યું તે એમના અંતરની ઉદારતા, ઉદાત્તતા અને અસાધારણતાને અનુરૂપ હતું : ‘યોગેશ્વરજી મહારાજની વાણી સાંભળતી વખતે ઠાકુરને સાંભળતા હોઈએ એવો અનુભવ થાય છે. એમની પાસે બેસતી વખતે ઠાકુરની પાસે જ બેઠા હોઈએ એવી શાંતિ, પ્રેરણા ને પ્રસન્નતા સાંપડે છે. આ વખતે તો આપણે મોડા પડ્યા છીએ. એમની માહિતી આપણને ઘણી મોડી મળી પરંતુ હવે પછી કાનપુર આવવાનું થાય ત્યારે એ આપણને અગાઉથી જણાવીને વધારે લાભ આપે એવું ઈચ્છીશું.’

મેં એમની વિદાય લીધી ત્યારે એમણે જણાવ્યું : ‘બીજે વરસે વધારે લાભ આપજો. એ વખતે વિશાળ પાયા પર કાર્યક્રમ ગોઠવીશું.’

એ પ્રસંગને લગભગ અઢી વરસ થઈ ગયાં તો પણ હજુ સુધી કાનપુર નથી જવાયું. ગયે વરસે શિયાળામાં પંડિત મુન્નાલાલ ભૂષણના આગ્રહ હોવા છતાં ના જઈ શકાયું. તો પણ રામકૃષ્ણ મિશનના રત્ન જેવા સાચા સાધુપુરુષ સ્વામી પ્રેમરૂપાનંદની સ્મૃતિ હજુ તાજી જ છે. એ ‘ઠાકુરપરાયણ’ મહાત્માપુરુષની સ્મૃતિ કદાપી નહિ સૂકાય. સાધુની મહત્તા શેમાં છે ?  એની નમ્રતા, નિખાલસતા, સાધુતા અને ઈશ્વરપરાયણતામાં. એનામાં અધિક જ્ઞાન, યોગ, શક્તિ કે ભક્તિ નહિ હોય તો ચાલશે પરંતુ શુચિતા, સરળતા, સાત્વિકતા, શાંતિ અને સેવામયતા તો જોઈશે જ. સાધુજીવનની સાચી સૌરભ એમાં જ સમાયેલી છે. એ દૃષ્ટિએ સ્વામી પ્રેમરૂપાનંદનું સ્થાન ખૂબ જ આગળ પડતું છે. એમને મારા પ્રેમપૂર્વક પ્રણામ છે !

 - શ્રી યોગેશ્વરજી

Today's Quote

Some of God's greatest gifts are unanswered prayers.
- G. Brooks

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.