સિદ્ધદર્શનનો સ્વાનુભવ
હિમાલયમાં પુરાણ પ્રસિદ્ધ ઉત્તરાખંડના મહત્વનાં ચાર ધામ મનાય છે : બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને જમનોત્રી. એ ચાર ધામમાં બદરીનાથનો મહિમા વધારે વખણાય છે. એ મહિમા શ્રવણથી મંત્રમુગ્ધ બની, આકર્ષાઈ, અથવા ગુણાનુરાગી થઈને અસંખ્ય પ્રવાસીઓ બદરીનાથની પુણ્યભૂમિના પ્રવાસે આવે છે. એમની અંદર આધ્યાત્મિક અભિરુચિવાળા આત્માઓ પણ હોય છે. એ આધ્યાત્મિક ભાવનાથી અનુપ્રાણિત બનીને બદરીનાથની યાત્રા કરે છે. એમને બદરીનાથના પુણ્યપ્રદેશનું પ્રાકૃતિક સૌંદર્ય એટલું બધું નથી આકર્ષતું. એના એકાંત વિશુદ્ધ વાયુમંડળનો અને એની શાંતિનો પ્રભાવ પણ એમની ઉપર એટલો બધો નથી પડતો. એમનો અંતરાત્મા તો ત્યાંના લોકોત્તર વિશદ વાતાવરણનો લાભ ઉઠાવીને આધ્યાત્મિક અનુભવોથી અલંકૃત થવાની અને એવા અનુભવસંપન્ન મહાપુરુષોના દર્શનલાભ મેળવવાની ઈચ્છા રાખે છે. એમની ઈચ્છા કદી કદી પૂરી થાય છે. બદરીનાથના પુણ્યપ્રદેશમાં આજે પણ અસાધારણ શક્તિસંપન્ન પ્રાતઃસ્મરણીય મહાત્માપુરુષો વાસ કરે છે, પરંતુ એમના દૈવી દર્શનનો લાભ સૌ કોઈને નથી મળતો. કોઈક સાધનાસંપન્ન સંસ્કારી આત્માઓને એ પોતે જ કૃપા કરીને કોઈ ધન્ય સમયે દર્શન આપે છે. ત્યારે જ એમના અલૌકિક અસ્તિત્વની પ્રતીતિ થાય છે.
એવી અનુભવાત્મક પ્રતીતિવાળા એક સંતપુરુષનો મેળાપ મને થોડાક વખત પહેલાં જ થઈ ગયો. એ સંતપુરુષ ભારતના ભિન્ન ભિન્ન ભાગોમાં વિચરણ કરતા. એ મને મુંબઈમાં મળેલા. એમણે વર્ણવેલો એમનો સ્વાનુભવ એમના પોતાના શબ્દોમાં જ કહી બતાવું :
બદરીનાથની યાત્રા દરમ્યાન કોઈ મહાપ્રતાપી મહાપુરુષના મેળાપનો મનોરથ મારા મનમાં પેદા થયેલો. બદરીનાથમાં અલકનંદા નદીની પેલી તરફ આવેલી બાબા કાલી કમલીવાલાની કુટિરોમાંની એક કુટિરમાં મેં રહેવા માંડ્યું. એ કુટિર પ્રમાણમાં નાની છતાં પણ સ્વચ્છ અને સુંદર હતી. એની આગળપાછળ ઊંચાઊંચા હિમાચ્છાદિત નરનારાયણ પર્વતો હતા. મને થતું કે એ પર્વતોમાં કેટલાય સિદ્ધિપ્રાપ્ત સ્વનામધન્ય સત્પુરુષો સાધનામગ્ન દશામાં વસતા હશે. એમનો કદીકાળ અભાવ નહિ હોય, પરંતુ એમનું દર્શન કોઈક વિરલ પુરુષને જ થતું હશે. મને એમનામાંથી કોઈ સત્પુરુષના દર્શનનો લાભ મળે તો કેટલું સારું ? મારા પર એમનો અનુગ્રહ થાય તો કેટલો બધો આનંદ આવે ? મારી બદરીનાથ યાત્રા સાર્થક થાય અને જીવન ધન્ય બને.
બદરીનાથમાં તપ્તકુંડ, મંદિર, ચરણપાદુકા, વ્યાસાશ્રમ જેવાં સુંદર સુપ્રસિદ્ધ સ્થળોમાં ફરતી વખતે કોઈ અસાધારણ મહાત્માપુરુષનો મેળાપ થાય તેને માટે હું પ્રયાસ કરતો. ત્યાંના પંડાઓને પૂછતો પણ ખરો. પરંતુ જોઈએ તેવો સંતોષ નહોતો મળતો. બદરીનાથમાં મહાત્માઓ તો અનેક હતા કિન્તુ કોઈ વિશિષ્ટ વિભૂતિનું દર્શન નહોતું થતું. મંદિરમાં જઈને એવા દર્શન માટે હું રોજ પ્રાર્થના કરતો. કોઈકોઈવાર એમ પણ થતું કે આ ઘોર કિલ્મિષથી ભરેલા કલિકાળમાં કદાચ એવા લોકોત્તર મહાત્માપુરુષો નહિ હોય અથવા હશે તો અદૃષ્ટ રીતે રહેતા હશે. કોઈને દર્શન આપતા નહિ હોય. પરંતુ મન એવું માનવા કે એટલું બધું નિરાશ બનવા તૈયાર નહોતું થતું. અંતઃકરણ ઉંડેઉંડે પ્રાર્થના કરતું કે મારો સિદ્ધદર્શનનો મનોરથ પૂરો થાય તો સારું. મારી યાત્રા સફળ થાય ને શ્રદ્ધા બળવાન બને.
બદરીનાથમાં એક વિચિત્ર દેખાતી પગલી જેવી સ્ત્રીને જોઈ. એ જ્યાં ત્યાં ફર્યા કરતી. એને પોતાના વસ્ત્રોનું ભાન નહોતું રહેતું. કોઈકોઈવાર એ શ્યામ વર્ણની, પ્રૌઢાવસ્થાએ પહોંચેલી, બેડોળ જેવી દેખાતી સ્ત્રી તપ્તકુંડ પર સુઈ રહેતી. કોઈક યાત્રી એને ખાવાનું આપતા તો એ ગ્રહણ કરતી. બાકી એ શું ખાતી, ક્યાંથી આવેલી, શું કરતી, તેની કોઈને કશી માહિતી ન હતી. મને થયું કે મોંઘા મનુષ્યશરીરને મેળવીને આ પગલી સ્ત્રીએ એને બરબાદ કર્યું છે. એનું જીવન કોઈપણ પ્રકારના વિશેષ પ્રયોજન વિના જ વ્યર્થ વહી રહ્યું છે. આવી ભ્રમિત દશામાં ભમતી પગલી સ્ત્રીઓ સંસારમાં કેટલી હશે ? મને એની દયા આવતી. વિખરાયેલા મેલા વાળવાળી એ પગલી સ્ત્રી મને મળતી ત્યારે કોઈવાર બબડતી પરંતુ હું એને સ્વાભાવિક રીતે જ કશું મહત્વ ના આપતો અને એના પ્રત્યે આછોપાતળો દૃષ્ટિપાત કરીને કાંઈક અવજ્ઞાભાવે આગળ વધતો.
બદરીનાથના પવિત્ર પુણ્યપ્રદેશમાં રહેતાં ને શક્તિ પ્રમાણે સાધના કરતાં એકાદ માસ વીતી ગયો. મારે નીકળવાનો દિવસ પાસે આવ્યો. મારા મનોરથની પૂર્તિ ના થવાથી મન સહેજ ઉદાસ બનવા લાગ્યું. એ અવસ્થામાં એક દિવસ મારા નિયમ પ્રમાણે વહેલી સવારે સહેજ અંધારામાં હું તપ્તકુંડ પર સ્નાન કરવા માટે ગયો. માર્ગમાં પાતાળગંગા અને અલંકનંદાના સંગમસ્થળ આગળ આવ્યો ત્યારે હજુ આજુબાજુ સર્વત્ર અંધકાર છવાયેલો. અચાનક મારી આગળ પ્રકાશ પથરાયો. પ્રકાશના એ વર્તુળમાં મેં જોયું તો કોઈ મહાપ્રતાપી, પરમ પ્રકાશમય શરીરવાળા, કેવળ કૌપીનધારી દિવ્ય મહાત્માપુરુષ મારી સામે વિરાજેલા. એમણે પદ્માસન વાળેલું. એમની આંખ બંધ હતી. એ ઉંડી સમાધિમાં લીન બનેલા. એમના મુખમંડળ પર અસીમ શાંતિ પથરાયેલી. એમનું શરીર પૃથ્વીથી ઉપર ઉર્ધ્વ અવકાશમાં સ્થિત હતું. એમના દર્શનથી મને આનંદ થયો. આશ્ચર્ય પણ થયું. એમની સામે ઉભા રહીને મેં એમને પૂજ્યભાવે પ્રણામ કર્યાં. મને થયું કે ભગવાન બદરીવિશાલની કૃપાથી સિદ્ધદર્શનની મારી અભિલાષા આજે પૂરી થઈ. મારી આંખમાં આનંદાશ્રુ આવ્યાં. એ જ વખતે એ મહાત્માપુરુષની અલૌકિક આકૃતિ આજુબાજુના વાયુમંડળમાં વિલીન બની ગઈ. એને ઠેકાણે અંધકારના ઓળા પથરાયા.
મારા અંતરમાં કેટલો બધો અસાધારણ અવર્ણનીય આનંદ છવાયો હશે તેની કલ્પના તમે સહેલાઈથી કરી શકશો. મને જે જોઈતું’તું તે મળી ગયું. સિદ્ધ મહાપુરુષની સાથે કોઈ પ્રકારની વાતચીત કરવાનું સૌભાગ્ય નહોતું સાંપડ્યું તો પણ એમનું દર્શન થયેલું એ ભાગ્ય પણ કાંઈ જેવુંતેવું નહોતું. એ દર્શન કલ્યાણકારક અને શાંતિપ્રદાયક હતું.
દર્શનના આનંદને અનુભવતો હું તપ્તકુંડ તરફ ચાલી નીકળ્યો. ભુખ્યાને ભોજન ને તરસ્યાને પાણી મળતાં જે સંતોષ સાંપડે તેથી પણ વિશેષ સંતોષ મને સાંપડી ચુકેલો. ઈશ્વરનું નામસ્મરણ કરતાં કરતાં છેક તપ્તકુંડ પર આવી પહોંચ્યો ત્યારે ત્યાં પેલી પગલી સ્ત્રીને આંટા મારતી જોઈ. મને જોઈને એ કોઈવાર કશું નહોતી બોલતી પરંતુ એ દિવસે એને કોણ જાણે શું થયું કે એ મને જોતાંવેંત જ ભાવવિભોર બનીને અતિશય ઉલ્લાસપૂર્વક બોલી ઉઠી : ‘સિદ્ધોનું દર્શન ! કરવું’તું ને સિદ્ધોનું દર્શન ? થઈ ગયું સિદ્ધનું દર્શન. સિદ્ધોનું દર્શન !’
એના શબ્દોને સાંભળીને મને ખૂબ જ નવાઈ લાગી. મને થયું કે મને થયેલા સિદ્ધદર્શનની વાત આ પગલી સ્ત્રીએ કેવી રીતે જાણી ? પરંતુ મારી નવાઈની પરવા કર્યા વિના ‘સિદ્ધોનું દર્શન, સિદ્ધોનું દર્શન’ બોલતી એ સ્ત્રી બદરીનાથના મંદિર તરફ આગળ વધી.
તપ્તકુંડના ઉકળતા પાણીમાં સ્નાન કરવા માટે કેટલાક બીજા ભક્તો પણ આવી પહોંચ્યા. સ્નાનાદિથી પરવારીને તપ્તકુંડ પર બેસીને એ આખીય ઘટનાને હું યાદ કરવા લાગ્યો. સ્મૃતિનો પણ એક આગવો અનોખો આનંદ હોય છે. થોડીવારમાં બધે અજવાળું થયું. મને લાગ્યું કે પેલી પગલી સ્ત્રી ખરેખર પગલી નથી. એ પગલી હોવાનો અભિનય કરે છે. એ કોઈ સિદ્ધાવસ્થાએ પહોંચેલી સાધ્વી છે, કૃતકામ યોગિની છે.
એના દર્શન માટે મેં કોશિશ કરી જોઈ કિન્તુ એ કોશિશ નિષ્ફળ ગઈ. કોણ જાણે એ સ્ત્રી ક્યાં ગઈ. એનો લાભ મારાથી લઈ શકાયો નહીં એટલો વસવસો રહી ગયો.
એ દિવસે બપોરે બદરીનાથની પુણ્યભૂમિની મેં વિદાય લીધી ત્યારે મારું અંતર આર્દ્ર બની ગયું. મને અનુભવવા મળેલું કે એ ભૂમિ સિદ્ધવિહોણી નથી. એવો સિદ્ધદર્શનનો અનુભવ આજે પણ અને કોઈ પણ કરી શકે છે.
- શ્રી યોગેશ્વરજી