પ્રતીતિ
હિમાલયનો પર્વતીય પ્રદેશ અને ચોમાસાના ચિત્રવિચિત્ર રૂપરંગવાળા દિવસો. ક્યારે વરસાદ વરસે ને ક્યારે ના વરસે એ વિશે કશું ચોક્કસપણે કહી જ ના શકાય. થોડાક વખત પહેલાં આકાશ એકદમ ઉઘાડું હોય, સરસ મજાનો તડકો હોય, ક્યાંય વાદળ ના હોય, અને વાદળની સેના એકાએક વાતાવરણને વીંટળાઈ વળે, ઉપરાઉપરી ગૌરવ ગર્જના કરે, ચપલાઓ લાસ્યનૃત્ય કરતી ચમકવા માંડે, ઝરમર ઝરમર વરસાદ વરસે, અને મૂશળધાર વરસે, તો કોઈવાર પવન એનો પ્રતિકાર કરતાં તોફાને ચઢે ને વાદળાં વીખરાઈ જતાં વરસાદ બંધ પણ પડે. કોઈવાર ચારે તરફ ધુમ્મસ છવાયું હોય અને એવું લાગે કે કેટલોય વરસાદ વરસી પડશે તો પણ કલાકો સુધી એવું વિપરીત વાતાવરણ રહેવા છતાં પણ વરસાદનું બિંદુ પણ ના વરસે, ને કોઈવાર કોઈ પ્રકારની પૂર્વસૂચના સિવાય જ અનુકૂળ વાયુમંડળની વચ્ચે તાપ હોય તો પણ વરસવા લાગે. એવી રીતે ક્યારે શું થશે તે વિશે સુનિશ્ચિત રીતે કશું કલ્પી શકાય જ નહિ. માનવના ચંચળ મનની પેઠે એ પણ પળેપળે પરિવર્તન પામ્યા કરે.
તાજેતરમાં જ અમને એનો એક વિશેષ અનુભવ થયો. દિવસનો મોટો ભાગ વાદળ તથા વરસાદ વગરનો ને ઘણો સારો ગયો એટલે સાંજે ચાર વાગ્યા પછી અમે છત્રી વિના જ બહાર ફરવા નીકળ્યા. મસૂરીમાં કેમલ બેક રોડ ખૂબ જ શાંત અને એકાંત માર્ગ મનાતો હોવાથી વરસાદ નહિ પડે ને પડશે તો જોઈ લેવાશે એવું માનીને અમે એ માર્ગને પસંદ કર્યો. એ માર્ગ કાચો, લાંબો અને એક સિવાય અન્ય આશ્રયસ્થાન સિવાયનો હોવાથી વરસાદ વખતે ફરવા માટે અનુકૂળ નથી કહેવાતો.
ઉત્તુંગ પર્વત શિખરોનું અવલોકન કરતાં મંદગતિએ આગળ વધતાં અમે અડધા જેટલો માર્ગ કાપી નાખ્યો ત્યાં જ વાયુમંડળ બદલાવા લાગ્યું અને એકાએક વરસાદ શરૂ થયો. થોડેક છેટે છત્રીનું વિશાળ એકમાત્ર આશ્રયસ્થાન હતું ત્યાં અમે ઉતાવળે પગલે પહોંચી ગયા. એ આશ્રયસ્થાનમાં બીજા નવેક માણસો ઉભાં રહેલા. વરસાદના વાદળાં અમારા આશ્રયસ્થાનના પ્રવેશની પ્રતીક્ષા કરતાં હોય તેમ, એ પછી તરત જ જોરશોરથી તૂટી પડ્યાં. આજુબાજુ બધે જ અંધકાર છવાઈ ગયો. ગગનનો ગેબી ગડગડાટ શરૂ થયો, ચપલાઓ ચમકવા લાગી, સમીરના સુતીક્ષ્ણ સુસવાટા શરૂ થયા, ને વાંકોચૂકો મૂશળધાર વરસાદ પડ્યો. ઈશ્વરની એટલી કૃપા કે અમે વરસાદના એ તાંડવ પહેલાં કંઈક અંશે સુરક્ષિત કહેવાય એવા આશ્રયસ્થાનમાં પહોંચી ગયા. એ આશ્રયસ્થાન સંપૂર્ણપણે સલામત તો નહોતું જ, કારણ કે એમાં ઉપરના લાકડાના છાપરાંમાંથી વરસાદનો વેગ વધતા ઠેકઠેકાણે પાણી ટપકતું અને આજુબાજુની ખુલ્લી જગ્યામાંથી પવન સાથે છંટકાવ થતો. તો પણ એની બીજી બધી જ ક્ષતિઓ સાથે એ પ્રવાસીઓને માટે અનોખા આશીર્વાદરૂપ હતું. એની પાસે પહોંચેલા કેટલાક પ્રવાસીઓ પવન અને વરસાદના તોફાનમાં થથરતા હતા. વાતાવરણ એકાએક અને અતિશય ઠંડું બની ગયેલું.
એ આશ્રયસ્થાનમાં અમારા પ્રવેશ વખતે પોણા પાંચ વાગી ચૂકેલા. છ વાગે ગાંધી નિવાસ સોસાયટીમાં રોજની પેઠે મારે પ્રવચન કરવા જવાનું હતું. વરસાદ ના હોત તો એટલા વખતમાં ત્યાં પહોંચવાનું જરાપણ મુશ્કેલ ન હતું. પરંતુ વરસાદ વધતો જ ગયો. એના રોકાવાનો કોઈ સંભવ ના દેખાયો. ઘડિયાળમાં સાડા પાંચ વાગવાની તૈયારી થઈ. અમારી બાજુમાં ઊભેલી ઠંડીથી ધ્રૂજતી એક પંજાબી સ્ત્રી બોલી ‘વરસાદ કોણ જાણે ક્યારે રોકાશે !’
‘હમણાં રોકાય એવું નથી લાગતું.’ બીજી સ્ત્રી બોલી.
‘રોકાય તો સારું. કોઈ સંત મંત્રપ્રયોગ કરે તો રોકાઈ જાય.’
‘પરંતુ એ મંત્રપ્રયોગ કરે શા માટે ? આપણને વરસાદ નથી ગમતો પણ ખેડૂતો ને પશુઓને કામનો પણ હોય.’
‘થોડીક વાર રોકાઈ જાય તો ઠેકાણે પહોંચી જઈએ. આ તો રસ્તામાં જ ભરાઈ પડ્યા છીએ.’
છત્રીના આશ્રયસ્થાને ઉભેલા પ્રત્યેકનો એવો મનોભાવ હતો એવું કહીએ તો ચાલે. પરંતુ વરસાદ અટકે કેવી રીતે ? એ તો વધતો જ જતો’તો.
માતાજીએ જણાવ્યું : ‘વરસાદ રોકાય અને આગળ રીક્ષાસ્ટેન્ડ સુધી પહોંચી જઈએ તો ત્યાંથી રીક્ષામાં બેસી શકીએ.’
પરંતુ વરસાદ રોકાય તો ને ?
એવે વખતે બીજું થઈ શકે પણ શું ? પ્રાર્થના. મેં પ્રાર્થનાનો આધાર લીધો. સઘળાં સાધનો સારરહિત બન્યા હોય ત્યારે પ્રાર્થનાનું સાધન સારરૂપ અને અમોઘ ઠરે છે. બીજાં બધાં જ બારણાં બંધ બન્યા હોય ત્યારે પ્રાર્થનાનું પ્રવેશદ્વાર અકસીર ઠરે છે, ખુલ્લું બને છે ને બીજા બંધ બારણાને ખુલ્લાં કરે છે. મનમાં એવો ઊંડો વિશ્વાસ હોવાથી મેં મનોમન પ્રાર્થનાનો આધાર લીધો. એના પરિણામે કે બીજા ગમે તે કારણે પેલી મંડળીના એક પુરુષને રીક્ષાસ્ટેન્ડે પહોંચીને મંડળી માટે રીક્ષા લાવવાનું મન થયું. સાથીઓએ સાહસ કરવાની ના પાડી તો પણ એ વરસતા વરસાદમાં છત્રી વિના ભીંજાતા ભીંજાતા ચાલી નીકળ્યા.
એ પછી તો વરસાદ વધારે તોફાને ચઢ્યો. અંધકારના ઓળા કેમે કરીને ઓછા ના થયા. માતાજીએ કહ્યું : ‘આપણે પેલા ભાઈને કહ્યું હોત તો આપણે માટે બીજી રીક્ષા મોકલત. એનો ખ્યાલ જ ના રહ્યો.’
સાચું હતું. પરંતુ હવે શું થાય ? પ્રાર્થના સિવાય બીજો ઉપાય જ ના રહ્યો. એમને જેનો ખ્યાલ ના રહ્યો એનો ખ્યાલ ઈશ્વરને તો હતો જ. કાં તો વરસાદ રોકાઈ જાય કે બીજો કોઈ ચમત્કાર બને તો જ છ વાગ્યાના પ્રવચનમાં પહોંચી શકાય. ઈશ્વરની ઈચ્છા ત્યાં પહોંચાડવાની ને શ્રોતાઓને લાભ પહોંચાડવાની હશે તો કોઈક રસ્તો કરશે જ. ત્યાં સુધી એવી રીતે પ્રતીક્ષા કર્યા સિવાય છૂટકો નથી.
પેલા ભાઈની રીક્ષા પોણા છ વાગ્યે આવી પહોંચી. પરંતુ અમારા આશ્ચર્ય અને આનંદ વચ્ચે પાંચેક મિનિટમાં બીજી રીક્ષા આવી પહોંચી. એ રીક્ષા કોને માટે, કોના કહેવાથી, કેવી રીતે આવી ? રીક્ષાવાળા ત્રણે માણસોએ સ્પષ્ટીકરણ કર્યું કે અમે કોઈના કહેવાથી નથી આવ્યા. અમારી મેળે જ, કોઈને બેસવું હશે તો બેસાડીશું એવી ગણતરીથી આવ્યા છીએ.
‘તમને કોઈએ મોકલ્યા કે બોલાવ્યા નથી ?’
‘ના.’
એમને શી ખબર કે એમને ઈશ્વરે જ મોકલ્યા છે. પરમાત્માની પરમશક્તિથી પ્રેરાઈને જ એ અહીં આવી પહોંચ્યા છે.
અમે કહ્યું : ‘તો પછી ગાંધી નિવાસ સોસાયટી લઈ લો.’
એ તૈયાર થયા એટલે અમે રીક્ષામાં બેસી ગયાં.
માર્ગમાં વરસાદ હળવો પડ્યો. ગાંધી નિવાસ સોસાયટી પાસે પહોંચ્યા ત્યારે છ વાગવામાં બે મિનિટ બાકી હતી.
તોફાન હવે શમી ગયેલું, પરંતુ શમતાં પહેલાં એણે અમને પ્રાર્થનાનો અને પ્રાર્થનાના પરિણામનો એક અધિક અનોખો અવિસ્મરણીય અનુભવ કરવાનો અવસર આપ્યો. આજુબાજુ બધે જ અંધકારના અનંત ઓળાઓ ઉતર્યા હોય ત્યારે પ્રાર્થના પ્રકાશનાં પવિત્ર કૃપાકિરણ પ્રસરાવે છે, મરુભૂમિમાં વનસ્થલી બને છે, જીવનની જટિલ યાત્રામાં વિશ્રાંતિ ધરે છે. એ દિવસે એ ઘટના પ્રસંગ પરથી એની પુનઃપ્રતીતિ થઈ.
- શ્રી યોગેશ્વરજી