Text Size

બહાદુરસીંગ

મસૂરીનો સુંદર પર્વતપંક્તિઓથી સુશોભિત શાંત એકાંત કેમલ બેક રોડ. પ્રવાસીઓને એ માર્ગ ખૂબ જ આકર્ષે છે અને આનંદ આપે છે. દેવદાર, ચીડ અને અન્ય સુંદર ગુચ્છાદાર ઉત્તુંગ વૃક્ષોથી વીંટળાયેલો એ માર્ગ સાધકો તથા સહેલાણીઓ ઉભયને માટે ઉત્સાહવર્ધક તથા પ્રેરક છે. જે એની એક વાર મુલાકાત લે છે એ અવારનવાર લેવા પ્રેરાય છે. અમારા મસૂરી નિવાસના સુદીર્ઘ સમયપર્યંત સાંજે અમે એ માર્ગે અવારનવાર ફરવા જતાં. એથી અમને અનેરો આનંદાનુભવ થતો. જંગલના એ માર્ગે વરસાદના દિવસોમાં કોઈ કોઈ વાર સાપ પણ મળતા.

એક વાર એક સાપ અમારી આગળ થઈને પસાર થયો. માર્ગે મળેલા રીક્ષાવાળાઓને એની માહિતી મળતાં એમણે એને મારવાની તૈયારી કરી. મેં એમને સમજાવવાનો પ્રયાસ કરવા છતાં એ સહેજ પણ ના સમજ્યા અને બોલ્યા કે અમે એ ઝેરી જાનવરનો ભરોસો ના કરીએ. અમારાં છોકરાં પર્વતમાં ફરતાં હોય તો એ કરડે. મેં કહ્યું કે બધા સાપ ઝેરવાળા નથી હોતા. એ વનમાં ના વસે તો બીજે ક્યાં વસે ? પરંતુ મારી દલીલથી લેશ પણ પ્રભાવિત થયા સિવાય એમનામાંના એકે પથ્થરના એક જ પ્રહારથી પર્વતમાંથી પસાર થતા સાપના ટુકડા કરી નાંખ્યા. એને એથી અભૂતપૂર્વ આનંદ થયો.

બીજી વાર એ જ જગ્યાની પાસે અમે એક બીજો સાપ જોયો. એ અમારી આગળ ઉછળી આવીને રસ્તામાં એક તરફ પડી રહ્યો. એની ઈચ્છા અમારા રસ્તાને રોકવાની હોય એવું લાગ્યું. થોડી વાર પ્રતીક્ષા કરીને અમે આગળ વધવા માંડ્યું તો એ પણ મંદ ગતિએ આગળ વધ્યો અને પર્વતની નીચેના ઘોર જંગલમાં ઉતરી ગયો. એ અનુભવ એકદમ આકસ્મિક અને અદભુત હતો. જનસમાજના કેટલાક વર્ગમાં એવી માન્યતા પ્રવર્તે છે કે સાપ આડો ઉતરે તો અમંગલ થાય છે. પરંતુ એ આડો ઉતરે કે ના ઉતરે એ કોઈના હાથની વાત ક્યાં છે ? જે વખતે જે થવાનું હોય છે તે ઈચ્છા-અનિચ્છાએ, જાણ્યે-અજાણ્યે, થયા જ કરે છે.

કેમલ બેક રોડ પર એવા એવા અનેકવિધ અનુભવો થયા કરતા. એ અનુભવોમાં બહાદુરસીંગના મેળાપનો અનુભવ ખાસ ઉલ્લેખનીય છે. એની રજૂઆત રસપ્રદ તથા પ્રેરક થઈ પડશે.

બહાદુરસીંગનો આમ તો કોઈ પૂર્વ પરિચય નહોતો; એનો મેળાપ પેલા સાપની પેઠે આકસ્મિક રીતે જ થયેલો. એક દિવસ અમે એ રસ્તા પરથી પસાર થઈ રહેલાં ત્યારે એને રસ્તાની એક બાજુએ કુહાડીની મદદથી લાકડાં કાપતો જોયો. એનું શરીર પ્રસ્વેદથી લથપથ થયેલું. અમે એની આગળ કુતૂહલવશ ઊભાં રહ્યાં એટલે એણે કુહાડીને એક તરફ મૂકીને અમને પ્રણામ કર્યાં. અમને એની મુખાકૃતિ નિર્મળ, નિરાળી અને આકર્ષક લાગી. એની આંખ પણ ઓજસ્વી અને નિર્મળ હતી. મેં એને પૂછવા ખાતર જ સહજભાવે પૂછ્યું : ‘લાકડાં કાપવાનું કામ ચાલે છે ?’

એણે કહ્યું : ‘હા, બીજું શું કરું ? કોઈ ને કોઈ રીતે આજીવિકા તો ચલાવવી જોઈએ ને ! ભણતર તો એવું છે કે નહિ કે કોઈક સારી નોકરી કરી શકું.’

‘જન્મસ્થાન ક્યાં છે ?’

‘આલ્મોડાની પાસે.’

‘આલ્મોડાની પાસે ?’

‘હા. કૈલાસ માનસરોવરની યાત્રા કરી છે ? આલ્મોડાથી કૈલાસના યાત્રા માર્ગે આગળ વધીએ એટલે મારું જન્મસ્થાન પર્વતની અંદરના પ્રદેશમાં દસેક માઈલ દૂર છે. ગામ તદ્દન નાનું સરખું ને પછાત છે. પર્વતીય વિસ્તારમાં હોય છે એવું.’

‘બાર મહિના અહીં રહે છે ?’

‘ના. શિયાળામાં ઘર જઉં છું. અહીં દર વરસે એપ્રિલમાં આવી જઉં છું.’

‘લાકડા કાપવાનું ફાવે છે ?’

‘ફાવે છે. આ કામ નિર્દોષ અને સ્વતંત્ર છે. કોઈની લાચારી કે ગુલામી નથી કરવાની. હું મારા પગ પર ઊભો રહું છું ને પરસેવાનો પૈસો પેદા કરીને આજીવિકા ચલાવું છું એટલો મને સંતોષ છે.’

‘એ સંતોષ કાંઈ જેવો તેવો નથી.’ મારાથી બોલી જવાયું.

‘કોઈ વાર કોલસા તૈયાર કરીને એમાંથી પણ કમાણી કરું છું. જે પણ કામ સૂઝે છે તે કરું છું. કામ કરવામાં કશી નાનમ નથી. નાનમ ભીખ માંગવામાં છે. મારા પિતાજીની આજ્ઞા છે કે પરિશ્રમ કરીને પેટ ભરવું, ખોટે માર્ગે ના ચાલવું, અને ભીખ માગવી નહીં. એ આજ્ઞાને અનુસરીને જીવવાનો પ્રયાસ કરું છું. એથી મને નિરાંત રહે છે.’

થોડીક વાર અટકીને એણે આકાશ તરફ અવલોકીને જણાવ્યું : ‘તમે મને સૌથી પહેલાં મારા જન્મસ્થાન વિશે પૂછ્યું અને મેં એનો સામાન્ય રીતે ઉત્તર આપ્યો. પણ જરાક જુદી રીતે વિચારીએ ને વાત કરીએ તો આપણા સૌનું, અરે આખાય જગતનું જન્મસ્થાન એક નથી ? જગત પરમાત્મામાંથી પ્રાદુર્ભાવ પામે છે ને પરમાત્મામાં જ લીન થાય છે. સૌના મૂલાધાર એ જ છે. સૌએ એમની જ પાસે પહોંચવાનું છે. એ અસલ વતનને કે જન્મસ્થાનને અજ્ઞાનને લીધે ભૂલીને માણસ ભવાટવીમાં કોણ જાણે કેટલા કાળથી ભમ્યા કરે છે !’

મને એની ઊંડી સમજ જોઈને આનંદ થયો, આશ્ચર્ય પણ થયું.

‘તું તો જ્ઞાની લાગે છે.’ મેં એને સહર્ષ જણાવ્યું.

‘ના. હું જ્ઞાની નથી. જ્ઞાનના ગહન રહસ્યને મારા જેવો અજ્ઞાની ક્યાંથી સમજી શકે ?’

‘તો પણ તારા શબ્દો જ્ઞાનીના છે.’

‘હું જ્ઞાની નથી. પરમાત્માનું બને તેટલું નામ લઉં છું. એમનામાં શ્રદ્ધાભક્તિ રાખું છું, અને એમના આધારે કામ કરું છું.’

‘તો તો તને ભક્તિમાં રુચિ છે.’

‘તમારે જે કહેવું હોય તે કહી શકો છો. હજુ મારામાં સાચી અને સંપૂર્ણ ભક્તિ પ્રકટી નથી. જ્યારે પ્રકટશે ત્યારે મારા લક્ષણો જુદાં જ હશે.’

‘જુદાં એટલે કેવાં ?’

‘હું ભગવાનથી દૂર નહિ હોઉં અને ભગવાન પણ મારાથી દૂર નહિ હોય.’

‘અત્યારે તમે એકમેકથી દૂર છો ?’

‘મને એવું લાગે છે.’

એટલામાં તો પાસેની પર્વત પંક્તિમાંથી એક સાપ નીકળ્યો. અમને જોઈને એ ઝડપથી ચાલવા લાગ્યો એટલે બહાદુરસીંગ બોલ્યો : ‘ભાઈ, શા માટે ગભરાય છે ? આ અરણ્ય અમારું નથી, તારું છે. અમે તો અહીં ફરવા ને કામ કરવા આવ્યા છીએ. તને મારીશું નહીં. મારવાનો વિચાર પણ નહિ કરી શકીએ. તું તારે નિર્ભય નિશ્ચિંત બનીને વિહાર કર. તું ભગવાન ભોળાનાથનો પ્યારો છે. તારી ઉપર એમની કૃપા છે પછી તારે કોઈથી ડરવાનું કારણ જ ક્યાં છે ?’

સાપ પર્વતની બીજી બાજુએ લપાઈ ગયો.

અમે આગળ વધવાની તૈયારી કરી એટલે એણે પ્રણામ કરીને કહ્યું : ‘માફ કરજો. મેં નાના મોઢે મોટીમાટી વાતો કરી છે. આ તો તમે મળ્યા એટલે મને આનંદ થયો ને બેચાર વાતો કરી લીધી. ભૂલચૂક થઈ હોય તો માફ કરજો.’

‘અમને તારી વાતોથી આનંદ થયો છે. એમાં માફી માગવા જેવું કશું નથી.’

પર્વત પર ફરી વળતા ધુમ્મસના ગોટાઓને અવલોકતાં અમે મંદગતિએ આગળ વધ્યાં. એ આખુંય દૃશ્ય કેટલું બધું અદભુત, આકર્ષક અને આનંદદાયક હતું ?  થોડીવારમાં તો આકાશને અડવા માગતા ઉત્તુંગ લીલાછમ પર્વતો પર પડદો પથરાઈ ગયો. માનવના અંતરાત્માની આગળ પણ એવી જ રીતે અવિદ્યાનો મોહ પડદો પથરાઈ ગયો છે. એને લીધે એને એના વાસ્તવિક સચ્ચિદાનંદ સ્વરૂપનું, પરમ સત્યનું દર્શન નથી થઈ શકતું. કોઈક બડભાગીના જ અંતરનો અવિદ્યા પડદો દૂર થયો હોય છે.

*

બે દિવસ પછી એ માર્ગે બહાદુરસીંગનો ફરી મેળાપ થયો. એ લાકડાં કાપીને એક વિશાળ વૃક્ષની છાયામાં શાંતિથી બેઠેલો. એના હાથમાં માળા હતી. એમને નિહાળીને એણે પ્રણામ કર્યાં. મેં વાતચીતને આરંભવા ખાતર કહ્યું : ‘તું માળા જપે છે ખરો ?’

‘રોજ જપું છું. નાનો હતો ત્યારનો નિયમ છે. જ્યારે પણ વખત મળે છે ત્યારે માળા ફેરવી લઉં છું. સવાર-સાંજ બે વાર તો અચૂક ફેરવું છું. આ તો વધારામાં.’

હું એના તરફ ખૂબ જ ભાવપૂર્વક જોઈ રહ્યો ને બોલ્યો : ‘એક તરફ લાકડાં કાપવાનો કુહાડો છે ને બીજી તરફ માળા છે.’

‘એ બંનેમાં વિરોધ જેવું લાગે છે ?’

‘વિરોધ તો માનવે પેદા કર્યો છે. એને એ મિટાવી પણ શકે છે. જીવનમાં સારી રીતે જીવવા માટે એ બંનેની આવશ્યકતા છે.’

‘સાચું કહું. હું પોતે પણ એવું જ માનું છું. કુહાડી શ્રમનું તથા સ્વાશ્રયનું પ્રતીક છે ને માળા ઈશ્વરના સ્મરણ, મનન અને અનુસંધાનનું. એક સાંસારિક સમુન્નતિનું સૂચક છે તો બીજું આધ્યાત્મિક ઉત્કર્ષનું. એ બંનેનો અનાદર કોઈપણ સમજદાર પુરુષથી ના કરી શકાય.’

‘તું કોના જપ જપે છે ?’

‘ભગવાન ભોળાનાથના.’

‘તારા ઈષ્ટદેવ એ જ છે ?’

‘હા. ભગવાન ભોળાનાથ. પરંતુ એક વાત કહું ? જપ કરતી વખતે હું મારા પૂજ્ય પિતાજીને પણ યાદ કરું છું.’

‘પિતાને ?’

‘હા.’

એ સહેજ અટકીને આગળ બોલ્યો : ‘તમને આશ્ચર્ય થયું ? આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે. તમને તો શું, કોઈને પણ એવું સાંભળીને આશ્ચર્ય થાય. પંડિતો કહે છે કે માતા ને પિતા દેવ બરાબર માનો. મારી માતા મારા બાળપણમાં જ મૃત્યુ પામી પરંતુ પિતાજી આજે પણ જીવે છે. એમણે મારી ખૂબ જ સંભાળ રાખીને મને મોટો કર્યો છે. એ મારા પ્રત્યક્ષ દેવતા છે. એમના ઉપકાર અનેક છે. ગુણો ઘણાં છે. એ મને પ્રેરણા આપે છે. એમને મારાથી સ્વપ્ને પણ નથી ભૂલી શકાય તેમ. ભગવાન ભોળાનાથે એમના રૂપે મારા જીવનમાં પ્રથમવાર પ્રવેશ કરેલો. મોટા થયા પછી મને એ વાતની ખબર પડી.’

‘એ શું કરે છે ?’

‘અમારા ગામમાં રહીને ખેતી સંભાળે છે ને ગાય-ભેંસ રાખે છે. મારા બે ભાઈઓ એમની સંભાળ રાખે છે. હું શિયાળામાં એમના દર્શન અને એમની સેવા માટે ત્યાં દર વરસે જઈ પહોંચું છું.’

‘એમની ઉંમર કેટલી છે ?’

‘પંચોતેર વરસની. મને ધાર્મિક સંસ્કારોથી સંપન્ન બનાવવામાં એમનો ફાળો સૌથી મોટો છે. એ મારા જીવનના પ્રત્યક્ષ દેવતા છે.’

એની આંખ ભરાઈ આવી.

મેં પૂછ્યું : ‘જમીન છે તો પછી ત્યાં કામ કરવાને બદલે અહીં શા માટે કરે છે ?’

એણે ઉત્તર આપ્યો : ‘ભાઈ તો પરણેલા ને સંતાનવાળા છે. એમની વચ્ચે વસવા કરતાં મને એકલા રહેવાનું વધારે ફાવે છે.’

‘તું પરણેલો નથી ?’

‘પરણેલો પરંતુ પત્નીનો સ્વર્ગવાસ થયો. પરણ્યા પછી પાંચ વરસે. ત્યારથી એકલો જ છું.’

‘પુનર્લગ્ન કરવાનો વિચાર ના આવ્યો ?’

‘ના. સગાંવહાલાંએ આગ્રહ તો ઘણોય કર્યો, પરંતુ મારું મન ના માન્યું. મને લગ્નની જરૂર જ ના લાગી. હવે તો એ પ્રસંગ પુરાણો થઈ ગયો. બધું ભૂલાઈ પણ ગયું છે. હવે તો એનો વિચાર પણ નથી આવતો. મારા પિતાજીએ મને પુનર્લગ્નનો કદીપણ આગ્રહ ના કર્યો. મારી ભાવનાને જોઈને મને શિખામણ આપી કે પરસ્ત્રીને માતા બરાબર માનવી. એમની એ શિખામણને હું આજે પણ પાળી રહ્યો છું.’

‘એ સિવાય બીજી કોઈ શિખામણ આપેલી ?’

‘હા. એમણે કહેલું કે જીવનમાં સંપૂર્ણપણે સુખી થવું હોય તો સદગુણી બનવું. ધૂમ્રપાન તથા શરાબ-દારૂનું સેવન ના કરવું, માંસભક્ષણથી દૂર રહેવું, ને ચોરી, હિંસા, રાગ તથા દ્વેષથી મુક્તિ મેળવવી. બીજાનું ભલું કરવાની ભાવના રાખવી અને ભગવાનની ભક્તિ કરવી. એવી તો બીજી કેટલીય શિખામણો અથવા સૂચનાઓ એ મને આપતા રહેતા. ધર્મના મર્મને તો હું નથી જાણતો તો પણ મને એ ધર્મના સારરૂપ લાગે છે. મારા આજ સુધીના જીવનમાં મેં એમની એ શિખામણોને અનુસરીને ચાલવાની કોશિશ કરી છે. એ શિખામણો મારે માટે સોનેરી અને સુખમય થઈ પડી છે. એમને હું કદીપણ, કોઈયે સંજોગોમાં નથી ભૂલતો.’

બહાદુરસીંગ બહારથી જોતાં નિરક્ષર જેવો હોવા છતાં ધર્મના મર્મને એની પોતાની રીતે સારી પેઠે સમજી ચૂક્યો હતો અને એને અનુસરીને જીવવાનો પ્રામાણિક પ્રયત્ન કરતો’તો એમાં સંદેહ નહિ. અમને એના પ્રત્યે માન પેદા થયું. ધર્મમાં માનનારા ને બીજા બધા જ એવી રીતે સમજીને સારામાં સારી રીતે જીવવાની કોશિશ કરે તો ?  સંસાર કેટલો બધો સુંદર, સ્વર્ગીય અને સુખમય બની જાય ?’

*

દસેક દિવસ પછી એ માર્ગ પરથી પસાર થતી વખતે અમે બહાદુરસીંગના વ્યક્તિત્વનું એક બીજું પાસું જોયું. એ કોઈને પોકાર પાડીને ઊભા રાખવાની કોશિશ કરતો’તો : ‘સાહેબ ! સાહેબ ! ઓ સાહેબજી !’

આગળ જનારા પુરુષ પંજાબી જેવા દેખાયા. એમની સાથે એમની પત્ની તથા છોકરી હતી. પોકારોને સાંભળીને એ કોપ કરીને બોલી ઊઠ્યા : ‘શું છે ? શા માટે બૂમો પાડે છે ? હું તારો નોકર છું કે ઊભો રહું ?’

‘બે મિનિટ ઊભા રહો. ફકત બે મિનિટ.’

એ સદગૃહસ્થ થોડેક દૂર જઈને ઊભા રહ્યા એટલે બહાદુરસીંગ એમની પાસે પહોંચીને બોલ્યો : ‘મારે તમને તકલીફ આપવી પડી તેને માટે માફ કરજો. તમે મારી પાસેથી પસાર થયા ત્યારે ખિસ્સામાંથી રૂમાલ કાઢતી વખતે તમને ખબર ના પડે તેવી રીતે આ નોટોની થપ્પી નીચે પડી ગઈ.’

‘શું કહે છે ? નોટો નીચે પડી ગઈ ?’

‘હા. મારી નજર એના પર પડતાવેંત જ મેં એને લઈ લીધી અને તમને ઊભા રહેવા બૂમ પાડી.’

પેલા ભાઈએ પાટલૂનના ખિસ્સામાં હાથ નાખીને જોયું તો નોટો સાચેસાચ પડી ગયેલી. એ બોલ્યા : ‘અરે, એ તો સો સોની પાંચ નોટો હતી.’

‘એટલી જ હશે.’

‘કેવી રીતે ને ક્યારે પડી ગઈ તેનો ખ્યાલ જ રહ્યો નહીં.’

બહાદુરસીંગે નોટો સુપરત કરી. પેલા ભાઈએ ગણી જોઈ તો નોટો બરાબર હતી. એમને એ સામાન્ય મજૂરની પ્રામાણિકતા માટે માન પેદા થયું. એને પારિતોષિક રૂપે પાંચ રૂપિયા આપવાની એમણે તત્પરતા દર્શાવી તો એણે જણાવ્યું : ‘મારાથી કશું પણ ના લેવાય.’

‘કેમ ?’

‘એ મારા હકનું નથી, પરધન છે. મારે એની જરૂર પણ નથી.’

‘હું મારી મરજીથી આપું છું. બક્ષીસરૂપે.’

‘તો પણ ના લેવાય. મેં મારું માનવસહજ કર્તવ્ય જ બજાવ્યું છે. કોઈ પરાક્રમ પણ નથી કર્યું.’

‘તો પણ ...’

‘ના. તમારે દાન કરવું હોય તો કોઈ બીજાને કરી દેજો. જેને ખાસ આવશ્યકતા હોય એને. મને તો ભગવાન ભોળાનાથ મારા નિર્વાહ પૂરતું આપી રહે છે. પછી વધારે શા માટે લઉં અને એ પણ આવી રીતે ?’

એ પાછો વળ્યો. પેલા પંજાબી જેવા ભાઈ પાંચ રૂપિયાની નોટને ખિસ્સામાં પાછી મૂકીને આગળ વધ્યા ને બોલ્યા : ‘આવો ધર્માત્મા બનવાનો દેખાવ કરે છે તેથી જ મજૂરી કરે છે. લેતાં શીખ્યો હોત તો માલદાર બની ગયો હોત. પરંતુ એને માટે ભાગ્ય જોઈએ ભાગ્ય.’

બહાદુરસીંગે મને જણાવ્યું : ‘તમને ખબર નથી, પરંતુ મારા પિતાશ્રીની સુચના પ્રમાણે હું જે કમાઉં છું તેનો દસમો ભાગ બીજાની સેવામાં વાપરું છું. મારી કમાણી ઓછી છે તો ઓછામાં ઓછું મારાથી એકલપેટા ના બનાય. એકલપેટો બનું તો સ્વાર્થી ને સમાજનો ગુન્હેગાર ગણાઉં. મારો આત્મા અશાંતિ અનુભવે.’

*

બીજા અઠવાડિયે બહાદુરસીંગની આંખમાં આંસુ હતાં. એ કોલસાની ગુણ તૈયાર કરતો હતો.

‘કેમ રડે છે ?’ મેં પૂછ્યું.

‘ઘેરથી સમાચાર આવ્યા છે. મારા પિતાશ્રીની તબિયત સારી નથી. ખૂબ જ બિમાર છે. મારે ત્યાં જવું પડશે. કાલે જ જઈશ. મારો આત્મા કહે છે કે આ વખતે એ નહિ બચે. એમને મળીને એમના આશીર્વાદ મેળવી લઉં એટલે થયું. મને શાંતિ વળે.’

‘એમને માટે પ્રાર્થના કર.’

‘પ્રાર્થના તો કરું જ છું. એ સારા થઈ જાય તો તો એથી ઉત્તમ બીજું શું હોઈ શકે ? પરંતુ ...’ એ વધારે ના બોલી શક્યો. એનો કંઠ રૂંધાઈ ગયો.

એને સહેજ શાંત પડવા દીધા પછી મે કહ્યું : ‘ઘેર તારા ભાઈઓ છે એટલે એમની સેવા કરતા હશે.’

‘કરે છે.’

‘કોઈ બેન છે ?’

‘ધર્મની બેન છે. એ અમારા ગામથી થોડેક દૂર રહે છે.’

‘ધર્મની બેન ?’

‘હા. તમને નવાઈ લાગી ? એ મને રક્ષાબંધનના પર્વ પર રક્ષા મોકલે છે. એની ઈચ્છા મારી સાથે લગ્ન કરવાની હતી.’

‘લગ્ન કરવાની ?’

‘હા. એ મને જોઈને મોહિત બનેલી.’

‘તો પછી ...’

‘મારી ધર્મપત્નીના મૃત્યુ પછી. એ ખૂબ જ સદગુણી ને સુંદર હતી. એની ઈચ્છાને સંતોષું નહીં તો એણે આપઘાત કરવાની ધમકી આપી તો પણ મારું મન ચળ્યું નહીં. એણે આપઘાત ના કર્યો. છેવટે મેં એને સમજાવીને મારા એક મિત્રની સાથે પરણાવી દીધી. ત્યારથી અમે ધર્મનાં ભાઈબેન બન્યાં છીએ. પરણ્યા પછી એ સંપૂર્ણ સુખી છે. એના પતિને પોતાનું ઘર છે, જમીન છે, ને નાનુંસરખું કારખાનું છે.’

એની વાત એકદમ અનોખી હતી. મને એણે વિચાર કરતો કરી મૂક્યો.

*

એ વાતને ત્રણેક વરસ વીતી ગયાં છે. એ દરમિયાન એનો ફરીવાર મેળાપ નથી થયો. એના કશા સમાચાર પણ નથી. તો પણ એની સ્મૃતિ કાયમ છે. કેમલ બેક રોડ પરથી પસાર થતાં એ વધારે બળવાન બને છે. બહાદુરસીંગ ક્યાં છે તેની ખબર નથી, પરંતુ જ્યાં પણ હશે ત્યાં બહાદુરની જેમ જીવતો હશે અને સંસારની શોભા બનતો હશે એમાં શંકા નથી. સંસાર છે જ પરિવર્તનશીલ. એમાં સઘળું બદલાય છે ને કાળને આધીન બને છે. પરંતુ કાળ સ્મૃતિનો કોળિયો નથી કરી શકતો.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Security code
Refresh

Today's Quote

To give service to a single heart by a single act is better than a thousand heads bowing in prayer.
- Mahatma Gandhi

prabhu-handwriting

Shri Yogeshwarji : Canada - 1 Shri Yogeshwarji : Canada - 1
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
Shri Yogeshwarji : Canada - 2 Shri Yogeshwarji : Canada - 2
Lecture given at Ontario, Canada during Yogeshwarjis tour of North America in 1981.
 Shri Yogeshwarji : Los Angeles, CA Shri Yogeshwarji : Los Angeles, CA
Lecture given at Los Angeles, CA during Yogeshwarji's tour of North America in 1981 with Maa Sarveshwari.
Darshnamrut : Maa Darshnamrut : Maa
The video shows a day in Maa Sarveshwaris daily routine at Swargarohan.
Arogya Yatra : Maa Arogya Yatra : Maa
Daily routine of Maa Sarveshwari which includes 15 minutes Shirsasna, other asanas and pranam etc.
Rasamrut 1 : Maa Rasamrut 1 : Maa
A glimpse in the life of Maa Sarveshwari and activities at Swargarohan
Rasamrut 2 : Maa Rasamrut 2 : Maa
Happenings at Swargarohan when Maa Sarveshwari is present.
Amarnath Stuti Amarnath Stuti
Album: Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji; Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Shiv Stuti Shiv Stuti
Album : Vande Sadashivam; Lyrics: Shri Yogeshwarji, Music: Ashit Desai; Voice: Ashit, Hema and Aalap Desai
Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok