ઘરની દેવી
‘તારું નામ ?’
‘રાધા.’
‘રાધા ?’
‘હા. મૂળ નામ તો રાધિકા છે, પરંતુ રાધાના નામથી જ ઓળખાઉં છું.’
‘નામ તો ઘણું સારું છે. પવિત્ર, મીઠું ને ભાવવાહી નામ. ઉંમર પણ નાની લાગે છે. કેટલીક છે ?’
‘ચોવીસમું ચાલે છે.’
‘આટલી નાની ઉંમરમાં કપડાં ધોવાનું કે વાસણ ઉડકવાનું કામ કરવા માંડી ?’
‘નાની ઉંમરમાં મહેનતનું કામ કરવામાં કશી નાનમ છે ?’
‘ના.’
‘આ કામ તો ચારેક વરસથી કરી રહી છું. પરણ્યા પછી માંડ બે વરસ થયાં કે તરત.’
‘તારા પતિ શું કામ કરે છે ? નોકરી ?’
‘ના. એ જો નોકરી કે ધંધો કરતા હોત તો મારે આવું કામ શા માટે કરવું પડત ?’
‘એમની કમાણી ઓછી હોય તો એમને આર્થિક રીતે મદદરૂપ થવાની ભાવનાથી પ્રેરાઈને કોઈ કામ કરવું પડે. એ કશું જ નથી કરતા ?’
‘ના. કમાય નહિ અને શાંતિથી બેસી રહે તો પણ સારું. મારી પાસેથી બળજબરી કરીને પૈસા લે છે અને દારૂ પીવામાં ખર્ચી નાખે છે. અમારા લગ્ન પછી બે વરસ તો બધું સરખું ચાલ્યું. એ મીલમાં નાનીસરખી નોકરી કરતા’તા. પરંતુ પછીથી કુસંગે ચઢી ગયા. એમની નોકરી છૂટી ગઈ અને એ દેવાદાર બની ગયા. મારે કામ કર્યા સિવાય છૂટકો જ ના થયો. મારાં માતાપિતા પુનામાં રહે છે ને થોડીઘણી મદદ કરે છે, પરંતુ એ પણ પાકાં સંસારી હોવાથી કેટલીક મદદ કરે ?’
‘ઘરમાં કોણ કોણ છે ?’
‘હું, મારા પતિ, મારા સાસુ અને ચારેક વરસની નાની છોકરી.’
‘તારી સાસુ તારા પતિને કશી શિખામણ નથી આપતી ?’
‘આપે છે, પરંતુ ઉલટી શિખામણ આપે છે ને કહે છે કે સ્ત્રીને સદા વશમાં રાખવી જોઈએ. જરૂર પડ્યે ચૌદમું રતન પણ વાપરવું જોઈએ. સ્ત્રી તો ગુલામડી છે. પુરુષની વાતોમાં ડખલ કરવાનો એને અધિકાર નથી. એણે તો પુરુષની આજ્ઞા પ્રમાણે ચાલ્યા કરવાનું. કોઈકવાર તો મારા પતિને એ જ ચઢાવે છે ને મને મરાવે છે.’
‘મરાવે છે ?’
‘હા. હજુ ગઈકાલે જ મને માર મરાવ્યો છે. મારો બરડો દુખે છે.’
રાધાની આંખમાં આંસુ આવી ગયાં.
મુંબાઈમાં વેદાંત સત્સંગ મંડળના ઉપક્રમે મારે ગયા વરસે ફેબ્રુઆરીમાં ફરીવાર પ્રવચનો કરવા જવાનું થયું ત્યારે મરીન ડ્રાઈવ પરના મારા ઉતારે એ કામ કરવા આવતી. એની સાથેના એ આકસ્મિક વાર્તાલાપ પરથી લાગ્યું કે એનું જીવન અતિશય કરુણ છે. કરુણાતિકરુણ. એ શ્યામ વર્ણની, કૃશ કાયાવાળી, સુડોલ અંગવાળી સ્ત્રીના જીવનમાં શાંતિ ના દેખાઈ. સમાજમાં કોણ જાણે એવી કેટલીય રાધાઓ રહેતી હશે.
એણે સહેજ વાર પછી જણાવ્યું : ‘ચિંતામાં ને ચિંતામાં મારું શરીર શ્યામ પડી ગયું છે. મારાથી બીજું થઈ શકે પણ શું ? ભગવાન પાંડુરંગની પ્રાર્થના સિવાય બીજો કોઈ જ રસ્તો નથી દેખાતો. એમની રોજ કેટલીયવાર પ્રાર્થના કરું છું કે એમને સદબુદ્ધિ આપે ને સન્માર્ગે વાળે. એ દયાળુ છે. મારી પ્રાર્થના સાંભળશે.’
‘તને ભગવાન પાંડુરંગમાં ને પ્રાર્થનામાં શ્રદ્ધા છે ?’
‘ખૂબ જ છે. મારા પિતાશ્રીએ મને નાનપણથી જ પ્રાર્થના કરવાની ટેવ પાડી છે. એમની સાથે હું અનેકવાર પંઢરપુરની યાત્રાએ ગઈ છું. મને ભગવાન પાંડુરંગને માટે પ્રેમ છે. મારો વિચાર અવિવાહિત જીવન જીવીને ભગવાનની ભક્તિ કરવાનો હતો પરંતુ મારા કર્મસંસ્કારોએ મને ગૃહસ્થાશ્રમમાં નાખી. મારે આ બધું ભોગવવાનું હશે એટલે.’
મને એની વિશુદ્ધ વિચારસરણીથી આનંદ થયો. એનો અંતરાત્મા ઉદાત્ત લાગ્યો. મેં એને કહ્યું : ‘પ્રાર્થનાની શક્તિ અસાધારણ અને અમોઘ છે. અને એથી વિશેષ શક્તિ છે જેમની પ્રાર્થના કરવામાં આવે છે તે પરમાત્માની. એ તને મદદ કરશે ને સહનશક્તિ તથા શાંતિ આપશે. એમનું શરણ અને સ્મરણ કદી નકામું નથી જતું.’
‘કામકાજ કરતાં કે હાલતાં ચાલતાં એમનું પવિત્ર સુધાસભર નામ સ્મરણ કર્યા કરું છું અને ભૂલેચૂકે પણ કોઈપણ પ્રકારની અનુકૂળ અથવા પ્રતિકૂળ પરિસ્થિતિમાં બુદ્ધિ બગડે નહિ એનું ધ્યાન રાખું છું. બુદ્ધિ બગડે તો પ્રવૃત્તિ બગડે અને એ બંને બગડતાં આખું જીવન બગડી જાય. જીવન બગડે તો જીવવામાં સાર શો ? એનાં કરતાં તો મરણને શરણ થવાનું હજાર દરજ્જે સારું કહેવાય. જીવનમાં રહેવાનું મકાન સારું ના હોય તો ચાલે, ધનવૈભવ, માનપાન, ભોગવિલાસ કે સંતતિ ના હોય તો પણ ચાલે, પરંતુ પવિત્રતા ના હોય તો જરાપણ ના ચાલે. પરમાત્માને પ્રાર્થના કરું છું કે બીજું બધું સંસારનું સુખ ના આપવું હોય તો ભલે ના આપીશ પણ જીવનને પવિત્ર રાખવાની ને વધારે ને વધારે પવિત્ર કરવાની શક્તિ આપજે.’
એના ઉદગારો અદભુત, આશ્ચર્યકારક, આનંદદાયક હતા. કયા આત્મામાં કેવી અલૌકિકતા વસે છે તે કોણ કહી શકે ? બહારથી સામાન્ય દેખાતાં શરીરો કેટલીક વાર અસામાન્ય આત્મિક આભાથી અલંકૃત હોય છે. રાધાનું ઉદાહરણ એવું જ અનોખું હતું.
મેં કહ્યું : ‘તું તો ભગવાનની ભક્ત લાગે છે.’
‘ભક્ત થવાની કોશિશ કરું છું. વ્રજમંડળની રાધા જેમ કૃષ્ણની બનીને કૃષ્ણને માટે જીવતી હતી તેવી રીતે ભગવાનની બનીને ભગવાનને માટે શ્વાસ લેવાનો મારો મનોરથ હતો. આજે પણ છે. એને માટે બનતો પ્રયત્ન કરી રહી છું પરંતુ ...’
એ વધારે ન બોલી શકી. એનું હૃદય ભરાઈ આવ્યું. લાંબે વખતે બોલી : ‘હવે જઉં. ઉપર બીજે માળે કામ રાખ્યું છે.’
‘શું આપે છે ?’
‘સો રૂપિયા. તમારા દર્શનથી આનંદ થયો. હૈયું સહેજ હળવું બન્યું. અહીં સંસ્થામાં ભાતભાતના સંત મહાત્માઓ આવ્યા કરે છે. કોઈની સાથે કામ પડે તો પણ વધારે સંબંધ રાખવાનું કે વાત કરવાનું નથી ગમતું. તમારી સાથે આજે આટલી વાતો થઈ ગઈ. હરકત નહિ.’
એ ચાલી નીકળી.
*
બીજે દિવસે એ કામ કરીને પાછી ફરતી’તી ત્યારે મકાનના નોકર નીલમણિએ દુર્ભાવનાથી પ્રેરાઈને એની મશ્કરી કરી. એથી એ એકદમ છંછેડાઈ ઉઠી : ‘હરામી, મારી મશ્કરી કરે છે ? હું તો તારી બેન બરાબર છું.’
એ ચંપલ કાઢીને નીલમણિને મારવા દોડી.
નીલમણિ ડઘાઈ ગયો ને બોલ્યો : ‘તું આટલી બધી રૂપાળી છે તો તને જોઈને બે શબ્દો કહેવાઈ ગયા એમાં આમ ગુસ્સે શું થાય છે ?’
’મને તું કોઈ વેશ્યા સમજે છે ?’
‘મેં એવું ક્યાં કહ્યું છે ?’
‘તો પછી ?’
‘તો પછી શું ?’
‘ફરીવાર આવી રીતે મારી મશ્કરી કરી તો આવી બન્યું સમજજે. મને છેડવામાં સાર નથી. હું તને કદી બોલાવું કે મને જોઈને મન બગાડે છે ?’
લોકો ભેગા થઈ ગયા એટલે રાધા ચાલી નીકળી.
નીલમણિએ લોકસમૂહને સંભળાવતાં જણાવ્યું : ‘દુનિયા પણ કેવી છે ? કેટલી બધી બદલાઈ ગઈ છે ? ચોર કોટવાળને દંડે એવી વાત છે. મારી પાસે આવીને એણે સિનેમા બતાવવાની માગણી કરી અને મેં ના પાડી તો એ મારી ઉપર આળ ચઢાવીને ગુસ્સે થઈ. સારા માણસને શાંતિપૂર્વક જીવવાનું જ મુશ્કેલ છે. આવું બધું જોઈને મને તો નોકરી કરવાનું મન જ નથી થતું. વૈરાગ્ય થઈ જાય છે.’
*
ત્રણચાર દિવસ પછી રાધાએ એ બધી વાત કરીને મને કહ્યું : ‘હું ગરીબ માબાપની દીકરી છું તો પણ સ્વમાની છું. મારા માતાપિતાએ મને પવિત્રતાનો પાઠ શીખવ્યો છે. જીવનમાં શીલ, સંયમ તથા પવિત્રતા ના હોય તો એ જીવનની કશી કિંમત નથી. એ જીવન ધૂળ જેવું છે. મારા પર કોઈ કુદૃષ્ટિ કરે ને મને જોઈને ફાવે તેમ બોલે એ મને ના ગમે. મારે માટે પરપુરુષ પિતા અને બંધુ બરાબર છે.’
સામે જ સમુદ્ર ઉછાળા મારી રહેલો. જીવન પણ એવા જ અનેકવિધ અભિનય કરે છે, જાતજાતના ઉછાળા મારે છે. એમાં પણ ભરતી અને ઓટ આવે છે. એનું સ્વરૂપ એકસરખું નથી રહેતું. તો પણ એનું અંતરંગ સંગીત અખંડ, સતત અથવા સનાતન રહેતું હોય, એનું કોઈક ધ્રુવપદ બનતું હોય, તો જીવવાનો આનંદ રહે છે, એનો અનેરો આસ્વાદ આવે છે.
રાધાના દિલમાં દર્દ હતું. એને ઠાલવતાં એણે વાતવાતમાં કહ્યું : ‘મારા પતિના સંસ્કારો જુદા છે.’
‘જુદા એટલે ?’
‘મારાથી ઉલટા. મને ધર્મમાં, ભક્તિમાં, ભગવાનમાં શ્રદ્ધા છે તો એમને જરાય નથી. મને શીલ, સંયમ ગમે છે તો એમને સહેજ પણ નથી ગમતાં. એ બીજી સ્ત્રીના પ્રેમમાં પડ્યા છે, એનાથી મોહિત થયા છે. હું એમને ખૂબખૂબ સમજાવું છું પણ એ નથી સમજતા. પુત્રની પ્રાપ્તિ માટે એ મને છોડી દેવા ને બીજું લગ્ન કરવા તૈયાર થયા છે. મારી સાસુનો એમને ટેકો છે.’
‘એ પુનર્લગ્ન કરશે તો ?’
‘તો શું ? હું એમને કહું છું કે પુનર્લગ્ન કરવું હોય તો કરો. મને એની કશી જ ચિંતા નથી. હું તો આવી રીતે કામ કરીશ, આજીવિકા ચલાવીશ, ને ભગવાનની ભક્તિ કરતી રહીશ. મારી પુત્રી મારે પુત્ર બરાબર છે. એને મોટી કરીશ ને સંસ્કારી બનાવીશ. એમના જીવનપરિવર્તનને માટે પ્રાર્થના કરું છું. ભગવાનની કૃપાથી એમની બુદ્ધિ બદલાય અને એ સન્માર્ગે ચઢે તો સારું. મને સૌથી વધારે આનંદ થાય. નહિ તો પછી જેવું નસીબ. જેવી લેણાદેણી.’
‘તું એકલી રહી શકીશ ?’
‘ખુશીથી રહી શકીશ. અત્યારે પણ એકલા જેવી જ છું. મને સમજનારું કે ન્યાય કરનારું મારું આત્મીય એક ભગવાન વિના બીજું કોઈ નથી.’
*
રાધાની પ્રાર્થના આખરે ફળી ખરી.
એના પતિની વૃત્તિ તથા પ્રવૃત્તિમાં પરિવર્તન આવ્યું. એણે જ એના સમાચાર આપતાં ચારેક મહિના પછી મારે ફરીવાર મુંબાઈ જવાનું થયું ત્યારે કહ્યું : ‘કલિયુગમાં ભગવાન નથી એવું થોડું છે ? એમણે મારી પ્રાર્થના સાંભળી.’
‘કેમ શું થયું ?’
‘મારા પતિનું મન બદલાયું. એમણે દારૂ, જુગાર બધું છોડી દીધું.’
‘કેવી રીતે ?’
‘જેની સાથે ખરાબ સંબંધ હતો તે સ્ત્રીનું એકાદ મહિના પહેલાં અચાનક મરણ થયું. એનો આઘાત લાગ્યો હોય કે ગમે તે હોય પણ એમનાથી એ બધું છૂટી ગયું. એમની બુદ્ધિ ઠેકાણે આવી ગઈ. એમના દુર્વ્યવહારને માટે એમણે મારી માફી માગી. હવે એ નોકરી કરવા પણ તૈયાર થયા છે. કોશિશ ચાલે છે. કોઈ કામ મળી જશે.’
‘બીજા લગ્નનો વિચાર કરતા’તા એનું શું ?’
‘એ વિચાર એમણે પડતો મૂક્યો છે. જો કે મારી સાસુનું મન નથી બદલાયું, પરંતુ હવે એમની શિખામણની એટલી બધી અસર નથી થતી.’
*
બીજે વરસે મેં મુંબઈની મુલાકાત લીધી ત્યારે રાધાના મુખમંડળની શ્યામતા સારા પ્રમાણમાં ઓછી થયેલી. એની સઘળી ચિંતાનો અંત આવેલો. એનો પતિ નોકરી પર ચઢેલો અને એને અનુકૂળ બનેલો. એની સાસુનો વીસેક દિવસની બિમારી બાદ સ્વર્ગવાસ થયેલો. એનો ઉલ્લેખ કરતાં એણે જણાવ્યું : ‘બિમારી દરમ્યાન મેં મારી ફરજ સમજીને સાસુની સારી પેઠે સેવા કરી. એક દિવસ એમની સ્થિતિ સહેજ ગંભીર બની ગઈ ત્યારે એમના સારા થવાની પ્રાર્થના કરતાં કરતાં મારી આંખમાં આંસુ આવી ગયાં. એમના પૂછવાથી મેં મારાં આંસુનું કારણ કહી બતાવ્યું તો એની અસર એમના પર ઘણી મોટી થઈ. એમણે પૂછ્યું કે તું મારે માટે પ્રાર્થના કરે છે ?
હા.
મેં તો તને સતાવવામાં કાંઈ બાકી નથી રાખ્યું. ખૂબ જ કષ્ટ આપ્યું છે. મારી તથા મરાવી પણ છે.
તેથી શું થયું ? મારાથી વેરભાવ રાખીને એનો બદલો થોડો જ લેવાય છે ? આપણું જીવન વેર માટે નથી, પ્રેમ માટે છે. મારો સ્વભાવ સદભાવ રાખવાનો છે. એને શી રીતે છોડી શકું ?
એમની આંખમાંથી અશ્રુધારા ચાલી. એમનું અંતર બદલાયું. એમણે કહ્યું : તું સ્ત્રી નથી, દેવી છે.
ના. સ્ત્રી છું. સ્ત્રી જ રહેવા માંગું છું.
મારા દુર્વ્યવહારને માટે મને માફ કરજે. ઈશ્વર તારું કલ્યાણ કરે.
એમણે મને આશીર્વાદ આપ્યા. પાંડુરંગે મારી પ્રાર્થના સાંભળી તો ખરી, એમને થોડોક આરામ પણ થવા લાગ્યો, પરંતુ અઠવાડિયા પછી એમની આંખ મીંચાઈ ગઈ. મરતાં પહેલાં સદભાવો જાગવાથી એમની સદગતિ થઈ.’
*
રવિવારે એના પતિને મારી પાસે લાવીને એણે કહ્યું : ‘મહારાજને પગે લાગો. એમના આશીર્વાદથી આપણું કલ્યાણ થશે.’
મેં કહ્યું : ‘તમારા પર ભગવાનનાં આશીર્વાદ છે. શીલ અને સંયમના આશીર્વાદ.’
એ ભાવવિભોર બની ગઈ ને બોલી : ‘હવે હું રાધા બનવાની કોશિશ કરતાં વધારે ને વધારે ભક્તિ કરું છું. રાતે બને તેટલું જાગું છું.’
એના પતિએ જણાવ્યું : ‘એ અમારા ઘરની દેવી છે. એના દર્શનથી હું પ્રસન્ન ને પાવન બનું છું.’
રાધા બોલી : ‘એવું કહીને મને લજવશો નહીં.’
તો પણ ... એના વદન પર આનંદ વ્યાપ્યો. એથી અધિક સન્માનાંજલિ બીજી કયી હોઈ શકે ?
- શ્રી યોગેશ્વરજી