મૌનીબાબા

નગરની ધર્મપ્રેમી પ્રજામાં ઉત્સાહની નવી લહરી ફરી વળેલી. નગરમાં એક મૌનીબાબા પધારેલાં. તે માત્ર દૂધ પર રહેતા, કેવળ કૌપીન પહેરતા, ને જાતજાતના ચમત્કારો કરી બતાવતા. અવકાશમાંથી હાથ હલાવીને જુદા જુદા પદાર્થો કાઢતા, મનની વાતોને જાણી લેતા, ભૂતભાવિનાં રહસ્યોનો ઉકેલ કરતાં, અને રોગનિવારણ તથા દુઃખમુક્તિના આશીર્વાદ આપતા. લોકો મોટી સંખ્યામાં એમના દર્શને જતા. મૌનીબાબા આવશ્યકતાને અનુસરીને કોઈ વાર સંકેત અથવા અભિનય દ્વારા તો કોઈ વાર લખીને વાત કરતા. ભાવિક લોકો એમના અનુભવના આધાર પર જાહેર કરતા કે આવા પરમ પ્રતાપી સમર્થ મહાપુરુષ અમારા અત્યાર સુધીના જીવનમાં અમે કદાપિ, ક્યાંય નથી જોયા. આ તો સાક્ષાત ઈશ્વર છે.

એ નગરમાં એ દિવસોમાં મારાં પ્રવચનો ચાલતાં હોવાથી થોડાક ભાવિક ભક્તોએ મારી પાસે આવીને મૌનીબાબાની પ્રસંશા કરીને મને એમના દર્શન માટે આવવાનો આગ્રહ કર્યો. મેં એમના અનોખા ઉત્સાહને માટે એમને અભિનંદન આપીને જણાવ્યું કે હમણાં તો અનુકૂળતા ઓછી છે એટલે આગળ પર અનુકૂળતા હશે તો જોઈશું.

શાસ્ત્રો તથા સંતો કહે છે કે બહારની નાનીમોટી સિદ્ધિઓ માનવનું કલ્યાણ નથી કરી શકતી. માનવનું વાસ્તવિક કલ્યાણ કરનારી સૌથી મોટી સાચી સિદ્ધિ આત્મસિદ્ધિ છે. તો પણ મોટા ભાગના માનવો બહારની સિદ્ધિઓથી પ્રભાવિત બને છે ને મોહાય છે. મૌનીબાબાથી પણ પ્રજા એટલી બધી પ્રભાવિત થઈ કે વાત નહિ. એમની સિદ્ધિઓની વાતો સાંભળીને આજુબાજુનાં નગરો ને ગામોની જનતા એમના દર્શને ઉમટવા લાગી. જનતાએ અભૂતપૂર્વ ઉલ્લાસનો પરિચય કરાવ્યો.

એ ઉલ્લાસ એકાએક એટલા માટે ઓસરી ગયો કે મૌનીબાબા માંદા પડ્યા. સાધારણ તાવ તથા પેટના દુખાવામાંથી શરૂ થયેલી એમની બિમારી છ સાત દિવસમાં તો એટલી બધી વધી ગઈ કે આખરે એમને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા. એક શ્રીમંત સેવાભાવી ભક્તિશાળી કુટુંબ એમની સેવામાં ખાસ રોકાયું. એ કુટુંબ એમના પ્રત્યે અસાધારણ આદરભાવ રાખતું.

મૌનીબાબાની વધારે પડતી બાહ્ય મુલાકાતો બંધ થઈ. લોકો કહેવા લાગ્યા કે જે બીજાના રોગો મટાડી શકે છે તે કદી બિમાર પડી શકે ? આ તો એમની લીલા છે. એક પ્રકારનો અભિનય. એમણે કોઈક શ્રદ્ધાભક્તિસંપન્ન ભક્તની બિમારી લઈ લીધી લાગે છે.

એ છે જ દયાળુ ને ભક્તવત્સલ.

સંતો એવી રીતે બીજાની બિમારી લઈ શકે છે. એમની લીલા સામાન્ય માનવો ના સમજી શકે તેવી, ખૂબ જ ગહન હોય છે.

એમણે જુદા જુદા ભક્તોને રોગમુક્ત કરવા એમના રોગોને એક સાથે જ લઈ લીધા લાગે છે.

આપણે સામાન્ય આત્માઓ એમના મહિમાને શી રીતે સમજી શકીએ ? સમજવાની આવશ્યકતા પણ શી છે ? આપણે તો જે થાય તે કેવળ જોવાનું જ રહ્યું.

એમને આગળ પર કેટલીક અવનવી ઘટનાઓ જોવાની હતી એની કલ્પના પણ ક્યાંથી આવી શકે ?

એકાદ મહિનાની માંદગી પછી મૌનીબાબા સાજા થયા એટલે ભક્તોએ ઉત્સવ કરીને એ પાવન પ્રસંગને વધાવી લીધો. મૌનીબાબા હોસ્પિટલમાંથી બહાર આવ્યા એટલે દર્શનાર્થીઓની અને આશીર્વાદની અપેક્ષા રાખનારાની ભીડ જામી.

માનવમહેરામણ ઉમટવા માંડ્યો.

લોકોએ કહ્યું કે એવા સિદ્ધપુરુષને કશું જ ના થાય. કાળ એમને એમની અનુમતિ સિવાય સ્પર્શી પણ ના શકે.

પરંતુ ... બેચાર દિવસ પછી બનેલી એક ઘટનાએ એમનામાંના અનેકને વિચાર કરતા કરી મૂક્યા. મૌનીબાબાએ પોતાની સેવા કરનારા શ્રદ્ધાભક્તિસંપન્ન પરિવારની એક સુશિક્ષિત કન્યા સાથે સ્નેહલગ્ન કર્યું. કેટલાક તો એ સમાચારને સાચા માનવા તૈયાર ના થયા. પરંતુ તપાસ કરવાથી એ સાચા જણાયા. કોઈએ જણાવ્યું કે એવા સિદ્ધપુરુષ તો એમની ઈચ્છાનુસાર બધી જાતના અભિનયો કર્યા કરે. લગ્ન કરે તો પણ અલિપ્ત રહે. એ આપણી શ્રદ્ધાભક્તિની એવી રીતે કસોટી કરતા હશે. એ લગ્ન કરે એમાં આપણું શું ?

કોઈએ કહ્યું કે એ તો માયામાં પડ્યા. પતન પામ્યા. ત્યાગી સંતપુરુષો લગ્ન કરશે તો ત્યાગનો મહિમા શી રીતે સચવાશે ? એમણે એમના ઉચ્ચ આદર્શોને ગમે તે ભોગે વળગી રહેવું જોઈએ. એમાં કશી બાંધછોડ ના કરવી જોઈએ.

ગમે તેમ પણ લગ્ન પછી મૌનીબાબાના બાહ્ય રૂપરંગમાં ફેર પડ્યો. એમણે મૌન મૂકી દીધું. કોટપાટલૂન પહેરવા માંડ્યા. પેલી કન્યાને ત્યાં ઘરજમાઈ બનીને રહેવા માંડ્યું. ધ્યાન તથા સ્વાધ્યાયનો ત્યાગ કર્યો, અને સ્ત્રીમાં આસક્ત બનીને એને માટે જ જીવવા માંડ્યું. એ પણ અધુરા રહેલા કર્મસંસ્કાર અથવા શેષ રહેલી વાસનાના ઉપભોગની ભૂમિકા હતી. લગ્ન કર્યા પછી એમના જીવનવ્યવહારમાં ફેર પડ્યો અને એમની આત્મનિષ્ઠા બદલાઈ ગઈ એ આવકારદાયક તો નહોતું જ.

એમના ભક્તો અથવા અનુયાયીઓના બે ભાગ પડી ગયા. મોટા ભાગના ભક્તો અથવા અનુયાયીઓ એમના વિરોધી બન્યા.

ચારેક મહિના પછી મારે એ નગરમાં ફરીવાર જવાનું થયું ત્યારે મૌનીબાબા વધારે મોહમગ્ન બની ગયેલા. પેલી કન્યા-એમની સ્ત્રી એક દિવસ મને અચાનક મળી ગઈ. થોડીક ઉપલક વાતો કર્યા પછી એણે મને પૂછ્યું : ‘તમે અમને ધિક્કારતા નથી ?’

‘ના. જરાય નહિ.’ મેં ઉત્તર આપ્યો. ‘લગ્ન કોઈ ધિક્કારવા જેવી ઘટના નથી. પરંતુ મારે તમને એક અગત્યની સુચના આપવાની છે. નારી નારાયણી છે. એ ઉક્તિને તમે સાર્થક કરો. મૌનીબાબા તમારી અંદર વધારે પડતા આસક્ત થઈને ધર્મકર્મને, જીવનના ઉચ્ચતમ આદર્શને ભૂલી ગયા છે. તમે એમને એનું સ્મરણ કરાવો. એના અનુષ્ઠાન માટેની પ્રેરણા પૂરી પાડો, તથા મોહમુક્ત કરો. એક આદર્શ સન્નારી તરીકે એના જેવી સર્વોત્તમ સેવા બીજી કોઈયે નહિ હોય. એ ગૃહસ્થી તરીકે ભલે રહે, પણ સંત તરીકે મરી પરવારે નહીં એનું ધ્યાન રાખો.’

મારા ઉદગારોની અસર એમના પર અસાધારણ થઈ. એમણે એને માટે બાંયધરી આપીને જણાવ્યું : ‘મારાથી બનતો બધો પ્રયત્ન હું જરૂર કરીશ. મારી સફળતા માટે તમારા આશીર્વાદ માંગું છું.’

‘એને માગવાની જરૂર નથી. એ તો છે જ.’

મને નિરાંત થઈ. બેત્રણ વરસના ગાળામાં તો એ સન્નારીએ જપ, ધ્યાન, સત્સંગ, સ્વાધ્યાયમાં વિશેષ રુચિ દ્વારા મૌનીબાબામાં પવિત્ર પરિવર્તન પ્રારંભ્યું. એ સાંભળીને મને આનંદ થયો. મેં એમને અભિનંદન આપ્યાં. એમણે સંકોચ સાથે કહ્યું : ‘હજુ અભિનંદનને વાર છે.’

મેં જણાવ્યું : ‘જાણું છું. પણ આ તો શરૂઆત છે.’

સ્ત્રી-એક સન્નારી ધારે તો શું ના કરી શકે ? એ નારાયણી છે. અસાધારણ શક્તિવાળી છે. એ દેવી બને તો બીજાને દૈવી બનાવી શકે. તરવાનો પ્રયત્ન કરીને તારી શકે. મૌનીબાબાનો દેહ બદલાયો છે કિન્તુ આત્મા પાછો આવ્યો છે.

 - શ્રી યોગેશ્વરજી

Today's Quote

Life can only take place in the present moment. If we lose the present moment, we lose life.
- Buddha

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.