વિઠ્ઠલભાઈની સેવા

ભારતના ઐતિહાસિક શકવર્તી સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહાત્મા ગાંધીજીએ જે ભાગ ભજવ્યો એ એકદમ અનોખો હતો. સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રમુખ પ્રેરક અને પથપ્રદર્શક બનવાનું કાર્ય એમને સોંપાયેલું, અને એમણે એને સંતોષકારક રીતે સફળતાપૂર્વક પૂરું કર્યું. એ અગત્યના કલ્યાણકાર્યમાં અસંખ્ય આત્માઓનો સાથ હતો, અસંખ્ય જ્ઞાત-અજ્ઞાત આત્માઓએ એ અસાધારણ સેવાયજ્ઞમાં પોતાની અનુરાગપૂર્ણ આદરયુક્ત આહુતિ આપેલી, એનો ખ્યાલ એના ઈતિહાસનું વિહંગાવલોકન કરવાથી સહેલાઈથી આવી શકે છે.

એ સંબંધમાં મહત્વની સામગ્રી પૂરી પાડનારા નીચેના પત્રોને વાંચવા જેવા છે. એ પત્રો શ્રી વિઠ્ઠલભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજીના લખેલા છે.

(૧)

આર્ય ભવન
સેંડહર્સ્ટ રોડ, મુંબઈ
૧૦ મે, ૧૯૨૬

 

પ્રિય મહાત્માજી,

લેજીસ્લેટીવ એસેમ્બલીના સભાપતિત્વનો સ્વીકાર કરતી વખતે મેં મનોમન નિશ્ચય કરેલો કે મારા પગારમાંથી જે કાંઈ બચત થશે એનો કોઈ રાષ્ટ્રોપકારી કામ માટે ઉપયોગ કરીશ. કેટલાંક કારણોને લીધે, પહેલા છ માસ દરમ્યાન કોઈ ખાસ રકમ નથી બચાવી શક્યો. મને જણાવતાં હર્ષ થાય છે કે ગયા મહિનાથી હું મુશ્કેલીમાંથી મુક્તિ મેળવી શક્યો છું ને મોટી રકમ બચાવી શકું છું. મારે લગભગ માસિક બે હજાર રૂપિયાની આવશ્યકતા છે. ઈન્કમટેક્ષને બાદ કરતાં મારો માસિક પગાર ૩૬૨૫ છે. એટલા માટે ઈચ્છું છું કે ગયા માસથી શરૂ કરીને દર મહિને ૧૬૨૫ રૂપિયાની રકમ અલગ રાખું. એનો ઉપયોગ આપ જે કામમાં, જેવો ચાહો તેવો, કરો. મારા મનમાં એ વિશે થોડાક વિચારો છે. એમના સંબંધી હું આપની સાથે સમય પર ચર્ચા કરીશ, પરંતુ આપ મારા વિચારો સાથે સહમત થશો કે નહિ થાવ તો પણ, એ રકમ પર આપનો અધિકાર રહેશે. આ સાથે એપ્રિલ માસના પગારમાંથી ૧૬૨૫ રૂપિયાનો ચેક મોકલું છું.

મને વિશ્વાસ છે કે આપ આ જવાબદારીનો અસ્વીકાર નહિ કરો.

આપનો

(હ.) વી. જે પટેલ

(૨)

‘સુખડેલ’
સિમલા, ૩૧ મે, ૧૯૨૬.

 

પ્રિય મહાત્માજી,

આ સાથે ૪૩૨૫ રૂપિયાનો ચેક મોકલ્યો છે. એમાં ૧૬૨૫ રૂપિયા મે ના મારા પગારના હિસ્સાના છે અને ૨૭૦૦ રૂપિયા મુંબઈ કોર્પોરેશનના સભાપતિત્વના કાર્યકાળની સમાપ્તિ સમયે મારે માટે એકઠી કરેલી ૫૦૦૦ ની થેલીમાંથી ૩૨૦૦ રૂપિયામાંથી બાકી છે.

એ રકમ મારા પગારમાંથી અપાતા મારા માસિક સહાયતા કોષમાં માની લેવાની છે.                       

આપનો

(હ.) વી. જે પટેલ

(૩)

આશ્રમ
સાબરમતી, ૨૫-૭-૧૯૨૬.

 

 પ્રિય વિઠ્ઠલભાઈ,

મારી પાસે આપના પત્રો અને બધા મળીને ૭૫૭૫ રૂપિયાના ચેક આવ્યા છે. એમાં એસેમ્બલીના પ્રમુખના રૂપમાં આપના ત્રણ મહિનાના પગારનો ભાગ છે અને ૫૦૦૦ની થેલીની બચત છે. એ રકમ આપે મને મારી મરજી મુજબના દેશોપકારી કામમાં વાપરવા માટે આપી છે. એ પત્ર લખ્યા પછી આપે મારી સાથે આપના સુંદર દાનના ઉપયોગ સંબંધી વિચારોની ચર્ચા કરી છે. એ રકમના ઉપયોગ વિશે મેં ખૂબ વિચાર કર્યો છે, અને એવા નિર્ણય પર પહોંચ્યો છું કે હાલ તો એને જમા કરું. એટલા માટે આશ્રમના એજન્સી ખાતામાં એને છ માસની બાંધેલી મુદત માટે જમા કરું છું જેથી વ્યાજની સારી રકમ મળે, અને દલબંધીનો ઝઘડો પૂરો થતાં કેટલાંક મિત્રોની મદદથી, આપની અને એમની સલાહથી કોઈક પ્રસંશનીય રાષ્ટ્રીય કામમાં વાપરું.

એ પહેલાં આપને આપ જેથી પ્રેરાઈને આપના પગારનો મોટો ભાગ સાર્વજનિક કામ માટે આપો છો એ ઉદારતાને માટે અભિનંદન આપું છું. આશા રાખું છું કે આપનું ઉદાહરણ અન્ય લોકોને અસર કરશે.               

આપનો

(હ.) મો. ક. ગાંધી

(૪)

૨૦, અકબર રોડ
નવી દીલ્હી, ૯ માર્ચ ૧૯૨૭.

 

 પ્રિય મહાત્માજી,

ગયા એપ્રિલના મારા પત્રમાં કહ્યા પ્રમાણેના કામ માટે, મારા પગારમાંથી બચાવી શકાતી રકમ મેં આપને આપવાનો નિશ્ચય કર્યો છે એ આપ જાણો છો. એસેમ્બલીના સભાપતિત્વના મારા કાર્યકાળ દરમ્યાન સંભવ હોય ત્યાં સુધી એવો પ્રબંધ ચાલુ રાખવા માગું છું.

ફેબ્રુઆરીના અંત સુધી જે કાંઈ બચત કરી શકાઈ છે તેનો ચેક ૨૦૦૦ રૂપિયાનો આ સાથે મોકલી રહ્યો છું.                                

આપનો

(હ.) વી. જે પટેલ

એ પત્રો શ્રી વિઠ્ઠલભાઈ પટેલની અસાધારણ રાષ્ટ્રભક્તિનું દર્શન કરાવે છે. એવી રાષ્ટ્રભક્તિથી પ્રેરાઈને ગાંધીજી રાષ્ટ્રસેવાના કાર્યમાં પડેલા એથી એમને પોતાની રીતે મદદરૂપ થવાનો એમણે નિર્ણય કરેલો. એ જમાનામાં હજારો રૂપિયાની એ મદદ ઘણી મોટી હતી. એ મદદ દ્વારા વિઠ્ઠલભાઈએ પોતાનું રાષ્ટ્ર પ્રત્યેનું કર્તવ્ય અદા કર્યું.

વિઠ્ઠલભાઈનું જીવન સાદું અને ઉચ્ચ વિચારો, ભાવો અને સંકલ્પોથી સંપન્ન હતું. એ અપરિગ્રહ, ત્યાગ, દયા તથા સ્વાર્થરહિત સેવાભાવના પ્રતીક હતા. એમના કાર્યક્ષેત્રમાં રહીને એમની શક્તિ સામગ્રીની મર્યાદા મુજબ એ અન્યને ઉપયોગી થવાની કોશિશ કરતા. રાષ્ટ્રના નવનિર્માણના કપરા કસોટીકાળ દરમ્યાન રાષ્ટ્રભક્તિનું એ ઉદાહરણ ખાસ યાદ રાખવા જેવું ને પ્રેરણા પામવા જેવું છે. પોતપોતાના કાર્યક્ષેત્રમાં રહીને સર્વોચ્ચ માનવીય ગુણોથી સંપન્ન બનવાનો પ્રયાસ કરતાં, સૌ કોઈ રાષ્ટ્રના સેવાયજ્ઞમાં પોતપોતાની રીતે આહુતિ આપે અને અન્યની સુખાકારી, શાંતિ, સમૃદ્ધિ તથા સમુન્નતિને માટે કાર્ય કરતાં શીખે તો રાષ્ટ્રનું રૂપ બદલાઈ જાય. રાષ્ટ્રને મોટી મદદ મળે. વિઠ્ઠલભાઈની જેમ પોતાની રીતે સૌ સેવાનો સંકલ્પ અને એ સંકલ્પનો અમલ કરે એ ઈચ્છવા જેવું છે. રાષ્ટ્રને તન, મન, ધન, સર્વથી મદદ કરનારા માનવોની આવશ્યકતા છે. કોઈપણ રાષ્ટ્ર એમના સિવાય સાચી ને સંપૂર્ણ સમુન્નતિ ના સાધી શકે.

 - શ્રી યોગેશ્વરજી

Today's Quote

You don't have to be great to get started but you have to get started to be great.
- Les Brown

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.