બદરીનાથના સિદ્ધ સંતપુરુષ

ઉત્તરાખંડની પુણ્યભૂમિએ અતીતકાળથી માંડીને અર્વાચીન સમયપર્યંત અસંખ્ય આત્મદર્શી આપ્તકામ પ્રાતઃસ્મરણીય સિદ્ધ મહાપુરુષોને આશ્રય આપ્યો છે. એમના સુરદુર્લભ સુખદ સમાગમે તથા સદુપદેશે અનેકને પ્રેરણા અને પથપ્રદર્શન પહોંચાડીને કૃતકૃત્ય કર્યાં છે. વરસો પહેલાં બદરીનાથના ઋષિમુનિસેવિત તપઃપૂત પવિત્ર પ્રદેશમાં સિદ્ધબાબા સુંદરનાથજી રહેતા. એમના નામ પ્રમાણે એ નાથ સંપ્રદાયના સંતપુરુષ હોવાનું અનુમાન થતું. બદરીનાથની અસહ્ય ઠંડીમાં દિગંબર દશામાં રહેનારા એ સ્વનામધન્ય સંતપુરુષ સતત સાધના દ્વારા આત્મવિકાસની એવી અલૌકિક અવસ્થા પર પહોંચેલા જ્યાં કોઈ પણ પ્રકારનાં વર્ણાશ્રમ કે સંપ્રદાય સંબંધી બાહ્ય બંધનો નહોતાં રહ્યાં, તો પણ આરંભમાં એમને નાથસંપ્રદાય પ્રત્યે અભિરુચિ રહી હશે એવું લાગતું. એમના અવલોકનથી જ એ જીવનમુક્ત પૂર્ણપદ પ્રતિષ્ઠિત થયા હોય એવી છાપ પડતી. એમના દર્શનના દિવ્ય લાભને પ્રાપ્ત કરનારા કોઈ કોઈ વિરલ વયોવૃદ્ધ પુરુષો આજે પણ એમના સુમધુર સંસ્મરણોને સંભળાવે છે ત્યારે અવર્ણનીય આનંદ અનુભવાય છે.

એ સિદ્ધ મહાપુરુષના મહિમાની મંગલમય વાતોને સાંભળીને મને થયું કે એમના દેવદુર્લભ દર્શનનો લાભ મળ્યો હોત તો કેટલું સારું ? દર્શનાર્થીઓ કહેતા કે એ બદરીનાથ મંદિરની સામે અલકનંદાના પ્રશાંત તપઃપૂત તટપ્રદેશ પર અર્ધ પદ્માસનસ્થ દશામાં લીન બનીને બેસી રહેતા. કોઈએ એમને ઊઠતાં, ચાલતાં કે સુતાં નહોતા જોયા. એમણે તન, મન, અંતર અને આત્મા પર પૂર્ણ પ્રભુત્વ પ્રસ્થાપિત કરેલું. એમના વિશેની વિવિધ વાતોને સાંભળીને મને એમને માટે અસાધારણ આદરભાવ થયો. અંતરમાં એમના દૈવી દર્શનની આકાંક્ષા થઈ.

જેમણે પોતાના પંચમહાભૂતના સ્થૂળ શરીરને છોડી દીધું હોય તે કોઈને દર્શન આપી શકે ? જો એ સિદ્ધપુરુષ હોય અને ઈચ્છે તો પોતાની સવિશેષ શક્તિથી દર્શન અવશ્ય આપી શકે. મહાપુરુષો સુક્ષ્મ સ્વરૂપમાં રહીને અનેક પ્રકારનાં આશ્ચર્યકારક કામો કરતા હોય છે. સુંદરનાથજીએ પોતાના પંચભૂતાત્મક પાર્થિવ શરીરનો પરિત્યાગ કર્યો હોય એવો કોઈ પુરાવો નહોતો મળ્યો. એમનું મૃત શરીર કોઈએ નિહાળ્યું નહોતું. એ અદૃશ્ય થઈ ગયું એવું અનુમાન કરાતું. જો એવું જ હોય અથવા એ સૂક્ષ્મ અથવા આત્મસ્વરૂપે અસ્તિત્વ ધરાવતા હોય તો પણ ઈચ્છાનુસાર દર્શન આપી શકે. એવા અડગ આત્મવિશ્વાસથી પ્રેરાઈને મેં એમના દર્શન માટે ઈચ્છા કરી અને પ્રેમપૂર્વક પ્રાર્થના આદરી. એના પરિણામે મને એક પ્રભાતે ધ્યાનાવસ્થામાં જણાવવામાં આવ્યું કે સિદ્ધબાબા સુંદરનાથનું દર્શન-પ્રત્યક્ષ દર્શન-તમને બદરીનાથની પુણ્યભૂમિમાં આ વરસે જૂન મહિનાની એકવીસમી તારીખે થશે. એ અદભુત અનુભવથી મને આનંદ થાય અને સંતોષ સાંપડે એ સ્વાભાવિક હતું.

એ વરસે ઈ.સ.૧૯૪૮માં મારે બદરીનાથ જવાનું થયું ત્યારે મારી સાથે પ્રયાગરાજથી આવેલા મહાત્મા કુલાનંદ પણ હતા. કુલાનંદ શાંત પ્રકૃતિના સ્વાનુભવના પ્રદેશમાં પ્રવેશેલા સંતપુરુષ હતા. યાત્રા દરમિયાન વાત નીકળતાં એમણે જણાવ્યું કે મારા સદગુરુ શ્રી સચ્ચેબાબાએ આજે મને દર્શન આપીને કહ્યું છે કે બદરીનાથમાં સુંદરનાથનું દર્શન જૂનની એકવીસમી તારીખે થવાનું છે.

અમને બંનેને એક જ મહિનાની એક જ તારીખ મળેલી એ આશ્ચર્યકારક લાગે તેવું હોવા છતાં એમાં કશું આશ્ચર્યકારક નહોતું. ઈશ્વરની અચિંત્ય મહિમામયી શક્તિ એવી અદભુત રીતે અનુભવ આપી શકે છે. એ અનુભવો બે કે વધારે વ્યક્તિઓને થતા હોય તો પણ કેટલીક વાર મળતા આવે છે. સાધન અથવા માધ્યમ જુદાં જુદાં પરંતુ સત્ય અને એનો પ્રાદુર્ભાવ એક જ હોય છે.

પર્વતોની પગદંડી પરથી પ્રવાસ કરીને અમે બદરીનાથ પહોંચ્યા. ત્યાંના પાવન પ્રદેશમાં પરમાત્મમય પરમાણુઓની વચ્ચે થોડાક દિવસો સાધનાપરાયણ બનીને શાંતિથી વાસ કર્યો. ત્યાં સુંદરનાથજી તો નહોતા. પરંતુ જે શિલા પર એ વિરાજતા એ અલકનંદાના તટપ્રદેશ પરની સાર્થક શિલા હતી. ત્યાં એક નાનો છોડ ઉગેલો. સુંદરનાથના સુરદુર્લભ દર્શનની આકાંક્ષા તો હતી પરંતુ એ આકાંક્ષા કેવી રીતે ફળે ? પેલા દિવ્ય દિવસની પ્રતીક્ષા કરતાં અમારે કેવળ પ્રાર્થના જ કરવાની શેષ રહેલી. સંતપુરુષો તો બદરીનાથમાં બીજા અનેક હતા કિન્તુ કોઈને જોઈને મન માનતું નહોતું.

આખરે એ તારીખ આવી પહોંચી. અમારું ધ્યાન કેટલાય વખતથી એના તરફ કેન્દ્રિત થયેલું. સવારે સૂર્યોદય પછી તપ્તકુંડમાં સ્નાન કરીને અમે બદરીનાથના મંદિરની નીચેના રાજમાર્ગ પર આવ્યા ત્યારે અમારા આશ્ચર્ય વચ્ચે એક સંતપુરુષને જોયા. એમના શરીર પર ભસ્મ ચોળેલી. એમની આંખ અતિશય તેજસ્વી હતી. માથે જટા, હાથમાં ત્રિશૂળ, અંગ પર કૌપીન અને સામાન્ય સફેદ ઉપવસ્ત્ર. કોણ જાણે કેમ પણ અમને થયું, અમારા અંતરમાં પડઘો પડ્યો કે આ સિદ્ધ બાબા સુંદરનાથજી છે. એમણે એમની સર્વતંત્ર સ્વતંત્ર યોગશક્તિથી સ્વેચ્છાથી આવું સ્વરૂપ ધારણ કર્યું છે. સિદ્ધ યોગીપુરુષો એમની સ્વતંત્ર સત્ય સંકલ્પશક્તિથી એવું કરી શકે છે.

અમે એમને અસાધારણ આદરભાવપૂર્વક અવલોકી રહ્યા. ત્યાં તો અમારી પ્રતિક્રિયાની પરવા કર્યા સિવાય એ અમારી પાસે આવી પહોંચ્યા. મારા તરફ દૃષ્ટિપાત કરીને એમણે સુમધુર સ્મિત કર્યું અને મારી સાથે ચાલતા મહાત્મા કુલાનંદના હૃદયપ્રદેશ તરફ ત્રિશૂળ તાક્યું. કુલાનંદ એ અનોખા અકલ્પ્ય અભિનયથી લેશ પણ ગભરાયા કે ડર્યા સિવાય ત્યાં જ સ્થિરતાપૂર્વક ઊભા રહ્યા. પેલા સાધુપુરુષે એમના હૃદયપ્રદેશ તરફ ત્રિશૂળ તાકતાં મંદ છતાં મક્કમ પગલે આગળ ને આગળ ચાલવા માંડ્યું. આખરે એમની છેક જ પાસે પહોંચી જઈને એમની છાતીમાં ત્રિશૂળ મારવાની તૈયારી કરી. બીજો કોઈ કાચોપોચો માનવ હોત તો ગભરાઈ જાત, નાસવા માંડત, કે બુમ પાડી ઉઠત, પરંતુ કુલાનંદ નિતાંત નિર્ભય રહ્યા. સાધુપુરુષે નિમીષ માત્રમાં એ આશ્ચર્યકારક અભિનય બંધ કરી દીધો અને કુલાનંદને ઉમળકાપૂર્વક આલિંગન આપ્યું. એકાદ ક્ષણ છૂટા પડીને એમણે કાંઈપણ બોલ્યા વિના ત્વરીત ગતિથી બદરીનાથના બજાર તરફ ચાલવા માંડ્યું. અમને એમને નાસ્તો કે ભોજન કરાવવાની ઈચ્છા થઈ. અમે એમની પાછળ ચાલ્યા પરંતુ બજારમાં ક્યાંય એમનો પત્તો ના લાગ્યો. એ નાનકડા બજારમાં ક્યાં ને કેવી રીતે અદૃશ્ય થઈ ગયા તે ના સમજાયું. પાછળથી પણ કેટલાક દિવસો સુધી અમે એમની તપાસ કરતા રહ્યા કિન્તુ અમારા પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા.

એમના એ અભિનયનું સાચું રહસ્ય તો એ જ જાણે. કુલાનંદે કહેલું કે એ અભિનય પછી એમનું અંતર શાંત અને મળરહિત બનેલું અને એમનું મન ધ્યાનની અંતરંગ સાધનામાં સહેલાઈથી લાગવા માંડેલું. એમને માટે એ અલૌકિક અભિનય દીક્ષા અથવા અનુગ્રહવર્ષાના એક અનોખા પ્રકાર જેવો બની ગયેલો.

મહાપુરુષો કોના જીવનમાં ક્યારે, ક્યાં, કેવી રીતે પધારે છે અને મદદરૂપ બને છે તેની કલ્પના કોણ કરી શકે છે ? એમની લીલા અથવા મદદ કરવાની પદ્ધતિ વિલક્ષણ હોય છે. જે સ્વરૂપે અને પદ્ધતિએ એ પધારે છે એ સ્વરૂપે અને પદ્ધતિ પ્રમાણે પૂજ્ય તેમજ પ્રણમ્ય જ હોય છે-સદાને માટે પ્રણમ્ય.

 - શ્રી યોગેશ્વરજી

Today's Quote

Death is not extinguishing the light; it is only putting out the lamp because the dawn has come.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.