બદરીનાથા સિદ્ધપુરુષ - બચ્ચીદાસજી
આધ્યાત્મિક સાધનાના માર્ગમાં બહારના ભણતરની જરૂર પડે છે ખરી ? બહારનું ભણતર આવી સાધનામાં અતંરાયરૂપ નથી; બહારનું ભણતર હોય તો આધ્યાત્મિક સાધના થઈ શકે; પરંતુ એના સિવાય પણ સાધના થઈ શકે. એટલે કે સાધના માર્ગમાં એ એક અનિવાર્ય આવશ્યકતા નથી. એ વાતની પ્રતીતિ બાબા બચ્ચીદાસજીનાં જીવન પરથી સહેજે થઈ રહે છે.
બાબા બચ્ચીદાસ તદ્દન અભણ હતા. આધુનિક નિશાળનું ભણતર એમને બિલકુલ નહોતું મળ્યું. છતાં સાધનાના માર્ગમાં ઘણાં આગળ પહોંચેલા હતા, ને એમના મુખમાંથી અનુભવજન્ય જ્ઞાનની એવી એવી ઊંચી વાતો નીકળતી, જેને સાંભળવી એ પણ એક લ્હાવો હતો. ઘડીભર તો શ્રોતાઓ એ વાતો સાંભળીને મુગ્ધ થઈ જતા ને વિચાર કરતા કે આ સંતપુરુષની અંદર આવું ઉત્તમ પ્રકારનું અધ્યાત્મ જ્ઞાન ક્યાંથી આવ્યું ? પરંતુ એ જ્ઞાન અને તેની અભિવ્યક્તિ પાછળ એમનો ઊંડો, લાંબા વખતનો સ્વાનુભવ જ કામ કરતો હતો. એ સત્યની સમજ પણ એમને સહેલાઈથી પડ્યા વિના રહેતી નથી.
ભારતનાં ધર્મશાસ્ત્રોએ ગુરૂનો મહિમા ખૂબ જ મુક્તકંઠે ગાયો છે. પોતાના પરમ જ્ઞાનરૂપી પ્રકાશથી શરણાગત શિષ્યના અંતરના અજ્ઞાનરૂપી અંધકારને કાયમ માટે દૂર કરનારા અને એને દિવ્યચક્ષુ દેનારા ગુરૂને શાસ્ત્રોએ બ્રહ્માની સાથે સરખાવ્યા છે, વિષ્ણુ બરાબર માન્યા છે. શંકર કહીને બિરદાવ્યા છે. એની પાછળ કેવળ અંધશ્રદ્ધા, અતિશયોક્તિ કે ભાવુકતા નથી, પરંતુ વાસ્તવિકતા છે. દ્વંદ્વાતીત તથા પરમ સુખદાયક થયેલા એ પરમાત્મદર્શી સદગુરૂની શક્તિનો જીવનમાં અનુભવ કરી ચૂકેલ પુરુષોએ ગુરૂનો એ મહિમા ગાયેલો છે. એ પણ એમને અંજલિ આપવા અને બહુ અલ્પ માત્રામાં. બચ્ચીદાસને એવા મહાન જ્ઞાનમૂર્તિ, યોગસિદ્ધ સદગુરૂનો સમાગમ થયેલો.
એ હિમાલયના દેવપ્રયાગ સ્થાનમાં રહેતા ત્યારે બંગાલી બાબા નામના એક સિદ્ધ મહાપુરુષ બદરીનાથની યાત્રાએથી પાછા વળતાં ત્યાં આવી પહોંચ્યા. બચ્ચીદાસ ત્યારે દેવપ્રયાગમાં અલકનંદા અને ભાગીરથીના સુંદર સંગમ પરની એક નાનકડી ગુફામાં રહેતા. બંગાળી બાબાએ પ્રથમ પરિચયે જ એમના આત્માના સુષુપ્ત સંસ્કારોને ઓળખી કાઢ્યા, અને એમના પ્રત્યે પ્રેમ બતાવ્યો. પછી તો બચ્ચીદાસે ભારે શ્રદ્ધા ને ઉત્સાહથી બંગાળી બાબાને સેવા કરી. એથી બંગાળી સંત પ્રસન્ન થયા. એમણે બચ્ચીદાસને મંત્રદીક્ષા આપીને સાધનાની ક્રિયા બતાવી. પછી તો બચ્ચીદાસજી ગુરૂની આજ્ઞાનુસાર બદરીનાથ ગયા ને ત્યાં રહીને સાધના કરવા માંડ્યા. એમનું અંતર સ્વચ્છ હતું, તથા શ્રદ્ધા દૃઢ ને લગની પણ ઉત્કટ હતી, એટલે સાધનામાં ખૂંપી જતાં એમને વાર લાગી નહીં. બદરીનાથની ઠંડી અસહ્ય હોય છે. નર-નારાયણ પર્વત વચ્ચે વિસ્તરેલી એ ભૂમિમાં સામાન્ય માણસ માટે લાંબા વખત લગી રહેવું મુશ્કેલ છે. છતાં વરસો સુધી બચ્ચીદાસજીએ ત્યાં એકધારો નિવાસ કર્યો. એની પાછળ એમની ઉત્કટ વૈરાગ્યવૃત્તિ, નિતાંત એકાંતપ્રિયતા, પ્રખર સાધનાપરાયણતા તથા તીવ્ર તિતિક્ષા કામ કરી રહી હતી. એવા વિશેષ ગુણો વિના એ ત્યાં ભાગ્યે જ રહી શક્યા હોત. એ એકાંત શાંત, સુંદર, સ્વર્ગીય પ્રદેશમાં રહીને એમણે એકધારી સાધના કરી, છેવટે શાંતિ તથા સિદ્ધિ મેળવી. બદરીનાથનો મહિમા એમને લીધે વધી ગયો. બદરીનાથની યાત્રાએ આવતાં ભાવિક સ્ત્રીપુરુષો એમના દર્શને પણ અચૂક જતાં. એમનાં દર્શન, સમાગમ તથા સત્સંગથી લાભ મેળવતાં.
છેવટનાં વરસોમાં તો એ શિયાળામાં પણ બદરીનાથની આજુબાજુ રહેતા. બદરીનાથમાં ઋષિગંગા અને અલકનંદાના સંગમ પાસે એક નાનકડી મઢૂલીમાં એ વસવાટ કરતા. ઈ.સ. ૧૯૪૪માં એ મઢુલીમાં મેં એમની મુલાકાત લીધી ત્યારે એમના મુખ પર અસીમ શાંતિ અને એમનાં નેત્રોમાં અસાધારણ દીપ્તિની છાયા હતી. એ જોઈને, એમણે જીવનનું ધ્યેય સિદ્ધ કર્યું લાગતું હતું. આત્મશ્રદ્ધા, ગુરૂશ્રદ્ધા ને સતત પુરુષાર્થ સાથેની ઈશ્વરકૃપાથી માનવી જીવનની ધન્યતાની કેટલી ઉચ્ચોચ્ચ કક્ષાએ ચડી જઈ શકે તેના જીવતાજાગતા ઉદાહરણરૂપે એ અમારી સામે શાંતિથી બેઠા હતા. એમને જોઈને અમારા અંતરમાં આદરભાવ ઉત્પન્ન થયો.
‘નર જો કરણી કરે તો નારાયણ હો જાય’ એ વાત ખોટી નથી. સંપૂર્ણ સાચી છે. પરંતુ નર મન મૂકીને પુરતી શ્રદ્ધાભક્તિથી કરણી કરે તો ને ? હજારો ને લાખો લોકો એવાં છે, જે નારાયણ થવાનો તો શું પણ નર થવાનો પુરુષાર્થ પણ સાચા અર્થમાં નથી કરતા. તે જો જીવનની મહત્તા સમજીને બચ્ચીદાસની જેમ પુરુષાર્થ કરે તો શું ધાર્યું મેળવી શકે નહિ ?
*
આત્મિક વિકાસની ઉચ્ચોચ્ચ અવસ્થાએ પહોંચેલા પુરુષનું સૌથી મોટું મહત્વનું લક્ષણ ક્યું હોય છે ? એવા એક પ્રવાસીના પ્રશ્નના જવાબમાં બચ્ચીદાસજીએ સહજ સ્મિત કરીને જણાવ્યું ‘શાંતિ’. મનુષ્ય એવી શાશ્વત શાંતિની શોધમાં છે અને સાધનાથી પોતાના અંતરના ઊંડાણમાં ઉતરીને પરમાત્માનો સાક્ષાત્કાર કરવાથી એ શાંતિ સહેલાઈથી કાયમને માટે સાંપડી શકે છે. પરમાત્મા પોતે સનાતન શાંતિસ્વરૂપ હોવાથી એમની સાથે પ્રત્યક્ષ સંબંધ બાંધનાર શાંતિની મૂર્તિ બને છે. જેનામાં ચંચળતા, અહંતા, શંકા તથા ભ્રાંતિ છે તે પરમાત્માથી દૂર છે એવું સમજી લેવું.
*
કોઈએ પૂછ્યું : ‘સાધુનું ભૂષણ શું ?’ તો એમણે કહ્યું : ‘શુદ્ધિ અને સમતા. એને જ સાધુતા તરીકે ઓળખવામાં આવે છે. સાધુનું જીવન મોજશોખ કે ભોગવિલાસ માટે નથી હોતું. સંયમ અને સમાજની સેવા કાજે હોય છે. જે સાધુજીવનનો ઉપયોગ વૈભવશાળી બની આમોદપ્રમોદ કરવામાં કરે છે તે અધઃપતનને નોતરે છે. સાધુજીવન સાધનાનું તથા જાગૃતિનું જીવન છે.’
બચ્ચીદાસજી સદા સફેદ વસ્ત્રો પહેરતા, તે જોઈ એક સંન્યાસી મહારાજે ‘ભગવાં કેમ નથી પહેરતા ?’ એવો પ્રશ્ન પૂછ્યો તો નમ્રતાપૂર્વક ઉત્તર આપ્યો : ‘મને ભગવાં વસ્ત્રોનો મોહ નથી, ભગવા અંતરનો અનુરાગ છે. વસ્ત્રોની ખોટી ચિંતા હું નથી કરતો.’
*
એમના સાધનાવિષયક અનુભવો અસાધારણ હોવાથી એમને સાંભળવાથી આનંદ થતો. એમણે એક અજબ અનુભવનું વર્ણન કરતાં કહ્યું : ‘એકવાર બદરીનાથના મંદિર બંધ થયા પછી બદરીનાથથી સાતેક માઈલ દૂર લક્ષ્મીવન નામે એકાંત સ્થાનમાં જઈને પર્વતની એક ગુફામાં હું રહેવા લાગ્યો. રાતે મારી પાસે કોઈ અજબ દેખાવના દૈવી આત્માઓ આવી મને કહેવા લાગ્યા :
‘અહીં કેમ બેઠા છો ?’
‘ભજન કરવા.’ મેં કહ્યું.
‘આ તો અમારો પ્રદેશ છે. મૃત્યુલોકના માનવોનો નથી. તમે બદરીનાથ જઈને ભજન કરો.’
મેં એ માન્યું નહીં. એ એમના આગ્રહને વળગી રહ્યા. બીજે દિવસે રાતે એ આત્માઓ પાછા આવ્યા અને મને લઈને આકાશગમનની સિદ્ધિથી ઉડવા માંડ્યા. જોતજોતામાં તો એમણે બદરીનાથ પહોંચીને મારી નાની સરખી મઢૂલી આગળ મૂકી દીધો, ને પછી જણાવ્યું : ‘ભૂલેચૂકે ત્યાં આવશો તો તમારા આવા હાલ થશે. અહીં રહીને જેટલું કરવું હોય એટલું ભજન કરી શકો છો.’
બચ્ચીદાસજી એ આત્માઓને ઓળખી શક્યા નહિ-પરંતુ કહેતા હતા : ‘એમની આકૃતિ અત્યંત આકર્ષક અને ગૌર વર્ણની હતી. એ અસાધારણ અનુભવ પછી એ લક્ષ્મીવન ગયા નહોતા. ઈ.સ. ૧૯૪૮ની આસપાસ શિયાળામાં એમણે કેદારનાથ તરફ પ્રયાણ કરીને એ તરફ જ દેહત્યાગ કર્યો. મહાદેવ મંદિરમાં એકઠા થયેલા દર્શનાર્થીઓએ અસીમ આશ્ચર્ય વચ્ચે જોયું કે બચ્ચીદાસજી શિવલિંગ પર માથું મૂકી કાયમને માટે ઢળી પડેલા. ભગવાન શંકરે એમને પ્રેમથી સત્કારી પોતાના સ્વરૂપમાં સમાવી દીધેલા. એમની અસાધારણ સાધનાથી તેઓ સિદ્ધિ મેળવીને અમર બની ગયા.
- શ્રી યોગેશ્વરજી