પૂર્ણિમાનો પરિચય

ઋષિકેશની શાંત સુંદર ભૂમિ પરના પુરાણ પ્રસિદ્ધ ત્રિવેણીઘાટના ગંગાતટની સાધિકા પૂર્ણિમા.

એ નવયૌવના શ્યામવર્ણની સાધિકાને સૌથી પ્રથમ જોઈ ત્યારે શરદઋતુની સુંદર સવારે એ ગંગાતટ પર બેસીને કપડાં ધોઈ રહેલી. એ વખતે એ મોટા સુમધુર સ્વરે બંગાલી ભાષામાં જે ગીત ગાઈ રહેલી એનો ભાવાર્થ સરળતાથી સમજી શકાય તેમ હતો. ગીત નામસંકીર્તનના મંગલ મહિમાનું અને કળિયુગમાં નામજપ જેવું સર્વોત્તમ સાધન બીજું કોઈ જ નથી એવા વિશ્વાસની અભિવ્યક્તિની સાથે જીવોને નામજપ માટે પ્રદાન કરાતી પવિત્ર પ્રેરણાનું હતું. એનો સારસંદેશ કાંઈક એવો હતો કે હે જીવ, નામજપનું સાધન સમુદ્રમંથન પછી પ્રકટેલા પીયૂષની પેઠે શાસ્ત્રો તથા સદગ્રંથોના સારરૂપે પ્રકટેલું છે. એનો આધાર લઈને અમર થવામાં ને કૃતાર્થ બનવામાં વિલંબ શા માટે કરે છે ? પોતાના સ્વાર્થના કાર્યમાં પ્રમાદી બનવાનું હિતાવહ છે ?

એ પછી એણે કપડાં ધોતાંધોતાં ધૂન બોલવાનું શરૂ કર્યું. ઉપર ઉપરથી અવલોકન કરનારને એવું લાગતું કે એનું મગજ ઠેકાણે નથી. એ તરફના ગંગાતટ પરથી પસાર થનારા પ્રવાસીઓ એના તરફ આશ્ચર્યચકિત બનીને શંકાશીલ નજરે નિહાળ્યા કરતા, પરંતુ એને કોઈના તરફ ધારીને નિરખવાનો પૂરતો સમય નહોતો. એ મોટે ભાગે એના કામમાં મશગુલ હતી. છૂટા વાળ અને સફેદ સાડીથી સજ્જ થયેલી એ સાધિકા પોતાના બુલંદ અવાજે ગંગાના સમસ્ત તટપ્રદેશને ગજાવી મૂકતી.

ગીત તથા સંકીર્તનને પૂરું કરીને એણે બંગાલી ભાષામાં કોઈને સદુપદેશ સંભળાવતી હોય એમ કંઈક બોલવા માંડ્યું. એના વ્યક્તવ્યનો ભાવાર્થ એવો હતો કે હિમાલય અને પવિત્ર ગંગામાતાનો આ પુણ્યપ્રદેશ વારંવાર નથી મળવાનો. ઋષિઓનાં તપથી આ પ્રદેશનાં પરમાણુ પવિત્ર થયેલાં છે. એમનો જેટલો લઈ શકાય એટલો લાભ લઈ લો. જપ કરો, તપ કરો, સ્વાધ્યાય કરો, નિયમિત નિયમપાલન કરો. માયામાં ના પડશો. માયા ખૂબ જ કષ્ટ આપનારી છે.

એની પાસેથી પસાર થતા બે પુરુષોએ એને જોઈને સ્મિત કર્યું ને કહ્યું કે આ તો પગલી જ છે. રોજરોજ આવી રીતે લવારા કર્યા કરે છે. એની બુદ્ધિ ઠેકાણે નથી.

પરંતુ એના સુંદર સારગર્ભિત ડહાપણ ભરેલા ઉદગારો પરથી એ પગલી હોય કે એની બુદ્ધિ ઠેકાણે ના હોય એવું સહેજ પણ નહોતું લાગતું. એના ઉદગારો પરથી તો કવિની પેલી પ્રખ્યાત પંક્તિ ‘દુનિયાને ઊંધા ચશ્મા ડાહ્યા દિવાના લાગે’ યાદ આવતી.

કપડાંને ધોવાનું કામ પૂરું કરીને એ ગંગાના નિર્મળ નીરમાં નહાવા માંડી ત્યારે કોઈ કાષાયવસ્ત્રધારી સાધુએ કિનારા પર બેસીને એના તરફ ધારીધારીને જોવા માંડ્યું. એ સાધુને નિહાળીને એ ભારે ઉત્તેજના ભરેલા સ્વરે બોલી ઉઠી કે કપડાને રંગ્યું પરંતુ મનને ના રંગ્યું, મલિન રાખ્યું, તો શું કામનું ? ઘર છોડ્યું પણ સાધુનો સ્વાંગ ધારીને મનના વિકારોને ના છોડ્યા તો તેથી શું વળ્યું ? વિવેક અને વૈરાગ્ય વિના ત્યાગ વૃથા છે. વિકારવાળાં નેત્રોથી બીજાને નિહાળવા કરતાં તો અંધ બનવું વધારે સારું છે. હે સાધુ, ભગવન્નામ લે. સૌમાં ભગવાનને જો. પછી વિકાર તથા વાસના નહિ રહે. પરસ્ત્રીને માતાતુલ્ય માનવાને બદલે ધારીધારીને નિર્લજ્જની જેમ જોતાં શરમાતો નથી ?

સાધુ ચાલવા લાગ્યો એટલે એ આગળ બોલી : આવા કેટલાય કાષાયવસ્ત્રધારી કીડાઓ આ પવિત્ર પ્રદેશને અપવિત્ર બનાવતાં ફર્યા કરે છે. એ સંન્યાસનું અપમાન કરે છે. હું કહું છું કે સંન્યાસ લેવાની ઉતાવળ શા માટે કરો છો ?  સંન્યાસ કંઈ ખેલ નથી. શીર સટોસટનો સોદો છે. ભગવાં પહેરવાં, મોજ કરવી, માલમલીદા ઉડાવવા અને કુદૃષ્ટિ કરવી એથી સંન્યાસની સાર્થકતા નથી થતી. એના કરતાં તો ઘરમાં રહો, પવિત્ર જીવન જીવો, ભગવન્નામ લો, અને સત્કર્મો કરો તો ભગવાન વહેલા પ્રસન્ન થશે, શાંતિ સાંપડશે, ને જીવન ધન્ય બનશે.

વસ્ત્રો પહેરતી વખતે એણે ફરીવાર ગીત ગાવા માંડ્યું, અને પાત્રમાં ગંગાજલ ભરીને એ વિદાય થઈ.

*

રોજ ગંગાસ્નાન કરતી વખતે પૂર્ણિમા ત્યાં દેખાતી. એક બાજુ ગંગા અને બીજી બાજુ ગંગા જેવી જ પવિત્ર એ. બંનેને લીધે એ ભૂમિ સજીવ લાગતી.

એક દિવસ અનોખી ઘટના બની. એક સફેદ વસ્ત્રવાળા વૈરાગી સાધુએ એ કપડાં ધોતી’તી ત્યારે એની પાસે પહોંચીને કહ્યું : ‘તારું સ્વરૂપ કેટલું બધું સુંદર છે ? તારા જેવી સુંદરી શહેરમાં બીજી કોઈ ભાગ્યે જ હશે. તું તો સૃષ્ટિમાં ઉતરી આવેલી સ્વર્ગની અપ્સરા જેવી છે. તારું મુખ પૂનમના ચંદ્ર જેવું સંમોહક ને સુંદર છે. તારા નામ પ્રમાણે તું ખરેખર પૂર્ણિમા જ છે.’

પૂર્ણિમા એના શબ્દો સાંભળીને રોષે ભરાઈને બોલી ઉઠી : ‘તું પાછો અહીં પણ આવ્યો કે ? છેલ્લા કેટલાક દિવસોથી મારી પાછળ પડ્યો છે તો લે તને મેથીપાક ચખાડું. તે સિવાય તારી બુદ્ધિ ઠેકાણે નહિ આવે. સાધુ થઈને અસાધુ જેવો વ્યવહાર કરતાં તને શરમ નથી આવતી ?’

હાથમાં ધોકો લઈને એ સાધુને મારવાને ઊભી થઈ એટલે સાધુએ ચાલતી પકડી.

એ બોલ્યો : ‘હું તારાં વખાણ કરું છું ત્યારે તું મને મારવા દોડે છે ? હું તારો મિત્ર છું. આરાધક.’

‘હું તને હમણાં જ ખબર પાડું છું. એ સિવાય તને સંતોષ નહિ વળે.’

પૂર્ણિમા એવું બોલીને આગળ વધી ને દોડી એટલે સાધુ પણ દોડ્યો. ગંગા તટ પરના લોકોએ હોહા કરી મૂકી. સાધુ જોતજોતામાં દૂરની માયાકુંડની કુટિરો પાછળ અદૃશ્ય થયો એટલે પૂર્ણિમા શાંતિપૂર્વક પાછી ફરી. થોડીકવાર પછી એણે કહેવા માંડ્યું : ‘માયામાં ના પડો. માયા દુઃખદાયક છે. મોહાવનારી, ભાન ભૂલાવનારી છે. જ્ઞાન, વિવેક, વૈરાગ્ય, યોગ, બધાનો નાશ કરનારી છે. જીવનનું કલ્યાણ કરવા માટે માયાને બદલે માયાપતિને પ્રેમ કરો. ભગવાનને ભજો ને ભગવાનનું શરણ લો. શરીર નાશવંત છે. એના મોહને મૂકી દો. નામ જપો, નામ જપો, નામ જપો. નામના પ્રભાવથી મન નિર્મળ થશે ને માયામાંથી મુક્તિ મેળવશે. તીર્થમાં રહીને પાપ વિચાર ના કરો. કુકર્મી ના બનો. ભક્તિ કરો, ધ્યાન ધરો.’

દસેક મિનિટ બાદ કલકત્તાનું કોઈક કુટુંબ ગંગાસ્નાન કરવા આવ્યું. એને જોઈને પૂર્ણિમા પ્રસન્નતાપૂર્વક પાસે પહોંચીને પૂછવા માંડી : ‘તમે કલકત્તાથી આવો છો ?’

‘હા.’

‘કલકત્તામાં ક્યાં રહો છો ?’

‘બડા બજાર પોલીસ સ્ટેશન પાસે.’

‘હું પણ કલકત્તાની છું. ત્યાં કાલીઘાટ પાસે અમારું મકાન છે.’

પેલા કુટુંબના સભ્યોએ જોઈએ તેવો રસ ના બતાવ્યો એટલે વાર્તાલાપ ત્યાં જ અટક્યો. પૂર્ણિમા પાછી ફરી ને ધીમેથી બોલી : ‘માણસોને વાત કરતાં પણ કંટાળો આવે છે. વખત કેટલો બધો બદલાઈ ગયો છે ? અરે ભાઈ, આપણે ભગવાનના એક જ ઘરના વાસી છીએ. ભેદભાવ શા માટે રાખો છો ?’

એણે પાછું ગીત ગાવા માંડ્યું : નવદ્વીપની સુંદર ભૂમિમાં ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ સુમધુર કીર્તન કરતાં નાચે છે. એમની સાથે ભક્તોની મંડળી છે. કેટલો બધો પ્રેમ છે ?  એવું લાગે છે કે પ્રભુ પોતે જ પોતાના પવિત્ર પૂર્ણ પ્રેમનો પરિચય કરાવવા માટે ચૈતન્ય સ્વરૂપમાં પ્રાદુર્ભાવ પામ્યા છે. નામરૂપી અમૃતરસને છૂટે હાથે વરસાવીને એ ભક્તો તથા પ્રશંસકોનું પરમકલ્યાણ કરી રહ્યા છે. નવદ્વીપની ધરતી ધન્ય છે, સૌથી વધારે ધન્ય છે. એની આગળ સ્વર્ગ પણ શું કરે ? વૈકુંઠની પણ શું વિસાત ?

*

પૂર્ણિમા કોણ હતી અને ક્યાં રહેતી ?  એક પરિચિત પુરુષે વાત નીકળતાં જણાવ્યું કે પૂર્ણિમા પરણેલી તથા સંતાનવતી છે. એના પતિની નાનીસરખી દુકાન છે. લગ્ન પહેલાં જ એને ભગવાનની ભક્તિમાં રસ લાગેલો એટલે અત્યારે પણ મોટા ભાગનો વખત પૂજાપાઠમાં ને ભજન કીર્તનમાં વીતાવે છે. ઉંમર નાની-પાંત્રીસની આસપાસની છે, પરંતુ એનો આત્મા સંસ્કારી અને અનોખો છે. હું એની બાજુમાં જ રહું છું. કેટલીક વાર તો એ રાતભર ભજનકીર્તન કરતી હોય છે. કલકત્તામાં એની માતા રહે છે. એ કોઈવાર એને મળવા આવે છે. બાકી એ ગંગાકિનારે સાધિકા તરીકેનું પવિત્ર જીવન જીવતાં જીવતાં પોતાનો સમય સાદાઈથી શાંતિપૂર્વક પસાર કરે છે.

‘એનાં પતિમાં ધાર્મિક સંસ્કારો છે ખરાં ?’

‘પહેલાં જરાપણ નહોતા પણ હવે થોડાક દેખાય છે. એના પ્રભાવથી એના પતિએ ધૂમ્રપાન, શરાબ અને માંસાહારનો ત્યાગ કર્યો છે. એનો જીવનપ્રવાહ પલટાવા માંડ્યો છે.’

પૂર્ણિમાના અધિક પરિચયથી જાણવા મળ્યું કે એણે અવિવાહિતાવસ્થામાં એક વૈષ્ણવ સંત પાસેથી મંત્રદીક્ષા લીધેલી. એ સંતના સદુપદેશે એના જીવન-પરિવર્તનમાં મોટો ભાગ ભજવેલો. એમના આદેશને અનુસરીને એ અનિચ્છા છતાં લગ્નજીવનમાં પ્રવેશેલી. સદભાગ્યે એને ઋષિકેશના પવિત્ર પ્રદેશમાં રહેવા મળ્યું. અહીં આવ્યા પછી એના આધ્યાત્મિક સંસ્કારો પોષણ પામ્યાં ને વધતા ગયા. કપાળે તિલક, કંઠે તુલસીમાળા અને સફેદ વસ્ત્રોથી સુશોભિત એની આકૃતિને અવલોકતાંવેંત એ સાધ્વી હોવાની છાપ પડતી. સવારે વહેલી ઉઠીને એ જપ તથા સંકીર્તન કરતી; પછી ગંગાસ્નાન, પાઠપૂજા તથા ઘરકામ. બપોરે સદગ્રંથનો સ્વાધ્યાય, સાંજે જપ અને રાતે સુતા પહેલાં સંકીર્તન. એ એનો નિત્યક્રમ હતો. એ કહેતી કે મનને નવરું ના પડવા દો. પ્રમાદી ના બનવા દો. ભગવાનના નામમાં ને કામમાં જોડી દો. પછી એ બુરા માર્ગે નહિ જાય. એને વિષયોમાં વિહરવાનો વખત જ નહિ રહે.

*

એક દિવસ સૂર્યાસ્ત થવાની તૈયારી હતી અને ઋષિકેશના ત્રિવેણીઘાટ પર ભગવાન સૂર્યનારાયણ અંતિમ દૃષ્ટિપાત કરી રહેલા ત્યારે પૂર્ણિમા ગંગાકિનારે ગંગાજળ ભરવા માટે આવી પહોંચી. ત્રિવેણીઘાટ પર એક તરફ કેટલાક બંગાળી મુસાફરો માછલી પકડવાનો પ્રયાસ કરતા’તા. એમને જોઈને એ બોલી ઊઠી : ‘અરે, આ શું કરો છો ? આવા પવિત્ર તીર્થસ્થાનમાં આવીને નિર્દોષ જીવોની હત્યા કરો છો ?’

‘તું વળી ઉપદેશ આપનારી અને ટોકનારી કોણ ?’

‘ઉપદેશ આપતી કે ટોકતી નથી પરંતુ યાત્રી તરીકેનો ધર્મ સમજાવું છું.’

‘અમે સઘળું સમજીએ છીએ.’

‘સમજતા હોત તો આવું ના કરત. આ જગ્યા માછલાં પકડવાની છે કે શાંતિથી ફરવાની ને ભજન કરવાની ?’

‘એ તો અમારો ખોરાક છે. પાણીમાં નિરર્થક વહી જાય એના કરતાં એમનો સદુપયોગ કરીએ તો શું ખોટું ?’

‘એ સદુપયોગ નથી દુરુપયોગ છે. કોઈ તમને પકડીને મારી નાખે તો કેવું લાગે ?’

મુસાફરો માન્યા નહિ એટલે પૂર્ણિમાએ પોતાનો રોષ ઠાલવતાં જોરશોરથી બોલવા માંડ્યું. એનો શોરબકોર સાંભળીને બીજા લોકો ભેગા થઈ જવાથી પેલા મુસાફરો એમની હિંસક પ્રવૃત્તિને પરિત્યાગીને ચાલી નીકળ્યા.

પૂર્ણિમાને પ્રસન્નતા થઈ.

*

માયાકુંડના એક સુપ્રસિદ્ધ સાધુને મેં એના વિશે વાત કરી તો એમણે જણાવ્યું : ‘પૂર્ણિમા તો પગલી જેવી છે. એના મગજનું ઠેકાણું નથી. ગંગા કિનારે ને ઘેર લાજમર્યાદા છોડીને જેમ ફાવે તેમ લવારા કર્યા કરે છે.’

પરંતુ એને પગલી માનવાનું કોઈ કારણ નહોતું. મને તો ના લાગ્યું. સંસારમાં એવી રીતે અનેકને પાગલ માનવામાં આવતા હશે અને કેટલાય પાગલો ડાહ્યા ગણાતા હશે. પૂર્ણિમા જે પંથે પ્રવાસ કરી રહેલી એ પંથ પવિત્ર, પ્રામાણિક, પરમ કલ્યાણકારક હતો એમાં મને સંદેહ ના રહ્યો. મેં એને એના પ્રવાસમાં સફળતા ઈચ્છી.

 - શ્રી યોગેશ્વરજી

Today's Quote

Constant dripping hollows out a stone.
- Lucretius

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.